પૈસા બડી મુશ્કિલ સે મિલતા હૈ, બેટા'
યુવાન ઉંમરના કવિ હરિવંશરાય બચ્ચન આજુબાજુના કોઈ શહેરમાં મુશાયરો કરીને ઘર ચલાવવા માટેની વધારાની આવક રળીને થાક્યાપાક્યા અલાહાબાદના ઘરે મોડી રાતે પાછા ફરતા અને બંધ દરવાજાની બારસાખે હાથ દઈ દ્વાર ઊઘડવાની રાહ જોતા. સ્કૂલમાં ભણતો એમનો મોટો દીકરો બાબુજીના આવવાની રાહ જોતો ઘરમાં જાગતો રહેતો. સાંકળ ખખડતાં જ એ બારણું ઉઘાડવા દોડી જતો. સામે જ થાકીને ચૂર થઈ ગયેલા પિતા ઊભેલા દેખાતા. પુત્રે નહીં પૂછેલા સવાલનો ખુલાસો કરતા હોય એમ પિતા બોલતા. `પૈસા બડી મુશ્કિલ સે મિલતા હૈ, બેટા.'
વર્ષો વીતી જાય છે. હરિવંશરાય સધ્ધર થાય છે. એમનો મોટો પુત્ર પણ ફિલ્મલાઈનમાં સંઘર્ષ કરીને અતિ સધ્ધર થઈ રહ્યો છે. મુંબઈની જુહૂ સ્કીમમાં `પ્રતીક્ષા' નામના બંગલામાં પિતા-પુત્ર અને એ બંનેના પરિવાર રહે છે. પુત્ર લાખો કમાતો થયો છે, પણ મહેનત ઓછી નથી થઈ. રાતના બબ્બે-ત્રણ ત્રણ વાગ્યે એ શૂટિંગ પરથી પાછો ફરે છે ત્યારે અત્યાર સુધી જાગી રહેલા પિતા પોતે દરવાજો ખોલવા દોડી આવે છે. પિતાને જોઈને દિવસ આખાનો થાકેલો પુત્ર બોલી ઊઠે છે : `પૈસા બડી મુશ્કિલ સે મિલતા હૈ, બાબુજી.'
હરિવંશરાય બચ્ચન અને અમિતાભ બચ્ચન જેવા સંબંધ કેટલા પિતા-પુત્ર વચ્ચે હશે? પિતા અને પુત્ર વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ અને કેવા હોવા જોઈએ?
આ રવિવારે મધર્સ ડે આવશે અને આવતા મહિને ફાધર્સ ડે આવી પડશે. પશ્ચિમી જગતના લોકો ઊજવશે અને એમની વાદે ચડીને આપણે ત્યાંના દીકરાઓ પણ ડૅડીને કાર્ડ્સ મોકલીને, છાપાંઓમાં જાહેરખબરો છપાવીને શુભેચ્છા પાઠવશે. પશ્ચિમની જે કેટલીક રીતરસમો હજુ પણ અમને સ્વીકાર્ય નથી એમાંથી એક આ
છે : ફાધર્સ ડે, મધર્સ ડે ઊજવવાની વાત. આ ભારતની ભૂમિ છે. અહીં કેટલાંય ઘરોમાં રોજ સવાર-સાંજ માતા-પિતાને દેવતુલ્ય ગણાવાતી પ્રાર્થનાઓ ગવાય છે. તો કેટલાંક ઘરોમાંથી પિતા ગુજરાતી છાપાંઓમાં એવી જાહેરખબર પણ છપાવે છે કે મારો દીકરો મારા કહ્યામાં નથી, કોઈએ એની સાથે વ્યવહાર કરવો નહીં.
માતા વિશે કવિતાઓ લખાઈ છે, લેખો-નિબંધો-વાર્તાઓ લખાયાં છે. પોતાની માની વાત કરતાં કરતાં ગળગળા થઈ જતા વૃદ્ધોને પણ કોઈ એવું નથી કહેતું કે આ તો લાગણીવેડા કહેવાય, પણ પિતા વિશે આમાંથી દસમા ભાગની લાગણી પણ વ્યક્ત થતી નથી. જે કંઈ સંવેદનો પ્રગટ થાય છે તે અત્યંત સંયમિત રીતે બહાર આવતા હોય છે. એમાં લાગણી કરતાં આદર વધુ હોય છે.
માની ભૂલો સંતાનો માફ કરી શકે છે, બાપની નહીં. માને મજબૂરીઓ હતી એવું વિચારી શકીએ છીએ, બાપે મજબૂરીઓ હોવા છતાં એનો સામનો કેમ ન કર્યો એવો દોષ કાઢતા રહીએ છીએ.
દરેક ભારતીયે નાનપણમાં શ્રવણની વાર્તા સાંભળી છે. મોટાભાગે એ વાર્તા સગી જનેતાએ જ સંભળાવી હોય છે. આ વાર્તા કહીને શું મા-બાપ એવી ઈચ્છા રાખતાં હશે કે મારો દીકરો પણ મોટો થયા પછી અમારી સંભાળ લે? પોતાના ખભે કાવડ ઊંચકીને જાત્રાએ ન લઈ જાય તો કંઈ નહીં, પણ કમ સે કમ એની કારમાં મોટા મંદિર કે દેરાસર સુધી તો લઈ જાય? કાર ન મોકલે તોય કંઈ નહીં, પણ રિક્શા ભાડું આપવામાં તો કચ કચ ન કરે.
દરેક પિતાને વધતી જતી ઉંમરે આર્થિક અસલામતી વિશે વિચારીને ફફડાટ થતો હશે. દરેક પિતા પોતે જિંદગીમાં ન કરી શક્યા એ તમામ કામ દીકરો કરે એવાં સપનાં જોતા હશે. દરેક પિતાને પોતાના પુત્રમાં રહેલાં દુર્ગુણો જોઈને લાગતું હશે કે આ મારા જ દુર્ગુણો બિલોરી કાચ તળેથી દેખાઈ રહ્યા છે. દરેક પિતાને પ્રગટપણે પુત્ર માટે પારાવાર પ્રેમ પણ હૃદયના એક છાને ખૂણે ભારોભાર અસંતોષ અને રોષ
રહેતો હશે.
દીકરા માટે પિતા એ મફત લૉજિંગ-બોર્ડિંગ આપતી વ્યક્તિથી કંઈક વિશેષ હોવો જોઈએ. કિશોર ઉંમરના થતાં સુધીમાં દરેક દીકરો કાં તો એન્જિન ડ્રાઈવર કાં પાઈલટ કાં પછી પોતાના બાપ જેવો થવા માગતો હોય છે, પણ મોટા થયા પછી દરેક પુત્ર પિતા કરતાં જુદો થવા માગે છે, અલગ થવા માગે છે, પિતાની છત્રછાયાની બહાર નીકળવા માગે છે. દરેક પુત્રની એક જ પ્રાર્થના હોવાની : મારા પિતા કરતાં હું વધારે સારો પિતા બનું અને મારા પિતાના પુત્ર કરતાં મારો પોતાનો પુત્ર વધુ સારો દીકરો પુરવાર થાય.
બાબર, અકબર, શાહજહાંથી માંડીને ઔરંગઝેબ સુધીના પિતા-પુત્રો ક્યારેક એકમેક માટે મરી ફીટતા, તો ક્યારેક એકમેકનું કાસળ કાઢી નાખતા. મોટા માણસનો પુત્ર મોટો જ પુરવાર થાય એવું નથી હોતું. સુપ્રસિદ્ધ ફિલ્મસ્ટારો, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓથી લઈને લેખકો-પત્રકારોના કેટલાય નબીરાઓએ બાપનું ગોલ્ડન નામ બોળ્યું હોય એવાં અસંખ્ય ઉદાહરણો તમને નજીકના અને સમકાલીન ઈતિહાસમાં મળશે. રાજકારણમાં આવા પિતા-પુત્રના કિસ્સાઓમાં ફિરોઝ ગાંધી છે અને સંજય-રાજીવ પણ છે. મોરારજી દેસાઈ અને કાંતિભાઈ પણ છે. મહાત્મા ગાંધી છે અને હરિલાલ ગાંધી છે. તમે સજાગ રહીને તમારાં સંતાનોમાં સંસ્કારનું સિંચન કરી શકો ખરા? જો એવું જ હોય તો ગાંધીજીમાં એવા કયા સંસ્કારની ઓછપ હતી કે એમનો પોતાનો સગો દીકરો મોટો થઈને રખડુ, દારૂડિયો, લંપટ અને દેવાળિયો બન્યો. આવતા મહિનાના ફાધર્સ ડેની ઉજવણી કરતાં પહેલાં આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવી લેવા પડશે.
સાયલન્સ પ્લીઝ!
આ વિશ્વ માનવીની મહત્ત્વાકાંક્ષાઓ મુજબનું જ હોય એવું કંઈ જરૂરી નથી.
- કાર્લ સેગાન
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
