ઓસરીમાં બેઠેલા વડીલના મોંએથી પોતાનું નામ કાને પડતાં તેના માથે આભ તૂટી પડ્યું. ધરતી ધણધણી ઊઠી. તે તળથી માથા લગી છેદાઈ, ભીંસાઈ ને ફોદેફોદાં થઇ ગઈ. જાણે પોતાનું સમૂળગું અસ્તિત્વ જ ગોરમાટીના લીંપણ જેમ લીંપાઈ ગયું! કલ્પના પણ નહોતી એવી કારમી કબૂલાત કરવાનું માથે આવી પડ્યું હતું. લીલા અકળાઈને ઊભી થઇ ગઈ, પણ સૌ વહેમમાં હતાં, આવું સારું ઠેકાણું ગોતવા ગયે ક્યાં મળે! વળી ઘી ઢળ્યું તે ખીચડીમાં જ છેને.    


લીલા વીલા મોંએ ને ઢીલા પગે ઘરના ખૂણામાં ઢગલો થઇ ગઈ. તેનાં કાકીને અંદેશો આવી ગયો હોય એમ ઉતાવળા પગે આવીને પડખે બેસી ગયાં. પછી માથે હાથ મૂકીને કહ્યું: `બેટા, મોટીબેનનું વસાવેલું ઘર ને વર કોઈ પારકી જણીના હાથમાં નો દેવાયને.' ત્યાં તેના કાકા માથે આવીને ઊભા રહ્યા ને સૂરમાં સૂર પુરાવતાં બોલ્યા: `દીકરી, તું તો સમજણી છે, વધારે કે'વાનું નો હોય.'

લીલાનું હૈયું હાથ રહ્યું નહીં. તે છાતીફાટ રડવા લાગી. મૃત મા-બાપને રડે છે કે પછી તૂટી ને ફૂટી ગયેલા ભાગ્યને એ નક્કી કરવું મુશ્કેલ થઇ પડ્યું.     

તે વખતે લાગલગાટ ત્રણ દી' સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. શેતલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગાંડી થઇ બે કાંઠે વહેવા લાગી હતી. તેમાં ઠેબી નદી ઠેબે ચઢી હતી ને આગળ જાતાં ગાગડિયો નદી ભળી હતી. લોકોમાં કહેવત છે: શેતલમાં ગાગડિયો ભળે પછી કાંઈ કહેવાપણું ન રહે. એવું જ થયું હતું. પૂરહોનારતના લીધે બેઉ કાંઠાનાં નીચાણવાળાં ગામડાંમાંઓમાં ભારે તારાજી થઈ હતી. ઘર, ખેતર સઘળું ધોવાઇને સાફ થઇ ગયું હતું. જળ સ્થળનાં ઠામઠેકાણાં કે નામોનિશાન ભૂંસાઇને સઘળું સમથળ થઇ ગયું હતું.     

કોઈ જવાબ ન આવ્યો તેનો વાંધો નહોતો, પણ લીલાને ચોધાર આંસુએ રડતી સાંભળી ફળિયામાં બેઠા હતા તે વડીલો મૂંઝાયા. સૌની ઊંડે ઊંડે પણ લાગણી હતી, મા-બાપ વગરની દીકરીને દુઃખી ન કરવી. દીકરી આંસુ પાડે તો ઘરનું ધનોતપનોત નીકળી જાય, તેથી તેના કાકાને બોલાવીને પૂછ્યું: `ભાઈ, બધું બરાબર છેને?' ત્યાં તે કાંઈ બોલે એ પહેલાં તેમનાં ઘરવાળા લાજ કાઢવા સાડલાનો છેડો તાણી દબાતા સાદે બોલ્યાં: `તમતમારે બાપા આગળ વધો, ઘીના ઠામમાં ઘી પડી રે'હે!' વળી સામે પુછાયું: `આ દીકરી આંસુડાં પાડે છે તે.' સામે ઉત્તર વાળ્યો: `દીકરી તો ગાયના ઉપલા દાંત જેવી સોજી ને ડાહી છે, એણે કોઈ દી' અમારું વેણ ઉથાપ્યું નથી.' આવું સાંભળી વળી પાછી લીલા ઊંચા સાદે રડવાં લાગી. ત્યાં વળી કોઈએ દુઃખ વ્યક્ત કર્યું : `આવાં ટાણે દીકરીને મા-બાપ તો સાંભરેને!'     

`સગી દીકરીની જેમ ઉછેરી છે.' કાકીએ આંસુ ખેરતાં કહ્યું: `એકેય વાતે ઓછું આવવા દીધું નથી.'    

શેતલ નદીના પૂરહોનારત ટાણે લીલાનાં મા-બાપ ખેતરમાં હતાં. વરસાદ વરસવો શરૂ થયો હતો. વરસાદ રહી જાય પછી ઘરે જાશે તેમ કરતાં સાંજ પડવા આવી હતી. નદીમાં પાણી વધવા લાગ્યું હતું. સાહસ કરી પાણીમાં ઊતર્યાં ને અધવચ્ચે જાતાં તણાયાં હતાં. એ વેળા કોઈ બચાવી શકે એવું નહોતું.     

પછી તો નિરાધાર લીલાને કાકા-કાકીએ ઉછેરીને મોટી કરી. તેની સામે લીલાને કોઈ રાવ-ફરિયાદ નહોતી, પણ કાકાની મોટી દીકરી સુવાવડમાં મૃત્યુ પામી. તેનો વર, ઘર ને જન્મેલું છોકરું નોંધારાં થઇ ગયાં, તેથી નાતના બે-ચાર વડીલો ભેગા થઈ વાત વહેતી કરી કે નાની દીકરી લીલાને ત્યાં વળાવવામાં આવે તો ઘર, વર ને છોકરું સચવાઈ રહે, પણ લીલાને બીજવરને પરણવું કબૂલ નથી. પોતે સમજણી થઇ ત્યારથી આ મૃત મોટીબહેનનાં ઊતરેલાં કપડાં પહેરતી ને રમકડાં રમતી આવી છે અને હવે ઓછામાં પૂરું હોય તેમ વર ને ઘર પણ મોટીબહેનનાં જૂનાં ઊતરેલાં સ્વીકારવાનાં? પોતાના માટે કાંઈ કોરું કે નવું ભાગ્યમાં જ નહીં? મેં એવાં તે કેવાં પરભવમાં પાપ કર્યાં હશે તે મારે વાપરેલું જ વાપરવાનું?     

લીલાને લાગી આવ્યું. ગળું ફાડીને કહે: `મારાં ભાગ્યમાં જિંદગીભર કોઈનું કાઢેલું, ઊતરેલું જ પહેરવાનું હોય તો આ સગપણ મને મંજૂર નથી!' પણ તેના હાથમાં ને સાથમાં રડવા સિવાય કાંઈ નહોતું.    

મોટીબહેન અઘરણી આણું વળીને આવી ત્યારથી લીલા રાત-દી' તેના પડખે રહી હતી. પછીથી નવજાત શિશુને પણ જનેતા જેમ સાચવતી રહી હતી. કજિયે ચઢ્યો હોય પણ લીલા તેડે એટલે છાતીમાં લપાઇને છાનો રહી જાય. ધાવ્યો જરાય નહોતો તોય ભારે હેવાયો થઇ ગયો હતો. 

`જવાબ આપવો પડે.' કોઈ વડીલ બોલ્યું: `નકર દીકરો એના બાપને દઈ દેવો પડે!'    

લીલાનાં કાકીથી રહેવાયું કે સહેવાયું નહીં: `દીકરી, તારી પીડા મને હમજાય છે, પણ...' પછી આંસુ સારતાં કહે: `તને ઘર ને વર નવાં મળશે, પણ આ દીકરાને મા જેવી માસી નહીં મળે.'     

અને હૈયાનું આભ તૂટ્યું. લાગણીની ધરા ધણધણી ને લીલાએ અંતરનાં ઓરતાં એક કોર હડસેલી જનેતા જેમ દીકરાને છાતીએ ચાંપી લીધો. પછી બોલી: `મારે એ ઘર ને વર નથી જોતાં, પણ દીકરાને હું સાચવી લઈશ!'   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: