આયુર્વેદ પ્રમાણે વર્ષાઋતુ એ વાયુ દોષના પ્રકોપની ઋતુ ગણાવાય છે. વાયુના પ્રકોપને લીધે આ ઋતુમાં સામાન્ય રીતે મંદાગ્નિની તકલીફ થતી હોવાથી ઘણા લોકોને ભૂખ બિલકુલ લાગતી નથી. ઋતુજન્ય આ મંદાગ્નિને ધ્યાનમાં રાખીને જ કદાચ આપણા મહર્ષિઓએ આ ઋતુમાં ઉપવાસ અને એકટાણાની ગોઠવણ કરી હશે.
આ ઋતુમાં ભૂખ ન લાગવાની સાથે પેટની બીજી પણ કેટલીક તકલીફો સામાન્ય રીતે જોવા મળે છે. જેમ કે, પેટ ભારે ભારે લાગવું અને જમ્યા પછી તો એકદમ ભારે થઈ જવું, પેટમાં થોડી થોડી વારે ગડગડાટ થવો, મળપ્રવૃત્તિ બે-ત્રણ વાર થવી, સાંજના સમયે થોડું માથું ભારે થવું, ઊંઘ બરાબર ન આવવી, શરીરમાં સાધારણ ગૌરવ (ભારેપણું), બગાસાં, આળસ, તરસ, અરુચિ વગેરે થવાં. કોઈ ઉપાય-ઉપચાર ન કરવામાં આવે તો ઘણી વખત આવું મહિનાઓ સુધી ચાલ્યા કરે છે. સામાન્ય રીતે પાચનતંત્રની આવી તકલીફોની સાથે પેટમાં દાહ, બળતરા, દુખાવો, બેચેની કે ઊબકા-ઊલટી જેવું કંઈ થતું નથી. તેમજ મૂત્રપ્રવૃત્તિ પણ સામાન્ય જ હોય છે.
આ પ્રકારનાં લક્ષણો પરથી અજીર્ણનું નિદાન કરી શકાય અને જે પંદરેક દિવસના સામાન્ય આયુર્વેદીય ઉપચારથી મટાડી પણ શકાય છે. આવી તકલીફ અનુભવાતી હોય તો આ પ્રમાણે ઉપચાર કરવો.
`લંઘન' મંદાગ્નિ માટે સર્વોત્તમ છે. આયુર્વેદ પ્રમાણે લંઘન શબ્દનો અર્થ થાય `ઉપવાસ'. શરૂઆતના પાંચથી છ દિવસ ઉપવાસ કરવાથી મંદાગ્નિ-અજીર્ણમાં સારો લાભ થાય છે. આવા ઉપવાસ કરતી વખતે મગનું પાણી અને ફળોનો રસ ઈચ્છા પ્રમાણે લેવો અને ત્યાર પછી આ પ્રમાણે ઔષધો લેવાં.
આશરે ત્રણથી ચાર લિટર જેટલા પાણીમાં એકથી બે ચમચી સૂંઠનો ભૂક્કો નાંખી ઉકાળવું. બેથી ત્રણ ઊભરા આવે પછી તેને ઠંડું પાડી ધાતુના પાત્રમાં ભરી લેવું. તરસ લાગે ત્યારે આ ઉકાળીને ઠંડું કરેલું સૂંઠનું પાણી જ આખો દિવસ પીવું.
ચિત્રકાદિવટી એક-એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી.
અજમોદાદિ ચૂર્ણ અડધી ચમચીની માત્રમાં સવારે, બપોરે અને રાત્રે તાજી મોળી છાશ સાથે લેવું.
શિવાક્ષારપાચન ટેબ્લેટ બે-બે ગોળીની માત્રામાં બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી.
હિંગ્વાષ્ટક ચૂર્ણ અડધી ચમચી જેટલું એક લીંબુના રસમાં મેળવી, તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી બપોરે જમતા પહેલાં પીવું.
ઉપવાસ પછી ઔષધો લેવાની શરૂઆત કરવામાં આવે ત્યારે આહારમાં મગનું પાણી, સૂંઠ કે આદું નાંખેલી છાશ, મોળું દહીં, પાતળી અને નરમ અડધોઅડધ મગ ચોખાની ખીચડી, દાળ-ભાત, ખાખરા, ચા, કોફી, લીંબુનું શરબત, ફળોના રસ વગેરે જેમ જેમ ભૂખ ઊઘડતી જાય તેમ તેમ સુપાચ્ય અને લઘુ આહાર દ્રવ્યોનો ઉપયોગ કરતાં કરતાં સામાન્ય આહાર પર આવી જવું.
આ પ્રકારના ઉપચાર અને એકટાણા વગેરેથી ચોમાસામાં મંદ પડેલો જઠરાગ્નિ ફરી પ્રદીપ્ત થાય છે. પાચનતંત્રના દોષો દૂર થઇ તે પોતાના પાચનના કાર્યમાં ફરી સક્ષમ બને છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો