કોઈ જણને રીતસરની દયા આવી ને સૌની વચાળે પ્રસ્તાવ મૂકી દીધો હતો: `મને લાગે છે કે ડોસીમાને સાચું કહી દેવું પડે.' પછી સૌની સામે નજરનો સાવરણો ફેરવી લીધો હતો અને આગળ કહી સંભળાવ્યું હતું: `આ અવસ્થામાં ચાલી શકાતું નથી ને નાહકના હેરાન થાય છે.
આમાંથી મુક્ત કરવા એ પણ એક સેવા જ ગણાશેને!' થોડીવાર કોઈના પ્રતિભાવની રાહ જોઈ હતી, પણ કોઇએ સાચી-ખોટી પણ હા કે ના કહી નહોતી, પણ દયાળુ જણે પોતાનો કક્કો ઘૂંટવો શરૂ જ રાખ્યો હતો. છેલ્લે કહ્યું હતું: `ડોસીમાનું આ કામ કોઈને ચીંધી શકાય એવું પણ નથી. નહિતર આપણે જાતે જઇને કરી દઈએ.'
સવારનો કોકરવરણો તડકો તેના ઉચાળા ભરવામાં હતો. ગામ ઉલેચાઇને સીમ ભણી ગતિ કરી રહ્યું હતું. બે-પાંચ વીઘામાં પથરાઇને પડેલું પાદર પણ વટેમાર્ગુ, ઢોરઢાંખર ને ગાડાખેડુઓથી ખૂંદાઈ ને છૂંદાઈ ગયા પછી કોઈ સમજુ માણસ જેમ મૌન ધારણ કરી ગયું હતું.
ગામ સહિયારા કૂવા પર ગોઠવી દીધેલા નળ પાસેથી પાણીશેરડો પણ વિરમી જવામાં હતો. સઘળું પાંખું પડવામાં હતું. આવા ફક્કડ ગિરધારી ટાણે, પાદરનો મૂક સાક્ષી એવો ગાયકવાડી ઉતારાનો જર્જરિત ઓટલો રાબેતા મુજબ ઊભરાવા લાગ્યો હતો. ગામના સાવ નવરા ને નકામા, જેનું ઘરમાં કે સીમમાં કોઈ કામ નથી એવા આધેડ વય વટાવીને સાવ ખાલી પાલી જેવા માણસો, એક પછી એક કરતા આવવા લાગ્યા હતા. આ વેળા મંગુડોસી પણ રાબેતા મુજબ પોતાના સાત ખોટના દીકરાને ફોન કરવા માટે ટેલિફોનના બૂથ પર આવ્યાં હતાં.
ગાયકવાડી ઉતારામાં પંચાયત ઓફિસ હતી. તેમાં ટપાલખાનું અને નવું આવેલું ટેલિફોન બૂથ પણ હતું. ડોસીમા ડગુંમગું ચાલતાં-ચાલતાં રાબેતા મુજબ બૂથ પર આવ્યાં હતાં અને હાથમાં રાખેલો રૂપિયાનો સિક્કો ડબલામાં નાખવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યાં હતાં, કારણ કે હાથ ધ્રૂજતો હતો, સ્થિર થતો નહોતો.
ઓટલા પર બેઠેલા નવરા લોકોની નજર ડોસીમા પર પડી હતી. ડોસીના દીકરા વિશેની ખરી હકીકત ગામમાં કોઇથી અજાણ નહોતી. સૌ સારી પેઠે જાણતા હતા પણ ડોસીમાને સાચું કહે કોણ?
પણ ત્યારે એક જણને ડોસીમાની દયા આવી હતી અને છેલ્લી અવસ્થામાં સાચું કહી દેવું જોઈએ.
ઘણા મહિનાઓ પહેલાં ડોસી `પોસ્ટઓફિસ' વાર્તાના અલીડોસા જેમ દીકરાની ટપાલની વાટે ઓફિસનાં પગથિયાં ઘસતાં હતાં. પડખેના ગામમાંથી ટપાલનો થેલો આવે, એક પછી એક ટપાલ જોવાય, પણ ટપાલ કેવી ને વાત કેવી? ડોસી નિસાસો નાખવાનું ભૂલી જતાં હતાં, પણ આવતા દિવસની આશાનું પોટલું છાતીમાં દબાવી ઘેર પાછાં ચાલ્યાં જતા હતાં. પછી કોઈએ ડોસીમાને રીંછના મોંમાં લાકડું પકડાવ્યા જેવું કરીને કહી દીધું હતું: `ડોસીમા, ટપાલ તો આવતી આવે, પણ ફોનમાં તો દીકરા સાથે સીધી વાત થઇ શકે હોં.' પછી ઉમેર્યું હતું: `આ ડબલું આવ્યું એ એનું જ છે.'
વર્ષોથી વિખૂટા પડેલા વહાલસોયા દીકરા સાથે વાત થઇ શકે, તેનો અવાજ સાંભળવા મળે, એ માટે ડોસી તો ઝેરના જેમ ઘૂંટડો ગળે ઉતારી સૌ લોકો સામે ગાંડાઘેલાં થઇ ગયાં હતાં, પણ કોઈએ જણાવ્યું નહોતું કે નંબર કે એસટીડી કોડ વગર ક્યાં ફોન કરશો? માત્ર એટલું જ કહ્યું હતું: `સિક્કો નાખો એટલે સામે વાત થાય!' ડોસીનું ચસકી ન જાય તો સારું, એવું પણ થયું હતું, પણ જમાનાના ખાધેલ ડોસી ડગ્યાં નહોતાં. કંઈ જાણતાં હોય એમ ડોસીમા સામેથી કહેવા લાગ્યાં હતાં: `મા વાત કરવા આવી છે, એવી ખબર પડશે એટલે દીકરો દોડતો આવશે!' અને આવું બોલ્યા પછી રડતાં હતાં કે હસતાં હતાં, એ કોઈને સમજાતું નહોતું.
ડોસીએ દીકરાને લાડકોડથી ઉછેરી મોટો કર્યો ને સાથે ભણાવ્યો હતો. નોકરી મળશે, સારી છોકરી મળશે. શહેરમાં રહેશે ને પછી પોતે પણ તેનાં પોતરાં પાળવા સાથે રહેશે. આ અખંડ આશા હતી, પણ એવું બન્યું નહોતું. એક સમયે ગામ છોડી, દીકરાને નીકળી જવું પડ્યું હતું. પછીથી ભાળ જ મળી નહોતી.
એ જણ ડોસીમા આગળ જઇને તેમનો મારગ રોકી ઊભો રહ્યો હતો. તો ડોસીમા પૂછી વળ્યાં હતાં: `દીકરાના કંઈ હમાચાર લઈને આવ્યો છો?' આ નઘરોળતા સામે સમય પણ બે ઘડી થંભી ગયો હતો.
પણ ખરું કહ્યા વગર રહેવાયું નહોતું. તે જણ બોલ્યો હતો: `માડી, તમેં સમય ને સિક્કા ખોટા વેડફો છો.' ડોસીમા કંઈ સમજ્યાં ન હોય એમ બાઘાની જેમ સામે જોઈ રહ્યાં હતાં.
એ જણે જણાવ્યું હતું: `ગામની ને નંબરની ખબર હોય તો હું તમને વાત કરાવી દઉં.'
ડોસીમા જણ સામે જોઈ રહ્યાં. ઊંડેથી ઊંડેથી બોલ્યાં હતાં: `મને તો એટલી જ ખબર છે કે મારો દીકરો જ્યાં ગ્યો છે ન્યાંથી કોઇ દી' વાત કરવાનો નથી.' ડોસીમાની આંખો ઊભરાવા લાગી હતી: `પણ મારા મનને મનાવવા આવું બધું કરું છું.' ડોસીમાનું કહેવું સાંભળી કહેનાર જણની તો જાણે વાચા જ હણાઇ ગઈ હતી!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
