ઉત્તરાખંડના પહાડોની શાંતિ અને હરિયાળી વચ્ચે ઋષિકેશ નજીક આવેલો વનંતરા રિસોર્ટ બહારથી જોતાં ભલે શાંતિ અને વૈભવનો ઓથાર લાગતો હોય, પણ તેની અંદર રહેલો ભયાનક અંધકાર 18 સપ્ટેમ્બર, 2022ના દિવસે છલકાઈ ગયો.
19 વર્ષની એક યુવાન રિસેપ્શનિસ્ટ, અંકિતા ભંડારી કે જેણે પૌરી ગઢવાલના પોતાના ગામમાંથી નીકળીને સારી નોકરી અને સોનેરી જીવનની આશામાં અહીં પગ મૂક્યો હતો, તે અચાનક જ રાત્રે ગાયબ થઈ ગઈ. આ ગુમ થવું કોઈ અકસ્માત નહોતો, પરંતુ સત્તાના મદમાં ચકનાચૂર એક રાજકીય પરિવારના સભ્ય દ્વારા આચરવામાં આવેલા ઘૃણાસ્પદ ષડ્યંત્રનું પરિણામ હતું, જેણે આખા દેશને હચમચાવી દીધો.
અંકિતા ભંડારી ઑગસ્ટ, 2022માં આ રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોડાઈ હતી અને પોતાની નોકરીની શરૂઆત કરી હતી. તેના પિતા ગામડામાં રહેનારા એક સામાન્ય માણસ હતા. અંકિતા પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે અને પોતાનાં સપનાઓ પૂરા કરવા માટે ઋષિકેશ આવી હતી. આ રિસોર્ટનો માલિક પુલકિત આર્ય હતો, જે ઉત્તર પ્રદેશમાં એક શક્તિશાળી નેતા અને રાજ્યમંત્રીનો પુત્ર હતો. રિસોર્ટ ચલાવવાના નામે, પુલકિત આર્ય અને તેના સાથીઓ - મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તા - અસામાજિક ગતિવિધિઓ અને કાળા ધંધાનું એક ગુપ્ત નેટવર્ક ચલાવતા હતા. આ રિસોર્ટમાં આવતા `ખાસ મહેમાનો' માટે પુલકિત આર્ય અંકિતા પાસે `વિશેષ સેવાઓ' આપવાની માંગણી કરવા લાગ્યો. આ `વિશેષ સેવાઓ'નો અર્થ દેહવિક્રય સિવાય બીજો કોઈ નહોતો. અંકિતાએ આ માંગણીનો સખત વિરોધ કર્યો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પુલકિત આર્યએ અંકિતા પર દબાણ વધાર્યું હતું. તેના ફોન રેકોર્ડ્સ અને મિત્રો સાથેની ચેટ્સમાંથી સ્પષ્ટપણે જાણવા મળ્યું કે તે આ વાતથી ખૂબ જ દુઃખી હતી અને નોકરી છોડી દેવા માંગતી હતી. એક ચોક્કસ વીઆઈપી ગ્રાહક ટૂંક સમયમાં રિસોર્ટમાં આવવાનો હતો અને પુલકિત આર્ય અંકિતાને કોઈ પણ ભોગે તેની સાથે સહવાસ કરવા મજબૂર કરવા માંગતો હતો. 18 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે જ્યારે અંકિતાએ અંતિમ વખત આ ગેરકાયદેસર માંગણીનો ઇનકાર કર્યો, ત્યારે રિસોર્ટના ઓરડાઓમાં તણાવની હવા ફેલાઈ ગઈ. પુલકિત આર્ય ગુસ્સે ભરાયો, કારણ કે તેને લાગ્યું કે અંકિતા તેનો આખો વ્યવસાય બગાડી દેશે.
18 સપ્ટેમ્બરની તે રાત આ ઘટનાની પરાકાષ્ઠા હતી. પોલીસની ચાર્જશીટ મુજબ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાંજે લગભગ 8 વાગ્યે અંકિતાને લઈને રિસોર્ટમાંથી બહાર નીકળ્યા. તેઓ એક બાઇક અને એક કારમાં ઋષિકેશ - ચિલ્લા કેનાલ રોડ પર ગયા. આ ત્રણેયનો હેતુ અંકિતાને ડરાવવાનો અને પોતાની વાતને કોઈ પણ ભોગે મનાવવાનો હતો, પણ અંકિતા પોતાના નિર્ણય પર અડગ હતી. રસ્તામાં પુલકિત આર્ય અને અંકિતા વચ્ચે જોરદાર ઝઘડો થયો. આ દલીલો વચ્ચે અંકિતાએ પુલકિતને તેના કાળા ધંધા અને રિસોર્ટનાં ગેરકાયદેસર કાર્યોને બધાની સામે લાવી દેવાની અને તેને એક્સપોઝ કરવાની ધમકી આપી. આ ધમકી પુલકિત આર્ય માટે ટ્રિગર સાબિત થઈ.
ચિલ્લા બેરેજના અંધારા અને શાંત વિસ્તારમાં, જ્યાં પાણીનો પ્રવાહ તેજ હતો, ત્યાં આ ભયાનક ગુનો આચરવામાં આવ્યો. પોલીસ રિપોર્ટ મુજબ દલીલ વધી જતાં પુલકિત આર્યએ અંકિતાને માર મારવાનું શરૂ કર્યું. સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાએ પણ તેમાં સાથ આપ્યો. પુલકિતે ગુસ્સામાં આવીને અંકિતાને કેનાલમાં ધક્કો મારી દીધો. અંકિતા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ. પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાએ ખાતરી કરી કે અંકિતા પાણીમાં ડૂબી ગઈ છે ત્યારબાદ તેઓ રિસોર્ટ તરફ પાછા ફર્યા, જાણે કંઈ બન્યું જ નથી. આ ઘટના લગભગ રાત્રે 10:30ની આસપાસ બની હોવાનું માનવામાં આવ્યું.
બીજા જ દિવસે 19 સપ્ટેમ્બરના રોજ, પુલકિત આર્યએ તેના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને એક ખોટી વાર્તા ઊભી કરી. તેણે પોતે જ પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટ લખાવ્યો કે અંકિતા રિસોર્ટના રૂમમાંથી ગાયબ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં તેણે જણાવ્યું કે અંકિતા માનસિક રીતે અસ્થિર હતી અને કદાચ તે જાતે જ ક્યાંક ચાલી ગઈ હશે. આ રીતે તેણે ગુનાને આત્મહત્યા અથવા ગુમ થવાનો કેસ બતાવવાનો પ્રયાસ કર્યો. જોકે, અંકિતાનાં માતા-પિતા અને મિત્રોને વિશ્વાસ હતો કે અંકિતા આવું ક્યારેય ન કરી શકે. અંકિતાએ તેના એક મિત્ર સાથે છેલ્લી વાતચીત કરી હતી, જેમાં તેણે રિસોર્ટના સંચાલકો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર દબાણ વિશે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ રાજકીય દબદબાને કારણે શરૂઆતમાં સ્થાનિક પોલીસે કેસને ગંભીરતાથી ન લીધો, પરંતુ અંકિતાના પરિવારે અને ખાસ કરીને તેના મિત્રોએ સતત અંકિતાને ન્યાય આપવા માટેની લડત અને પ્રયાસો ચાલુ રાખ્યા. આ સમય દરમિયાન અંકિતાના મોબાઇલ ફોનના ડેટાની તપાસ કરવામાં આવી. ફોન લોકેશન ટ્રેસિંગ અને તેની છેલ્લી ચેટ્સે આખા કેસની દિશા બદલી નાખી. ટેક્નિકલ પુરાવાઓએ સાબિત કર્યું કે અંકિતા ગુમ થવાના સમયે રિસોર્ટથી દૂર, પુલકિત આર્ય અને અન્ય બે આરોપીઓ સાથે હતી. આ પુરાવાઓના આધારે પોલીસનું વલણ બદલાયું અને રાજકીય દબાણ હોવા છતાં, 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે બનેલી ઘટનાની કડીઓ જોડવાનું શરૂ થયું.
22 સપ્ટેમ્બર, 2022ના રોજ પોલીસને પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા પર શંકા ગઈ. કડક પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓ તૂટી પડ્યા અને તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો. તેમણે સ્વીકાર્યું કે ઝઘડા બાદ તેમણે અંકિતાને ચિલ્લા નહેરમાં ધક્કો મારી દીધો હતો. આ કબૂલાતથી આખા ઉત્તરાખંડમાં ખળભળાટ મચી ગયો. ત્રણેયની ધરપકડ કરવામાં આવી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. આ ધરપકડની સાથે જ, વનંતરા રિસોર્ટની ગેરકાયદેસર
ગતિવિધિઓની વાત પણ ખુલ્લી પડી અને રાજ્યના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો.
23 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે પોલીસ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની મદદથી ચિલ્લા બેરેજની નહેરમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની ઓળખ તેના પરિવારે કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું કે મૃત્યુનું કારણ ડૂબી જવું હતું, પરંતુ શરીરમાં મારપીટના ઘણાં નિશાન હતાં, જેણે પુલકિત આર્યના હિંસક સ્વભાવ અને હત્યા પહેલાં થયેલા સંઘર્ષની વાતની પુષ્ટિ કરી. અંકિતાનો મૃતદેહ મળ્યા પછી સ્થાનિક લોકો અને સમગ્ર દેશમાં ભયંકર આક્રોશ ફેલાયો. ઉત્તરાખંડના લોકોએ ન્યાય માટે ભારે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યાં, માંગ કરી કે રાજકીય પ્રભાવને ધ્યાનમાં લીધા વિના દોષિતોને સખત સજા થવી જોઈએ.
રાજકીય કનેક્શનને કારણે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવી. વિવાદ વધતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ મામલે સિટ(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ વિરોધ પ્રદર્શનોને શાંત કરવા માટે વનંતરા રિસોર્ટના કેટલાંક ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. જોકે, આ પગલાથી પણ વિવાદ ઊભો થયો, કારણ કે પુરાવા નષ્ટ થઈ શકે છે તેવી ભીતિ રહેલી હતી, પરંતુ સિટની તપાસ નિષ્પક્ષ રહી અને તેણે તમામ વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓનાં નિવેદનો એકત્ર કર્યાં.
સિટની તપાસ દરમિયાન પુલકિત આર્યના મોબાઈલમાંથી ફોટોગ્રાફ્સ અને ચેટ્સ મળી આવ્યા, જેણે સ્પષ્ટ કર્યું કે તે રિસોર્ટમાં દેહવિક્રયનો ધંધો ચલાવતો હતો અને અંકિતાને આમાં સામેલ કરવા માટે દબાણ કરતો હતો. સિટે પુલકિત આર્ય અને અન્ય બે આરોપીઓ સામે હત્યા, સામૂહિક અપરાધિક ષડ્યંત્ર અને પુરાવા નષ્ટ કરવાના આરોપો હેઠળ મજબૂત ચાર્જશીટ તૈયાર કરી. ડિસેમ્બર, 2022માં સિટે ત્રણેય આરોપીઓ સામે 300 પાનાંથી વધુની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, જેમાં 26 સાક્ષીઓનાં નિવેદનો અને 97 દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ચાર્જશીટે સ્પષ્ટ કર્યું કે પુલકિત આર્યએ જ અંકિતાને દેહવિક્રય માટે દબાણ કર્યું હતું અને તેનો ઇનકાર હત્યાનું તાત્કાલિક કારણ બન્યું હતું. ફરિયાદ પક્ષે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે એક ચેટમાં અંકિતા ભંડારીએ લખ્યું હતું કે, `હું ગરીબ છું, પણ શું હું મારા શરીરને 10,000 રૂપિયામાં વેચી દઉં?'
આ કેસનો ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં શરૂ થયો. આરોપીઓએ અનેકવાર જામીન મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટે તેમની અરજીઓ વારંવાર ફગાવી દીધી, કારણ કે તેમની સામેના પુરાવા ખૂબ જ મજબૂત હતા. અંકિતાના પરિવારે, ખાસ કરીને તેના પિતાએ, દીકરીને ન્યાય અપાવવા માટે હાર ન માની. જનતાનો ટેકો અને મીડિયાનું ધ્યાન આ કેસ પર સતત ટકી રહ્યું, જેના કારણે રાજકીય દખલગીરી હોવા છતાં કેસની નિષ્પક્ષ કાર્યવાહીમાં મદદ મળી.
30 મે, 2025ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં આવેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કોર્ટે વનંતરા રિસોર્ટના માલિક અને વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્ય તથા તેના સાથીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને 19 વર્ષીય રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા બદલ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 354 (સ્ત્રીની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળજબરી) અને 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ અંકિતાની માતાએ જાહેરમાં દોષિતોને મૃત્યુદંડની માંગ કરી છે અને આ માટે તેઓએ ઉપલી અદાલતના દરવાજા ખખડાવ્યા છે.
