ઘર-પરિવારની વચ્ચે જ વરજાંગ કોઈ પઢાવેલો પોપટ પઢે તેમ પટ પટ બોલી ગયો હતો : `હું હવે હું પુખ્ત થયો, મને મારા લગ્નજીવનનો અધિકાર મળવો જોઈએ.' આવું સાંભળી પરિવારના સભ્યોને ભારે નવાઇ લાગી હતી. થયું હતું, આ માખીને મોં ક્યાંથી આવ્યું? કોઈ દિવસ બોલે નહીં, તેમાં વળી આવી સંસારસુખ ભોગવવાની વાત! નક્કી દાળમાં કંઈક કાળું હોવું જોઈએ. જે હોય તે પણ વરજાંગનું કહેવું વાજબી હતું. નાની વયે દિયરવટુ વાળ્યું ત્યારે તો ઠીક, પથારી અલગ રખાતી હતી, પણ હવે તો યુવાન થયો, તેને સંસાર ભોગવવાનો અધિકાર મળવો જોઈએ. સૌ આ બાબતે સહમત હતા. તેમાં એક કાકા તો ક્રોધથી બોલી ગયા હતા : `તને રોકે છે કોણ?' સૌ નવાઇ સાથે એકબીજાનાં મોં સામે જોવા લાગ્યાં હતાં.
આ બાજુ સ્ત્રીવર્ગમાં સન્નાટો છવાઈ ગયો હતો. ખાસ તો નીલા અને તેમનાં સાસુને તો ઉઘાડા વાંસામાં વરજાંગનું કહેવું ચાબુક જેમ સટ્ટાક કરતું ચોંટી ગયું હતું. મોં પર કાળાશ છવાઇ ગઈ હતી. અન્ય સ્ત્રીઓનું આંખો ફાડીને જોવું તીરની જેમ ભોંકાયું હતું. તન-મનની આરપાર વીંધાઈ જવાયું હતું. લોહીલુહાણ થઇ જવાયું હતું, પણ કંઈ બોલી શકાય એવું નહોતું. આ મૂંઝાયેલા માહોલ વચ્ચે બોલે તો પણ શું બોલે?
મૂળમાં સાપે છછુંદર ગળ્યા જેવું અથવા ધરમ કરતાં ધાડ પડ્યા જેવું હતું. કોણ જવાબ આપે?
`આ દીકરો જે બોલે છે, તેનો નિવેડો લાવો.' વડીલનું મભમ બોલવું સૌને સોંસરવું ઊતરી ગયું હતું.
એકવાર સૌની સોય જેવી નજર નીલા ઉપર ભોંકાઇ હતી. આમાં નીલા જવાબદાર ગણાઇ હતી.
નીલા જેવી ઠરેલ, ઘરરખ્ખું ને સમજદાર વહુઆરુ આવું કરે એ કોઈને માનવામાં આવતું નહોતું, પણ હકીકત હતી. ભલે કોઈની ચઢામણી હોય, પણ વરજાંગ આવું જાંઘનો ડાઘ દેખાડવા ઉઘાડું શું કરવા કહે? એક બાજુ ગંગા જેવી પવિત્ર નીલા હતી તો બીજી બાજુ સંસારની રીતરસમથી અજાણ એવો વરજાંગ હતો. આમાં કોનું પલ્લું નમે ને કોનું ઊંચું જાય તે જોવું ભલભલાને ભૂ પાય દે એવું અઠંગ ને અઘરું હતું.
વાત વણસે ને વિસ્ફોટ થાય એ પહેલાં નીલા ઊભી થઇ સડસડાટ કરતી એના ઓરડામાં ચાલી ગઈ હતી. આખો પરિવાર ફાટી આંખે જોઈ રહ્યો હતો. સૌને સમજાયું હતું, આમાં નીલા જ જવાબદાર લાગે છે.
આ બંધ ઓરડામાં રહેલી અકબંધ પથારીની વાત હતી. તેની જાહેરમાં ચર્ચા ન હોય. આવું સમજી પરિવાર મૌન ધારણ કરી ગયો હતો. ત્યાં ફરી વરજાંગ ઊભો થઇ બોલી ગયો હતો : `મારા પ્રશ્નનો નિવેડો લાવો.' એક યુવાન પુત્રની આવી જગજાહેર માંગણી, સૌ કોઈને માટે શરમથી માથું ઝુકાવી દે એવી હતી.
મૂળ હકીકત એવી હતી કે, નીલા પરણીને અહીં સાસરિયામાં આવ્યા પછી સંસારસુખના એ રંગીલા ને સંગીલા દિવસો તેનાં સાથમાં હાથમાં રહ્યા નહોતા. મોંએ આવેલો એ સુખ સબરડકો ભરે તે પહેલાં જ ઝૂંટવાઇ ગયો હતો. ગણતરીના વર્ષોમાં જ એ વિધવા થઇ હતી. પતિના આકસ્મિક મૃત્યુથી તેના સેંથાનું સિંદુર ભૂંસાઇ ગયું હતું. ઘરમાં કંધોતરના મરણનો આઘાત ઓછો નહોતો, પણ સ્વીકાર્યા વગર છૂટકો નહોતો.
તેમાં નીલા અપવાદ હતી. એક નિ:સંતાન સ્ત્રી વિધવા થયા પછી ક્યાં જાય, ક્યાં રહે? પતિના જવા સાથે જ ઘર-પરિવાર સાથેના સામાજિક સંબંધો પણ પોઢી જતા હોય છે. બહુ ઓછા દિવસોમાં સઘળું અનુભવી ચૂકી હતી, પણ પિયરમાં જાય ત્યાં પણ વધારે પોષાય નહીં. કોઈ ગમતા-અણગમતા અન્ય પાત્ર સાથે ઘરસંસાર માંડવો પડે. લલાટે જે લખ્યું તે સમજી, મને કમને પણ સ્વીકારી લેવા નીલા તૈયાર થઇ હતી.
પણ પહાડ જેવો મોટો પ્રશ્ન હતો, આ ઘર છોડવાનો. જ્યારે પોતે પ્રભુતામાં પગલાં ભરીને આવી હતી ત્યારે અબોલપણે કબૂલી કે સ્વીકારી લીધું હતું, હું એક ગૃહલક્ષ્મીને શોભે એવું કર્તવ્ય નિભાવીશ. આ ઘરને સુખી-સંપન્ન રાખવાનો મારો આપદ એવો સ્ત્રીધર્મ સૌથી સવાયો હશે! આ બધું પતિની હયાતીમાં સ્વીકાર્યું હતું. હવે તેના ગયા પછી આ ઘર, જમીન ને જાયદાદને નોંધારા છોડીને ચાલ્યા જવાનું? તે ઉપર બેઠા ઠપકો આપશે : મારા મરણ પછી તું પણ ચાલી જઈશ તો આ ઘર, જમીનને કોનો આધાર રહેશે!
આ બાબત જ નીલાના કાળજે કોરાઇ ગઈ હતી. ઘર અને મોટી સંપત્તિ હતી. વાડી અને જમીનનો વિસ્તાર પણ મોટો હતો. આ બધું સંભાળે એવું ઘરમાં કોઈ રહ્યું નહોતું. સસરા તો વર્ષો પહેલાં દેવલોક સિધાવ્યા હતા.
સાસુમા તન-મનથી ભાંગી ગયાં હતાં ને રહ્યો વરજાંગ. તેની કાચી ઉંમર. વળી જગત ને જીવનના અનુભવથી અજાણ હતો. આ સઘળી માલ-મિલકતને સંભાળે કોણ? આ પ્રાણ પ્રશ્ન નીલાને એકધારો પજવવા લાગ્યો હતો.
વિધવા થયા પછીના દિવસો, મહિનાઓ પસાર થયા પછી એક ચણભણ નીલાના કાને આવી હતી : આ સ્ત્રી મિલકત પડાવવા જ રોકાઇ છે, નહિતર સંતાન વગરની યુવાન સ્ત્રી અહીં શું કરવા રહે?
આ બધા પ્રશ્નો સામે નીલા એક નવતર નિર્ણય કરીને ઊભી રહી હતી, પણ શેનો?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો