જે પરિસ્થિતિમાં આપણે `ઉપરથી નીચે પછડાઈએ' તો પણ એમાં બદલાવ ન લાવી શકીએ, જે સંજોગોમાં ભરવાયા પછી આપણી પાસે છૂટવાનો કોઈ ઉપાય જ ન હોય ત્યારે રાડારાડી કરવા કરતાં આવી અનકંટ્રોલેબલ સિચ્યુએશન્સમાં લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન, હસવું એ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે.
દાખલા તરીકે આપણને ગુજરાતીઓને શેરબજારનો `સોલ્લિડ' ચસ્કો હોય છે. બધાયને થોડું થોડું નાનું-મોટું રમવાની મજા આવતી હોય છે અને એમાંય ક્યારેક અચાનક શેરબજાર ઊછળે અને આપણને ફાયદો થઈ જાય ત્યારે તો આપણે મોગેમ્બોની જેમ `ખુસ્સ-ખુસ્સ' થઈ ગેલમાં આવી જતા હોઈએ છીએ અને પછી વધારે રૂપિયા શેરબજારમાં `લડાવવા' લગાડી દેતાં હોઈએ છીએ. ઘણાને તો એમાં એવો જોરદાર ચસ્કો ચડી જતો હોય છે કે એ પોતાની બધી મૂડી શેરબજારમાં લગાડી દેતા હોય છે, પણ કોઈ દિવસ અચાનક જ શેરબજાર `કડડભુસ્સ' કરીને હેઠું બેસે ત્યારે? તમારું લાખો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ `સરરરસટ્ટ' કરીને જીરો થઈ જાય ત્યારે? આ સંજોગોમાં તમે કરી શું શકો? તમે ગમે તેટલા ધમપછાડા કે ઉધામા કરો એનાથી કંઈ વળવાનું છે? આવા સંજોગોમાં રોકકળ કરવાથી, માથા પછાડવાથી, વાળ ખેંચવાથી શેરબજાર ઉપર તો આવવાનું નથી. તો આવી પરિસ્થિતિમાં રોડ પર જઈ `હા હા હા હા' કરી હસવાનું. તમને આમ ગાંડાની જેમ હસતાં જોઈ અને લોકો હસવા માંડશે અને લોકોને હસતા જોઈ તમને વધારે હસવું આવશે. બસ, આમ તમારું ભેજુ ભમતું બંધ થઈ જશે.
આવી જ રીતે રાજકારણ અને નેતાઓ એવા વિષયો છે કે જેનાથી આપણી અક્કલનો એકડો નીકળી જતો હોય છે. આપણે જુદી જુદી પાર્ટીના ચાહક હોઈએ છીએ. જુદા જુદા નેતાઓના પ્રખર પ્રસંશક હોઈએ છીએ. આપણી ગમતી પાર્ટી કે ફેવરેટ નેતા વિશે કોઈ કંઈક બોલે કે લખે કે છાપે કે દેખાડે તો આપણે ભયાનક ભડકી જઈએ છીએ અને પછી રાડારાડી કરવા માંડીએ છીએ. મિત્રો સાથે લડવાડ પર ઊતરી જઈએ છીએ. નેતાઓ કૌંભાડ કરે ત્યારે નાક-કાનમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી ગુસ્સામાં ધગધગવા માંડીએ છીએ, પણ ઓ ભઈ, અલી બુન આપણા આવા આક્રોશ અને અકળામણથી પેલા રાજકારણીઓને, એમની પાર્ટીઓને, નાલાયક-નફ્ફટ નેતાઓને `લગીરે' ફરક પડવાનો છે? તો પછી `ખાલી પીલી દિમાગ કાય કુ સટકાને કા ભીડુ?' આવું બધું થાય ત્યારે `હી... હી... હી...' `ખી... ખી... ખી...' કરીને હસવાનું, હસી કાઢવાનું. પ્રોબ્લેમ સોલ.
ટીવી પર સમાચારોમાં હા હા થતી હોય છે. એન્કર અને બીજા બધા બૂમાબૂમ કરતા હોય છે. ખૂબ નેગેટિવ ઉશ્કેરણીજનક સમાચારો દેખાડવામાં આવતાં હોય છે. બબાલો, તોફાનો થાય એવાં દૃશ્યો દેખાડવામાં આવતાં હોય છે. આવા ખોટા આશયો રાખી રજૂ થતા સમાચારો જોઈ ખૂબ ગુસ્સો આવે ત્યારે શું કરવાનું? વિચારવાનું કે આ બધું જોઈને હું ગુસ્સે થઈશ તો એ બંધ તો નથી જ થવાના. એના કરતાં હું જ ટીવી બંધ કરી દઉં તો? બસ, પછી રિમોટની `ચાંપ દબાઈ' અને ટીવી `ઓલવી કાઢવાનું' પછી `હો... હો... હો... હો..' કરી હસી અને ફેરફુદરડી ફરવા માંડવાનું. ટેન્શન ગાયબ થઈ જશે.
આપણા ક્રિકટરો ખૂબ ભૂંડું રમીને મેચ હારી જાય. ચોખ્ખું ફિક્સિંગ દેખાય એવી મેચો રમાય, અત્યંત વાહિયાત સીરિયલો આવે, ખૂબ ખૂબ ખરાબ ફિલ્મો આવે, સોશિયલ મીડિયા પર કચરો ઠલવાય, ફેસબુક પર ફાલતુ પોસ્ટ મુકાય, વોટ્સએપ પર વાહિયાત વાતો આવે. આવી બધી બુદ્ધિ બહેર મારી જાય એવી આઈટમોનો વરસાદ વરસ્યા જ કરે ત્યારે બંને હાથ વાઈડ બોલ દેખાડતા હોવ એમ પહોળા કરી ઘોડાની જેમ કૂદતાં કૂદતાં `હા હા હી હી હૂ હૂ હે હે' અવાજો કરી હસતાં હસતાં ચક્કર ભમ્મર ફરવા માંડવાનું. બબાલો, ટેન્શનો, તોફાનો બધું પડે ખાડામાં આપણે તો હસી અને એને ભૂલી જવાનું, કેમ કે એ સિવાય આપણી પાસે બીજો ઉપાય પણ નથી હોતો.