પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનું કોન્નગાર શહેર, જ્યાં ગંગાના શાંત વહેણની બાજુમાં જ્યૂટ મિલોના વિશાળ ભીંતડાઓ અને જૂની ઇમારતોનો એક અલગ જ સંસાર વસેલો છે. આ એ જ જમીન છે જ્યાં નેવુના દાયકામાં લોહી અને સત્તાની એક એવી રમત રમાઈ, જેણે આખા બંગાળને હચમચાવી દીધું. આ શહેરના ઇતિહાસમાં 2 જૂન, 2011નો એ દિવસ ક્યારેય ભુલાશે નહીં, જ્યારે વૈદ્યબાટીની એક નહેરમાંથી લોહીલુહાણ હાલતમાં એક લાશ મળી આવી. આ લાશ કોઈ સામાન્ય માણસની નહીં, પણ પશ્ચિમ બંગાળના ગુનાહિત જગતના એવા ખેલાડીની હતી જેને લોકો `હુગલીનો દાઉદ ઇબ્રાહિમ' કહેતા હતા. શ્યામલ દાસ ઉર્ફે `હુબ્બા શ્યામલ'. જેનું નામ પડતાં જ હુગલી, હાવડા અને ઉત્તર 24 પરગણાના ઉદ્યોગપતિઓના શ્વાસ અધ્ધર થઈ જતા. હુબ્બાની આ સફર જેટલી ભયાનક હતી, એટલી જ તે રહસ્યમયી પણ હતી. આ વાર્તા છે એક એવા ગુનેગારની, જેણે 1980ના દાયકાથી લઈને 2011 સુધી બંગાળની સમાંતર સત્તા ચલાવી.

શ્યામલ દાસનો જન્મ 1966માં બંગાળના કોન્નગારના વોર્ડ નંબર 2માં એક અત્યંત સામાન્ય ભાડાના મકાનમાં થયો હતો. તેના પિતા કપાસની મિલમાં મજૂરી કરતા અને માતા કાપડ વણવાનું કામ કરતી. ગરીબી એવી હતી કે શ્યામલ માંડ ત્રીજા ધોરણ સુધી ભણ્યો અને પાંચમા ધોરણમાં તો તેણે શાળાને હંમેશ માટે અલવિદા કહી દીધું. રેલવે ટ્રેકની બાજુમાં બેસીને માલગાડીઓના વેગન પસાર થતા જોવા એ તેનો મનગમતો શોખ હતો. માત્ર 14 વર્ષની ઉંમરે તે બીડી અને ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. જ્યારે તેના પિતાએ તેને મજૂરી કરવાનું કહ્યું, ત્યારે શ્યામલે સ્પષ્ટ કહી દીધું કે, `મારે મજૂરી નથી કરવી, મારે તો રેલવેના વેગન લૂંટવા છે' અને 16 વર્ષની ઉંમરે તેણે ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી મશીનોની ચોરી કરીને ગુનાખોરીની દુનિયામાં પહેલું ડગલું માંડ્યું. શ્યામલ માટે આ માત્ર ચોરી નહોતી, પણ મજૂરીના કલંકથી મુક્ત થવાનો તેનો એક માર્ગ હતો. તે રાત્રિના અંધારામાં રેલવે લાઇનો પાસે છુપાઈ રહેતો અને જેવી માલગાડી ઊભી રહેતી કે તરત જ તે પોતાના સાથીઓ સાથે વેગન પર ત્રાટકતો. શ્યામલ દાસના ગુનાહિત સામ્રાજ્યનો પાયો ખંડણી, અપહરણ અને જ્યૂટ મિલોના યુનિયનો પરના તેના કંટ્રોલ પર ટકેલો હતો.

હુબ્બાની ક્રૂરતાનો પ્રથમ લોહિયાળ પરિચય 1984માં મળ્યો. એક ફેક્ટરીનો કર્મચારી પગારના પૈસાની થેલી લઈને પોતાની સાઇકલ પર ઘરે પાછો ફરી રહ્યો હતો. શ્યામલે તેને અટકાવ્યો અને તેની પાસે રહેલી તમામ રોકડ પોતાને સોંપી દેવા કહ્યું. જ્યારે કર્મચારીએ પ્રતિકાર કર્યો, ત્યારે શ્યામલે એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની પાસે રહેલી છરી તેના પેટમાં હુલાવી દીધી. તે લોહીલુહાણ હાલતમાં તરફડતા કર્મચારીને ત્યાં જ છોડી પૈસા લઈને ભાગી ગયો. આ ઘટનાએ સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચાવ્યો, પણ દબાણને કારણે શ્યામલ થોડા સમય માટે ફરાર થઈ ગયો. આ સમયગાળા દરમિયાન જ તેણે આઠમા ધોરણમાં ભણતી તાપસી નામની છોકરી સાથે પ્રેમસંબંધ બાંધ્યો. જ્યારે તેના ઘરે દરોડો પડ્યો, ત્યારે શ્યામલ ગુપ્ત રીતે પાછો આવ્યો અને તાપસીને રાતોરાત ભગાડી જઈને મંદિરમાં લગ્ન કરી લીધાં. આ એ શ્યામલ હતો જે એક બાજુ હિંસક હતો અને બીજી બાજુ પોતાની જિંદગીના નિર્ણયો પોતે લેનારો એક હઠીલો પ્રેમી.

હુબ્બાની સૌથી મોટી તાકાત તેની ગેંગ હતી, જે `હુબ્બા ગેંગ' તરીકે જાણીતી થઈ. આ ગેંગમાં એવા શૂટરો હતા જેઓ પળવારમાં કોઈની પણ સોપારી પૂરી કરી શકતા. હુબ્બાએ ક્યારેય હથિયારો વાપરવામાં ખચકાટ અનુભવ્યો નહોતો. તે માનતો હતો કે ડર એ જ સત્તાની ચાવી છે. 1990ના દાયકા સુધીમાં શ્યામલે પોતાની એક સંગઠિત ગેંગ તૈયાર કરી લીધી હતી. આ ગેંગમાં તેણે એવા ખતરનાક ગુનેગારોને જોડ્યા જેઓ પાછળથી તેના સામ્રાજ્યના સ્તંભ બન્યા. રમેશ મહતો, જે એક પગારદાર લેખક હતો, તે શ્યામલને જુગારના અડ્ડા પર મળ્યો અને શ્યામલની વિચારવાની શક્તિથી પ્રભાવિત થઈને તેનો મુખ્ય સલાહકાર બન્યો. ત્યારબાદ બનારસી બાપી આવ્યો, જે વારાણસીથી ભાગીને લિલુઆહના ગુનાહિત અડ્ડા પર છુપાયેલો હતો. શ્યામલે તેની નિપુણતા જોઈ તરત જ તેને ગેંગમાં ભરતી કર્યો. સૌથી ભયાનક હતો નેપુ ગીરી, જે એક વ્યાવસાયિક ખૂની હતો અને શ્યામલના એક ઇશારે કોઈનું પણ ગળું કાપી શકતો. આ ગેંગે હુગલીની બંધ પડેલી બિંદલ પેપર મિલ પર નિશાન સાધ્યું. શ્યામલે ત્યાંથી લાખોની કિંમતનું લોખંડ અને મશીનરી લૂંટી અને બજારમાં અડધા ભાવે વેચવાનું શરૂ કર્યું. જ્યારે એક વેપારીએ ભાવ બાબતે દલીલ કરી, ત્યારે શ્યામલે તેને છાતીમાં બે ગોળી મારી કાયમ માટે તેને શાંત કરી દીધો અને સ્પષ્ટ કર્યું કે બજારના તમામ નિયમો માત્ર તે જ નક્કી કરશે.

નેવુના દાયકાના અંતમાં (1997-1999) હુબ્બા શ્યામલ સામે તેની જ ગેંગના ભૂતપૂર્વ સભ્ય `બાઘા'એ બળવો કર્યો. કોન્નગાર પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવવા માટે આ બંને વચ્ચે ભયાનક ગેંગવોર ફાટી નીકળ્યું. આ એવો સમય હતો જ્યારે હુગલીની શેરીઓ લોહીથી લથપથ રહેતી.

બાઘાએ શ્યામલના બે વફાદારોની હત્યા કરી, જેના વળતા પ્રહારમાં શ્યામલે બાઘાનાં ગુપ્ત ઠેકાણાંઓ શોધી કાઢ્યાં અને તેના ચાર સભ્યોને જીવતા સળગાવી દીધા. આ યુદ્ધમાં શ્યામલ હંમેશાં પોલીસથી એક કદમ આગળ રહેતો. તેની પાસે બાતમીદારોનું એવું જાળું હતું કે પોલીસ સ્ટેશનમાંથી જીપ નીકળે એટલે તેના ફોન પર `કોડ લેંગ્વેજ'માં મેસેજ આવી જતો. એસ.પી. માટે અલગ કોડ, ઇન્સ્પેક્ટર માટે અલગ. પોલીસમાં પણ તેના ખબરીઓ હોવાનો આક્ષેપ થતો રહ્યો, જેના કારણે શ્યામલ વર્ષો સુધી પકડાયો નહીં.

હુબ્બા શ્યામલની એક ખાસ પહેચાન તેની `પોઇટ કટ' હેરસ્ટાઇલ અને હંમેશાં ઇસ્ત્રીબંધ સફેદ કુર્તા-પાયજામાનો ઠાઠ હતો. તેણે કોન્નગાર અને રિશ્રામાં પોતાની છબી એક `રોબિન હૂડ' જેવી બનાવી હતી. તે ગરીબોની દીકરીઓનાં લગ્ન કરાવતો અને બીમાર લોકોને હોસ્પિટલમાં સારવાર કરાવવા માટેના પૈસા પણ આપતો, પરંતુ આ બધું તેની માત્ર એક વ્યૂહરચના હતી. આ મદદના બદલામાં તેને મળતું હતું લોકોનું રક્ષણ. જ્યારે પોલીસ તેને શોધવા આવતી, ત્યારે આ જ લોકો તેને છુપાવવામાં મદદ કરતા. જોકે, તેની ક્રૂરતાનો કોઈ પાર નહોતો. જ્યારે તેને ખબર પડી કે એક સ્થાનિક બાતમીદારે એસ.પી.ડી.ઓ.ને તેની યોજનાઓની જાણ કરી છે, ત્યારે શ્યામલ તેના ઘરે પહોંચ્યો. તેની વૃદ્ધ માતાની નજર સામે જ તેના ગળા પર છરી ફેરવી દીધી અને લાશના ટુકડા કરી તેને રિશ્રાના રેલવે ક્રોસિંગ પાસે ફેંકી દીધા, જેથી આખું શહેર તેને જોઈ શકે અને હુબ્બાની ક્રૂરતાથી તેમના શરીરનાં રૂંવાડાં ભયથી ધ્રૂજી ઊઠે.

મોબાઈલ ટેક્નોલોજીના આગમન સાથે શ્યામલ વધુ શાણો બન્યો. તે જાણતો હતો કે પોલીસ ટાવર લોકેશનથી તેને ટ્રેક કરી શકે છે, એટલે તે ક્યારેય એક સિમ કાર્ડ કે ફોન બે કલાકથી વધુ વાપરતો નહીં. રિયલ એસ્ટેટના વ્યવસાયમાં તેણે પગપેસારો કર્યો અને હુગલીમાં બનતા દરેક એપાર્ટમેન્ટ દીઠ 50થી 70 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ `ગુંડા ટેક્સ' વસૂલવાનું શરૂ કર્યું. જે બિલ્ડર ના પાડતો, તેને શ્યામલ પોતાની પિસ્તોલ બતાવી જમીન ખાલી કરવા મજબૂર કરતો. આ કાળાં નાણાંથી તેણે કોલકાતામાં આલિશાન ફ્લેટ્સ રાખ્યા અને પોતાની દીકરીઓને શહેરની શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણવા મૂકી. તે મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને સત્તાના કેન્દ્રમાં આવવા માંગતો હતો, પણ તેનો સાથી રમેશ મહતો માનતો હતો કે રાજકારણ તેમને નબળા પાડશે.

હુબ્બાની આ અજેય સફરનો સૌથી મોટો વળાંક 21 ડિસેમ્બર, 2005ના રોજ આવ્યો. સી.આઈ.ડી.એ `ઓપરેશન શ્યામલ' માટે જાળ બિછાવી હતી. હુબ્બા તે દિવસે કોલકાતાના સોલ્ટ લેક સિટી સેન્ટરમાં ફિલ્મ `કલયુગ' જોઈ રહ્યો હતો. સી.આઈ.ડી. અધિકારીઓ સાદા વેશમાં થિયેટરની બહાર ગોઠવાઈ ગયા હતા. જેવી ફિલ્મ પૂરી થઈ અને ભીડ બહાર આવી. એક અધિકારીએ જોરથી બૂમ પાડી, `શ્યામદા'. શ્યામલે કુદરતી રીતે પાછળ જોયું અને તે જ તેની ભૂલ સાબિત થઈ. પિસ્તોલની અણીએ હુબ્બા અને તેના સાથી બનારસી બાપીની ધરપકડ કરવામાં આવી. ટીવી પર આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. તે સમયે તેના પર 26 હત્યાઓના કેસ હતા, છતાં પણ સાક્ષીઓ એટલા ડરેલા હતા કે કોર્ટમાં કોઈએ તેની સામે બોલવાની હિંમત ન કરી. એક વર્ષ જેલમાં રહ્યા પછી તે જામીન પર બહાર આવ્યો, પણ જ્યારે તે હુગલી પાછો ફર્યો ત્યારે રમેશ મહતોએ તેની ગેંગના અનેક સભ્યોને પોતાની તરફ કરી લીધા હતા. સત્તાના આ શિખરે હવે તિરાડો પડવાની શરૂઆત થઈ હતી. હુબ્બાનો રસ્તો જે લોહીથી શરૂ થયો હતો, તે લોહીમાં જ કેવી રીતે વિલીન થઈ ગયો, તેની વિગતવાર કથા હવે પછીના પ્રકરણમાં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો