રાણી, આ ઓફર ઠૂકરાવીને મોટી ભૂલ કરી રહ્યાં છો.' મોં પર નજરના ખીલા ખોડી, થોડો ગુસ્સો ને ભારોભાર નારાજગી સાથે આખરી શબ્દોમાં સંભળાવી દીધું હતું : `ખબર છે, તમારી કારકિર્દી ખતમ થઇ જશે!' વિખવાદને વરેલો સંવાદ અટકી ગયો હતો, પણ આડઅસર ગટર જેમ ઊભરાઇને મન માંહે ગંધાવા લાગી હતી, પણ રાણીએ સંયમ દાખવવામાં જ ખરું શાણપણ સમજ્યું હતું.

 `હિરોઈનના રોલ માટે તો યુવતીઓ તન, મન ને ધનથી ખર્ચાવા માટે તૈયાર હોય છે.'

એક ગુજરાતી ફિલ્મનાં હીરો-હિરોઈન રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તદ્દન સામાન્ય પહેરવેશમાં હતાં, છતાંય લોકો જોશે, ઓળખશે પછી ટોળું જમા થઇ જશે ને ભીડમાંથી છૂટવું મુશ્કેલ થશે. આ છૂપો ડર હતો, પણ એવું બન્યું નહોતું. સ્થાનિક લોકો માટે આ સાવ સામાન્ય હતું.

`નિર્માતાઓ પહેલાં તો લાખ્ખો, કરોડો રૂપિયાનો જુગાર ખેલતા હોય છે.' સમજાવટના પ્રયાસ સાથે શ્વાસ ઘૂંટીને બોલ્યા હતા: `ફિલ્મ ફ્લોપ જાય કે હિટ એ તો પછી ખબર પડે.'

લતારાણી રાજીવકુમારના એક એક શબ્દને બરાબર સાંભળતી ને સમજતી હતી, પણ કુમારને જો સાચું કહી દે તો કદાચ મુખ્ય ભૂમિકાની આ ઓફર જ હવામાં ઊડી જાય, હાથમાં કે સાથમાં કંઈ રહે નહીં.

રાજનગરી એવા રાજપીપળાના રજવાડી પેલેસનો દરવાજો ઓળંગી આગળ વધ્યા હતા. મનોકામના હતી હરસિદ્ધ માતાનાં દર્શન કરી દેવીશક્તિની સાક્ષીએ હૈયાની હાર-જીતની કબૂલાત કરવાની.

વહેલી સવારનો ઊઘડતો પહોર હતો. સૂરજદેવ રન્નાદેના પાલવમાંથી પ્રગટ્યા નહોતા. છતાંય ઉગમણા આભમાંથી સોનેરી ઉજાસનો રંગ-ગુલાલ ઊડી રહ્યો હતો. મંદ મંદ વાતો વાયુ વીંઝણો વીંઝી રહ્યો હતો. આવા મુલાયમ પહોરે રાજીવકુમાર અને લતારાણી વહેલાં ઊઠીને ચાલવા નીકળ્યાં હતાં. લતારાણીએ હીરો સામે મઘમઘતું સ્માઈલ આપીને પૂછ્યું હતું: `કઈ તરફ ચાલીશું?' સામે ફિલ્મી સ્ટાઇલથી જવાબ મળ્યો હતો: `અજાણ્યા માટે બધા રસ્તા સરખા.' પછી સસ્મિત જણાવ્યું હતું: `માતાજીનાં દર્શન કરીએ, પછી...' મનની વાતને પહેલાં કોણ પ્રગટ કરે તે અવઢવ સાથે પગલાં પાડતાં હતાં.

ગુજરાતની પ્રસિદ્ધ લોકકથા રા' નવઘણની કથા આધારિત એક ફિલ્મનું ઇનડોર શૂટિંગ રજવાડી મહેલમાં થઇ રહ્યું હતું. તેમાં નવોદિત તારિકા લતારાણીનો અગત્યનો રોલ હતો. આ અગાઉ ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા હતા, પણ એવી કોઈ ઓળખ ઊભી થઇ નહોતી.

રોલ ભલે સાવ નાનો ને સામાન્ય હોય, પણ લતારાણી પોતાનો પ્રાણ પૂરી દેતી હતી. પાત્રને જીવી જતી હતી, જે નિર્માતાના ધ્યાન બહાર નહોતું. એ જોઈ આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ આપ્યો હતો. તેમાં સૌથી મોટી વાત એ હતી કે હીરો તરીકે દિગ્ગજ કલાકાર રાજીવકુમાર હતા. ફિલ્મમાં તેમની સાથે કામ કરવું તે દરેક કલાકારના ભાગ્યમાં નહોતું. લતારાણીને તો ફિલ્મના હાર્દ સમાન રોલ મળ્યો હતો. તે ખરેખર તો લોટરી લાગ્યા જેવું હતું.

મૂળ વાત એવી પણ હતી, ગુજરાતીલોકના હૈયે વસી ગયેલા આ કલાકાર જૂની હિરોઈનથી ઉબકાઇ ગયા હતા. તેનાં નખરાં રીલ લાઈફમાં ચાલતાં હતાં, પણ રિઅલ લાઈફમાં ગમતાં કે પરવડતાં નહોતાં. તેમાં વળી આ ફિલ્મમાં બહેનનું કિરદાર નિભાવવાની ઘસીને ના પાડી હતી. એટલે થયું હતું, ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ભગવાન!

અને નિર્માતાએ નિર્દેશ કરેલી આ હિરોઈન રાજીવકુમારની આંખે વસી ગઈ હતી.

ગુજરાતી ફિલ્મનાં વળતાં પાણી હતાં. મોટાભાગની ફિલ્મો એ જુગલજોડીના નામ પર ચાલી હતી.

`હરસિદ્ધ માતાનાં દર્શન કરીશું ને તેની સાક્ષીમાં...' કુમાર આગળ બોલવાનું અટકી લતારાણી સામે ભાવભીની નજરે તાકી રહ્યા હતા. તે કંઇ બોલ્યા વગર આગળ ચાલ્યાં હતાં.

રા' નવઘણના ત્યાગ, બલિદાન અને અજોડ શૌર્યની કથા તો અદ્ભુત હતી.

જૂનાગઢ જિલ્લાના કોડીનાર પાસેના આલીદર-બોડીદર ગામના આહિર દેવાયત બોદર પોતાના સગા દીકરાના ભોગે રા'વંશના અંશને ઉછેરે છે અને વખત આવ્યે રણબંકા આહિર જુવાનોની ફોજ એકઠી કરી, જૂનાગઢ પર ચઢાઈ કરે છે, જીતે છે ને રા'ને તેમનું રાજ પાછું અપાવે છે. તેમાં વાલબાઈ વડારણ, ભીમડા ઢોલીના ત્યાગની ભૂમિકા દાદ માગી લે તેવી રહી છે, પણ ખાસ તો દેવાયત આહિર, આહિરાણી અને દીકરી જાહલ અને રા' નવઘણ વચ્ચેનાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધની મુઠ્ઠી ઊંચેરી વાત હૈયા સોંસરવી ઊતરી જાય એવી હતી. કથાની એક એક ઘટના મુલાયમ હૈયાને હચમચાવી દે તેવી રહી હતી. તેમાં બહેન જાહલના ખમીરવંતા એવા જાનદાર અને શાનદાર કિરદારને નાયિકા લતારાણી જાણે કે જીવી ગયાં કે રહ્યાં હતાં.

આ ફિલ્મ પછી નવી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવામાં હતું, જે એક પ્રણયકથા હતી ને તેમાં લતારાણીને પ્રેમિકાના રોલની સામેથી ઓફર થઇ રહી હતી. કુમારનું કહેવું હતું, આ રોલમાં તમને પૂર્ણપણે ઊઘડવાની ને વિકસવાની તક મળશે. ફિલ્મજગતમાં છવાઈ જશો.

લતારાણીએ મૌનનો પડદો હટાવ્યા વગર છૂટકો નહોતો.

`કુમાર! આપનો પ્રેમ, લાગણી આ બધું જ સમજું છું, પણ...' સામે થયું હતું : `પણ શું?'

`એકવાર બહેનનું પાત્ર ભજવ્યું, હવે પરકાયા પ્રવેશ કરીને પણ આપની પ્રેમિકા ન બની શકું.'

પછી કોઈ કંઈ જ બોલ્યા વગર પાછાં ચાલવા લાગ્યાં હતાં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો