પહેલાં તો મનથી નક્કી કરી લીધું હતું કોઈને કંઈ કહેવું નહીં. એ આવશે એમ જતી રહેશે, કહેવા, ન કહેવાથી ફેર શું પડવાનો છે? પણ મન ઝાલ્યું રહ્યું નહોતું. મક્કમતાની પાળ તૂટી ગઈ હતી એટલે દીકરી ફાલ્ગુનીને કહી દીધું હતું: `આજે તારી મમ્મી આવશે, રાહ જોજે.' સામે દીકરીને ખબર જ હોય એમ કંઈ બોલ્યા વગર પપ્પા સામે એકીટશે જોઈ રહી હતી, પણ પપ્પા નજર મેળવી શક્યા નહોતા. તેની નોંધ દીકરીએ બરાબર લીધી હતી. કહેવાનું મન થઇ આવ્યું હતું: `પપ્પા, મને અને તમને બંનેને ખબર છે તેનો અર્થ એ થાય છે મમ્મી કોઇથી ભુલાય એમ નથી.'     

ભાદરવો ભરપૂર વહ્યે જતો હતો. સુદ વળોટી વદ પક્ષની ચોથ પર આવીને ઊભો રહ્યો હતો. ચારે બાજુ શ્રાદ્ધનો સમય હતો, પણ કાગ... કાગ... કરી કાગવાસ ધરવાનો માહોલ અકાળે આથમી ગયો હતો. કોરોના કાળ પછી ક્યાંય કાગડા નજરે ચઢતા નથી. એ કદાચ પિતૃ પાસે જ પહોંચી ગયા હોય.    

પાટનગરની સોસાયટીમાં મોટાભાગનાં મા-બાપ ગામડે વસે છે અને અહીં જે મા-બાપ ઉર્ફે મમ્મી-પપ્પા રહે છે તેમનાં સંતાનો લગભગ પરદેશમાં સ્થિર થયાં છે. શ્રાદ્ધનો રિવાજ કે પરંપરા જાણે અસ્તાચળના આરે આવીને ઊભી રહી છે. આવા સમયે શ્રાદ્ધના નિમિત્તે મમ્મી અહીં પાછી ઘરે આવે એ બાબત જ ફાલ્ગુની માટે અચરજ પમાડતી હતી. તેને કંઈ સમજાતું જ નહોતું. થયા કરતું હતું, એક બાજુ વૃદ્ધાશ્રમની જાહેરાતો સાથે જીવતાં હોય એવાં વૃદ્ધ મા-બાપને આવા આશ્રમમાં મૂકી આવવામાં આવે છે. બીજી બાજુ મા-બાપનાં મૃત્યુ બાદ પાછળથી આવો ધાર્મિક ક્રિયાકાંડ કરવામાં આવે છે. આ બધું તેનાં મનમાં બેસતું નહોતું અને બેસાડવા માગતી પણ નહોતી. તેને તો માત્ર મમ્મી આવે તેમાં જ રસ હતો. હા, આ વખતે થોડું નક્કી કરી રાખ્યું છે, મમ્મીને શું કહેવું તે.    

પણ જે હોય તે, મમ્મી અહીં આવશે, મળશે એ ગમશે. બાકી કોઈ એવી પીંજણ કે બિનજરૂરી ચર્ચામાં પડવાનો ફાલ્ગુની પાસે સમય જ નહોતો. અથવા તેના સતત એક્ટિવ રહેતા માઇન્ડમાં સ્પેસ જ નહોતી.    

પપ્પાથી સહેવાયું નહોતું તે કહેવાઈ ગયું હતું: `ફાગુબેટા, તું કંઈ રાંધીશ નહીં. એ બધું તારી મમ્મી આવીને કરશે.' પછી મનોમન બોલ્યા હતા: `તને એમાં કંઈ ખબર પણ ન પડે.'    

પપ્પાનું આવું કહેવું સાંભળી ફાલ્ગુની સ્વગત બોલી હતી: `મમ્મીને એક મિનિટ પણ ભૂલી શકતા નથી ને સાથે પણ રહી શકતા નથી.' પછી બોલી જ ગઈ હતી: `આવી લાઇફ હોય તો મેરેજ કરવા જ નથી.' પણ પછી એકાએક યાદ આવી ગયું હતું એટલે પપ્પાને સાદ કરીને પૂછ્યું હતું: `પપ્પા નોકરીએ જવાનું નથી.' તો સામેથી ઉત્તર આવ્યો હતો: `ના બેટા, આજે રજા છે.' પોતે રજા લીધી છે એ ઉઘાડા પડી જવાના ડરે ઇરાદાપૂર્વક બોલ્યા નહોતા, પણ દીકરીથી કંઈ અજાણ્યું રહ્યું નહોતું.     

ફાલ્ગુની સમજણી થઇ ત્યારથી મમ્મી-પપ્પાના ઝઘડાને જોતી આવી હતી, પણ સમજાતું નહોતું આ લોકો ઝઘડે છે શું કરવા, શું વાંધો પડે છે? સાવ સામાન્ય વાતમાં ઉગ્ર બોલાચાલી કરવા લાગે છે અને પપ્પા તો વાતવાતમાં કહી દેતા હતા: `તું અત્યારે જ ચાલતી થા, મારે કોઈ પણ રીતે જોતી જ નથી.' ત્યારે ફાલ્ગુનીને થઇ આવતું હતું: `સ્ત્રી આવું બોલી શકે ખરી? મારે હસબંડ તરીકે તું પોસાતો જ નથી, જા આ ઘર છોડીને ચાલતો થા.' પણ આવું શક્ય નહોતું એટલે એક સમયે મમ્મીએ જ કાયમના માટે ઘર છોડી દીધું હતું. જ્યારે પૂછ્યું હતું ત્યારે કહી દીધું હતું: `બેટા, તારા પપ્પાનો શંકાશીલ સ્વભાવ ક્યારેય બદલવાનો નથી.' ત્યારે જનરલ નોલેજ માટે વાંચેલી કહેવત ફાલ્ગુનીને યાદ આવી ગઈ હતી: `પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.' પછીથી મમ્મીનું કહેવું હતું: `બેટા, સ્વમાન તો દરેકને વહાલું હોય, અપમાનિત થઇ ક્યાં સુધી રહેવાનું?' મમ્મીના સ્વમાન સાથે દીકરી ફાલ્ગુની પણ સહમત હતી.     

એકવાર મમ્મીને ફાલ્ગુનીએ પૂછી લીધું હતું: `મમ્મી, તું આ શ્રાદ્ધ ને આવું બધું કરવા કેમ આવે છે, એ મને સમજાતું નથી?' ત્યારે મમ્મીએ પેટછૂટી વાત કરતાં કહ્યું હતું: `તારા પપ્પા મને પસંદ કરવામાં હા-ના કરતા હતા ત્યારે દાદાએ કહ્યું હતું, છોકરી સારી ને સંસ્કારી છે.' સાડીના છેડાથી આંખો સાફ કરીને આગળ બોલી હતી: `મને સારી ને સંસ્કારી સમજનાર દાદાની યાદમાં તર્પણ કરવા આવું છું.'     

બપોર થવામાં હતી ત્યારે પપ્પા આક્રોશ ને અકળામણ સાથે બોલી ઊઠ્યા હતા: `મને ખબર છે, એ ન આવે. એ `મમ્મી અહીં આવવા જ નીકળ્યાં છે, પણ કોઈ વાહન મળે તો આવેને?' પપ્પા પાસે જવાબ નહોતો, પણ ફાલ્ગુની પાસે તેનો ખરો ઉકેલ હતો.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો