જોગીના ખલતા જેવી ડુંગરાની ગાળીયુંમાં આખો રસાલો દાણોદાણો થઇ વેરાઈ ગયો હતો. તેજીલા તોખારે અસવાર એવા ઠાકોર સાહેબ અડાભીડ અરણ્યને ખૂંદતા જાતા હતા. ત્યાં થોડાક આગળ વધ્યા હશે ને ધીંગામસ્તી કરતું હરણાંનું ટોળું દેખાણું હતું. પહુડા જેવા નમણા ને નિર્દોષ મૃગલાં ગેલ કરી રહ્યાં હતાં. તેમાં કામદેવના દૂત જેવો કાળિયાર ટોળા વચાળે ભૂરાયો થઇ ફરતો હતો. શિકાર જોતાં જ કોઈ તરસ્યાને પાણીની તલપ ઉછાળા મારે એવું થયું હતું. એક જ ભડાકે પતીરા જેવા કાળિયારને ઉલાળવાની એષણાએ ઘોડાને એડીથી પગનો ઈશારો કર્યો હતો.

શિકાર માટે ઊગતા પહોરે રસાલો નીકળ્યો હતો. શિહોરના ડુંગરાની ગાળીયું ખૂંદાતી હતી, પણ શિકાર કરી શકાય એવાં પશુ-પ્રાણી નજરે ચઢતાં નહોતાં. છતાંય રમતિયાળ આશાને જાણે રાંગમાં કે કાંખમાં રમાડતા હોય એમ રસાલો આગળ વધ્યે જતો હતો. તેમાં હાથ પડ્યો હાથ ન સૂઝે એવાં ઝાડી-ઝાંખરામાં વેરાતો ને અટવાતો પણ જતો હતો. પછી તો શિકારની લાયમાં કોઈને સ્થળ-કાળની હરવાર રહી નહોતી ને આખો રસાલો ખાસ ખ્યાલ વગર વિખેરાઇ ગયો હતો.

ઘોડાની ધડબડાટીએ હરણાંનું ટોળું ગેલ કરતું અટકીને ઊભું રહી ગયું હતું. આ બાજુ જોયું ને વાવંટોળની જેમ ઠામકું ભાગ્યું હતું. હરણાંની પાતળી ખરગડિયું ભોંયતળિયે સૂકલ પાંદડાંને અડી ન અડી ઉછળવા લાગી હતી. પાંદડાં ને ઝાંખરાના ખડખડાટે જંગલ ગાજી ને ફફડી ઊઠ્યું હતું. ડરના માર્યા પંખીડાંઓ પાંખો ફફડાવતાં ઊડી ગયાં હતાં. લીલીછમ નીરવતા ડહોળાઈ ગઈ હતી. પછી તો આગળ શિકાર ને પાછળ ઘોડેસવાર. જંગલના ભીના ને કૂણા કાળજે કારમો ફફડાટ વ્યાપી ગયો હતો. નક્કી પોતાના ગભરુ ને વહાલસોયા છોરું કાળનો કોળિયો થવાના હતા.

ઘોડાને ટોળા વાંહે વહેતો કર્યો હતો. કોઈ હરણું ઝપટે ચઢે એવું નહોતું, પણ ટોળા વચાળે ઉછળતું રાભડા જેવું કાળિયાર આંખે ચઢી ગયું હતું. મારતે ઘોડે બંદૂક તાકી રાખી હતી, પણ કાળિયાર લાગમાં આવતું નહોતું. વાંભવા હાલ્યા હશે ત્યાં જરીક લાગ મળ્યો ને કાળા મોંવાળીનો ભડાકો કર્યો હતો. પળવારમાં રમરમાટી બોલી ગઇ હતી. ઋષિસમ ઊભેલાં ઝાડવાં આંખો બંધ કરી ગયાં હતાં, પણ ઘા ખાલી ગયો હતો.

`લે લેતો જા.' બીજા ભડાકે ગભરાટ સાથે હરણાં જીવ સટોસટ રમતાં બમણા વેગે ભાગ્યાં હતાં. કાળિયાર પણ છલાંગ મારી નાનાં-મોટાં ઝાડવાં ટપતો ભાગવા લાગ્યો હતો. પછી તો જેમ મોતીની માળા તૂટીને વિખેરાઇ જાય એમ હરણાં દાણો દાણો થઈને જંગલમાં અદૃશ્ય થઇ ગયાં હતાં.

તાપ આકરો થવા લાગ્યો હતો. તરસ પણ લાગી હતી, પણ શિકારની ધખનાએ હથેળીના નેજવા કરીને જોયું હતું તો આઘેરેક એક માલધારી જેવો મનેખ દેખાયો હતો. ઘોડો હંકારી તેની લગોલગ જઈને ઊભા રહ્યા હતા. પહેલાં તો નજર વડે જણને પગથી માથા લગી તપાસી લીધો હતો. તેના દિદાર ને દરવેશ જોતાં કોઈ વટેમાર્ગુ નહીં પણ માલધારી હોય એવું લાગ્યું હતું. આ મનેખ જંગલનો જાણતલ હોય, ભાળ્યું એવું કહી દેશે. ભારોભાર ભરોસા સાથે પૂછ્યું હતું,`ભાઈ! કાળીયારને ક્યાંય જોયો?'

માલધારી એક શબ્દેય બોલ્યા વગર સામે જોતો રહ્યો હતો. તેણે અઢારસો પાદરના પ્રતાપી ધણીને પારખી લીધા હતા. ત્યાં ફરી ચાબખા જેવો સવાલ સામે થયો હતો: `ભાઈ બોલ, કાળિયારને જાતા જોયો છે?' ફળફળતું પાણી પડ્યું હોય એમ થથરી જવાયું હતું. હા, જોયું તો પણ કહેવું કેમ? કહે તો ગભરુ પ્રાણીનું આવી બને, કાળનો કોળિયો બની જાય.

`એલા, મોંમાં મગ ભર્યા છે તે બોલતો નથી.' તાપ કરતાંય રાજવીના સ્વરમાં વધારે ઉકળાટ હતો.

પોતે દેવીપુત્ર. રાજના ધણી સામે જુઠ્ઠું ન બોલે અને સાચું બોલે તો એક જીવ જાય. ભારે કરી. ધરમ સંકટ આવીને ઊભું રહ્યું હતું. હવે કરવું શું? ત્યાં બંદૂક જેવો ભડાકો થયો હતો: `એલા બોલ્ય છો કે...' દેવીપુત્રથી બોલી જવાયું હતું: `હા, બાપુ મેં જાતા જોયો છે!'

 ઠાકોર સાહેબ, પ્રજાવત્સલ અને સર્વથા સુખાકારી ઇચ્છનારા રાજવી પણ શિકારના લીધે પ્રજામાં થોડો કચવાટ હતો. કોઈ કહી શકતું નહોતું પણ મોકો મળ્યો હતો. પરિણામની પરવા કર્યા વગર એક દુહો કીધો હતો: `પાપી નરકે સિધાવ્યા, ધરમી સરગે ગા,

 વાટું બે જાણું વજા, પોહાય એમ નો જા.'

 પછી હાથ જોડી, ઉન્નત મસ્તકે કહ્યું હતું: `બાપુ! જીવનમાં નરક ને સરગ આ બે વાટ જ જાણું છંવ. હવે આપને જાવું હોય એમના જાવ.' ઠાકોર સાહેબને શબ્દો કાળજાને આરપાર વીંધી ગયા હતા.

`લ્યો બાપુ, પાણી પીઓ.' ભંભલીમાંથી પાણી આપતાં કહ્યું હતું, પણ સામે ઉત્તર મળ્યો હતો: `પાણી પીવું નથી, પણ મારે પણ લેવું છે. હવેથી કોઈ દી' શિકાર નહીં કરું.'

પછી ક્યારેય શિકાર કર્યો ન હતો. રાજમાં પણ શિકારબંદી કરી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો