આમ કંઈ કહેવા કે બોલવાપણું રહ્યું જ નહોતું. તે જીવતી જાગતી સામે બેઠી હતી એટલું જ નહીં, મરક મરક હસતી હતી, પણ તેણીના હસવા પાછળ છુપાયેલું દર્દ અને પ્રાણરોધી પીડા અજાણ રહી નહોતી.   

જ્યારે ફરીવાર પૂછ્યું હતું : `પણ તું જીવે છે ને અહીં છેક આવી ગઈ?' નવાઇ પામવામાં કંઈ અધૂરપ રહી નહોતી. મારા સામે એટલું જ બોલી હતી : `હું જીવતી જાગતી તમારી સામે જ બેઠી છું.'

 જીવતીનું કહેવું તદ્દન સાચું હતું, પણ મન માનવા તૈયાર નહોતું. આશરે વીસ-પચીસ વર્ષ પહેલાં ગામમાંથી ગુમ થયેલી. અરે! લોકજીભે ચઢી ને પછી મરી ચૂકેલી સ્ત્રી આમ એકાએક દેશના પાટનગરમાં જોવા મળે તે કોઈ રીતે મન કબૂલવા તૈયાર ન થાય, પણ નક્કર ને નકારી ન શકાય એવી હકીકત હતી.

પ્રથમ તો જવાબ આપી હસવા લાગી હતી ને પછી હસવામાં રડવું ઉમેરાઇ ગયું હતું. આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં હતાં. મોતીની માળા રચતાં આંસુ જાણે વણકહી કહાનીની છડી પોકારતાં હતાં.   

કોનોટ પ્લેસની ભીડ વચ્ચે પણ એક અવાજ કાન અને પછી મનને તીવ્ર ઘચરકો કરી ગયો હતો. પહેલાં તો કાન દીધા નહોતા, પણ પછી એ અવાજવાળીના પાથરણા સામે જ પલાંઠી વાળી બેસી ગયો હતો. મોં ને બદન પર સમયની રજોટ પથરાઇ ગઈ હતી, પણ પાણીદાર આંખો ને રૂપાની ઘંટડી જેવો મંજુલ સ્વર તેની અસલિયત માટે અડીખમ ઊભા હતા. તે ચાંદીના હોય એવા મોં-ગળા પરના આભૂષણ ખરીદવા માટે કોઈ ફોરેનર ગ્રાહકને પોતાની ભાંગીતૂટી ભાષામાં સમજાવી રહી હતી. એક ક્ષણે તો થઇ આવ્યું 

હતું : ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સૂર! એક ગ્રામીણ અભણ સ્ત્રી, પરદેશીને તેની અંગ્રેજીમાં અરે! `ગુજલિશ'માં સમજાવવાનો પ્રયાસ કરી, એક પરચૂરણ વેપારી તરીકે સફળ રહ્યાંનું જાતે જોયું હતું.   

પણ ગ્રાહક હોવાના એક પણ લક્ષણ વગર તેની સામે જ અડિંગો જમાવ્યાનું જોઈ તેની આંખો ને મુખવટો જ બદલાઈ ગયાં હતાં. થયું હતું, જીવતીએ હજુ પણ એ મારકણી આંખોની કટાર જેમ કતરાતી નજરને અકબંધ રાખી છે. કંઈ બોલે એ પહેલાં જ બોલી ગયો હતો : `જીવતી જ છેને?' પળાર્ધ વિરામ બાદ તેણીએ ધારદાર જવાબ આપીને તેની હયાતીમાં હસ્તાક્ષર કરી દીધા હતા, પણ પછીથી આગળ શું બોલવું, પૂછવું તેની ભારે મથામણ થવા લાગી હતી. જે હૈયે હતું તે હોઠે આવતું નહોતું.   

જીવતી એટલે ગામનું ગમતીલું પાત્ર. સહેજ શ્યામળી પણ નમણાશ ભારોભાર ભરી હતી. વળી, કોઈ સામે જોઈ મોં મરકાવી, અંગમરોડથી એવો ઠસ્સો દાખવે કે તે જોઈ ભલભલા ભોં ચાટતા થઇ જાય.   

પાણી શેરડેથી જીવતી પાણીની હેલ લઈને નીકળે ત્યારે ગામનું પણ પાદર પોરસાઈ જાતું હતું   

અને એક દિવસ જીવતી ગામમાંથી ગુમ થઇ ગઇ. પછી તો એ દિવસ ને આજની ઘડી, કોઈ અતોપતો લાગ્યો નહોતો. પાંચ-પંદર દિવસ વાતો થઇ ને પછી કાયમીપણે વસ્તીમાંથી વિસરાઇ ગઈ હતી.   

`મને ઓળખ્યો કે પછી...' સવાલ સામે સળગતી નજરે જોઈ, પછી તો એકદમ હોલવાઇ ગઈ હતી.   

પહેલાં તો અણિદાર આંખો વડે કોતરી લીધો હતો.પછી છાતીફાટ નિસાસો નાખીને બોલી હતી: `ઓળખું છું, બરાબર.' તે આગળ બોલી 

નહોતી, પણ બરાબરનું સમજાઇ ને છાતીમાં ચોંટી ગયું હતું.   

મહામૂંઝવણ વચ્ચે એક વંટોળ આવીને વહી ગયો હતો. અંદર-બહારથી અસ્તવ્યસ્ત થઇ જવાયું હતું. જીવનમાંથી એક ખોવાઈ ને કાયમીપણે વિસરાઇ ગયેલા પાત્રનો અચાનક જ સાક્ષાત્કાર થયો હતો.   

`અહીં, આમ જોઇને નવાઇ લાગે છેને?' તેના સવાલ સામે માથું હલાવી હા પાડવાની જ હતી.   

જીવતી સામે જીભાજોડી કરવી એટલે સરોવરમાં છબછબિયાં કરવા જેવું હતું. વાતવાતમાં પકડી લઇ, પથ્થર જેવો શબ્દનો પ્રહાર કરે. તમારી જીભ ને જીવ તાળવે ચોંટી જાય. કંઈ બોલી જ શકો નહીં.   

`મારી પાછળ ગામ ગાંડું થયું હતું તેમાં આપશ્રી પણ હતાને.' સામે અબોલ રહેવામાં જ સાર સમજ્યો હતો. પછી જીવતી દુઃખ સાથે કહે: `પણ પત્ની તરીકે રાખવા કોઈ રાજી નહોતુંને.' પાણીનો રેલો પગ નીચે આવીને અટક્યો હતો.

`અરે! ચા-પાણીનું પૂછવાનું ભૂલી ગઈ.' પછી મોં પર જ ઝાપટી દીધું હતું: `પીશોને કે પછી આભડછેટ સાથે લઈને આવ્યા છો?' સમસમીને ચૂપ રહેવા સિવાયનો બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો.   

`મારો બાપ મને પરણાવી દેવામાં હતો.' તે કહેતી હતી : `પણ મારાં માસી ગામડે આવ્યાં'તાં પછી તેમની સાથે અહીં જ આવતી રહી.' ટૂંકાણમાં તેની અહીં સુધીની સફર સંભળાવી હતી.   

`પત્ની તરીકે રાખવા કોઈ તૈયાર નહોતું, એ સાવ સાચું નથી.' આવું સાંભળી તેની આંખો પહોળી થઇ ગઈ હતી, પણ જવાબ હતો: `તો અહીં રોકાઇ જાવ, નહીં તો સાથે આવવા તૈયાર છું.'   

`ઘરે દસ વરસની દીકરી છે.' કહ્યા પછી બોલવા કે બેસવા જેવું કંઈ રહ્યું નહોતું.    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો