દરિયાના કાંઠે ઊભો ગોવિંદ દૂર દૂરથી વાંભ વાંભ ઊછળે આવતાં મહાકાય મોજાં અને અરબ સાગરની આ અકળ લીલાને મુગ્ધ થઇ જોઈ રહ્યો હતો, પણ હૈયામાં દરિયા જેવો અકળ ઉચાટ ભર્યો હતો. બાપુને કહ્યા પછી શું થશે? કેવું પરિણામ આવશે?
ગોવિંદની નજર વારંવાર દાદા સોમનાથના દ્વાર પર જઈને અટકતી હતી. તેને હવે આભને ગાભ જેવી વાત સાચવવી અઘરી પડી હતી. વહેલી તકે રળિયામણી રિયાસતના ધણી મેઘ વાજાને મળવું જરૂરી બન્યું હતું. મેઘ વાજા સોમનાથનાં દર્શને આવે છે તેની ખબર હોવાથી તે આવી પૂગ્યો હતો અને એક ખવાસ જોડે કહેણ મોકલાવ્યું હતું, `ગોવિંદ આપને હરુંભરું મળવા માંગે છે.' ગોવિંદ જાણતો હતો, પોતાના જેવા છેવાડાના મનેખને મળવા કોણ દે! અરે! કહેણ અધવચ્ચે જ અટકી જાય. પણ ગોવિંદની માના હાથનું વણેલું પાણકોરું આખા રજવાડામાં પ્રખ્યાત હતું, તેથી પાટણપતિ નામજોગ ઓળખતા હતા.
મેઘ વાજા ભોળિયાદેવને અર્ચન, નમન કરીને પાછા ફરી રહ્યા હતા, એ વેળાએ દરવાજે જઈને ઊભો રહ્યો. મેઘ વાજાની નજરે ચઢ્યો ને બોલાવ્યો: `ગોવિંદ, કેમ આવવું થયું? કોઈ મુશ્કેલી?'
`આપના રાજમાં મુશ્કેલી શેની, એયને લીલીલે'ર છે બાપલા.' પછી ગોવિંદ બોલી શક્યો નહીં.
મેઘ વાજાને મળતાં પૂર્વે ગોવિંદે પોતાની માતા સાથે સંવાદ કરી લીધો હતો. માધવપુર જાવા નીકળેલો ગોવિંદ પાંચ દી' પહેલાં પાછો ફરેલો જોઇને માતાએ પૂછ્યું તો કહ્યું'તું: `મા, હું ખોરાસા ગામે મીઠી વાવના ઓટલે પાણી પીવા ઊભો ર્યો'તો. મારું ગામ જાણી એક પાણિયારી મીઠું મેણું મારતાં બોલી'તી: `રૂપાળીબાનું મામેરું લઇ આવ્યા હશો.' પણ માતા કાંઇ બોલે એ પેલા ગોવિંદ આગળ બોલી ઊઠ્યો હતો: `મા, હું તારું ધાવણ ધાવ્યો છું, તારો ખોળો ખૂંદીને ઉછર્યો છું. કે'વાપણું નો રેવા દવ, પણ મેં કર્યું ઇ મેઘ વાજા માનશે કે સ્વીકારશે ખરા?'
માતાએ જન્મારો જોયો હતો, અનુભવનાં કેટલાંય આંધણ પીધાં'તાં. એટલે સાગરને ઘોળી, ઘડામાં ભરીને કીધું'તું: `નો માને તો દાદા સોમનાથ સામે કમળપૂજા કરી લે'જે દીકરા.' આવું સાંભળી ગોવિંદના અઢારેય કોઠે દીવા થયા'તા. તે હૈયામાં હામ ભરી પ્રભાસપાટણમાં મેઘ વાજાને મળવા આવી પૂગ્યો હતો.
`બાપુ, જય સોમનાથ.' કહીને ગોવિંદ મેઘ વાજાની અદબ દાખવીને ઊભો રહ્યો. ખબર અંતર કાઢ્યા પછી પૂછ્યું: `ગોવિંદ, કાંઇ ખાસ વાત.' પૂછે એની રાહમાં હતો તે ગોવિંદે કહી દીધું હતું: `હા બાપુ, પણ...' અટકી ગયો એટલે મેઘ વાજાએ ધરપત આપતાં કીધું હતું: `પેટ ચોર્યા વગર હોય ઇ કહી દે.'
ગોવિંદના જીવમાં જીવ આવ્યો તે ગળચા ગળ્યા કે ચીંથરાં ફાડ્યા વગર સીધું ને સટ બોલી ગયો હતો: `બાપુ, આપને પૂછ્યા વગર એક કામ કરીને આવ્યો છું.' પછી હળવેક આગળ બોલ્યો હતો: `મને લડતા કે વઢતા નઈ.' મેઘ વાજાને નવાઇ લાગી હતી: `ગાંડિયા, મારા નામે વળી કયું કામ કરીને આવ્યો?' મેઘ વાજાની અડખેપડખે ઊભેલા હજુરિયા સમેત સૌ મોં વકાસી ગોવિંદ સામે જોઈ રહ્યા હતા. આભ જેવી વાતના મૂળમાં આવતાં જણાવ્યું હતું: `ખોરાસામાં બેનબાને ન્યાં ભાણુભાના વિવા છેને!'
`હા ગોવિંદ.' મેઘ વાજાએ ભારે વ્યથા સાથે જણાવ્યું હતું: `પણ વેર થયા પછી જાવાનું બંધ છે.'
`પણ હું જઈ આવ્યોને.' ગોવિંદ ઉત્સાહમાં આવી ગયો હતો: `બેનબાએ હઠ લીધી'તી, આ વિવા ટાણે વિમળદેવ વાઘેલા આપને તેડાવે.' નાની અમથી વાતમાં વાજા અને વાઘેલા વચ્ચે તકરાર થઇ હતી, વેર બંધાણાં હતાં. ગોવિંદની વાતમાં દમ હતો, મરમ હતો તેથી સૌ એક કાને થઇ ગયા હતા.
`એ શેના તેડાવે? વટનો કટકો છે. મારી ને એની આંખ્યું વઢે છે, પણ તેં શું કર્યું ગોવિંદ!'
`બેનબાને સાત સાત દી'ના નકોરડા અપવાસ હતા તે છોડાવ્યા.'
`કેવી રીતે ગોવિંદ!' ગોવિંદે જવાબ દીધો હતો: `બાપુ, ગઢમાં જઇને કીધું, હું પાટણથી આવ્યો છું. બાપુએ મને મામેરું લઈને મોકલ્યો છે.' ઘડીભર અટક્યો ને પછી બોલ્યો હતો: `જાતે વણકર છું, પણ બાપુએ મને મામેરિયો ગણીને મોકલ્યો છે.'
કોઈ બોલ્યું હતું: `તેં મામેરામાં આપ્યું શું?'
`મારે તો શું આપવાનું હોય મામેરામાં. `ગોવિંદ જરીકેય ભે રાખ્યા વગર હરખાઈ ગયો હતો: `પાટણપતિએ આપવાનું હતું તે, કિંદરિયું ને ઇશ્વરિયું બે ગામ આપ્યાં.' `વાહ મેતર! તેં તો મોટાઈની મેડી માથે શગ ચડાવી દીધી.' એક વણકરનો પોતાના પરનો ભરોસો અને રાજની આબરૂ ઉજાગર કરી તે વાતે મેઘ વાજાની છાતી ગજગજ ફૂલવા લાગી હતી: `બે નહીં, બાવીસ ગામ આપ્યાં હોત તોય રાજી થાત. તેં રાજની આંટ અને લાજ રાખી છે. ગોવિંદ તેં આ ભોમકાની આબરૂને ઊજળી કરી છે.' મેઘ વાજાએ મામેરાની કદરરૂપે ગોવિંદને દસ સાંતીની જમીન આપી બહુમાન કર્યું હતું.