અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અનેક મોરચે લાંબા ગાળાની જિઓપોલિટિકલ અસરો પેદા કરશે, પરંતુ પર્યાવરણવાદીઓને અત્યારે પોલિટિક્સ કરતાં વધુ ચિંતા પર્યાવરણની થઇ રહી છે, કારણ કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ થાય એટલે ક્રૂડ ઓઈલ ડિપોઝિટ્સ, ઓઈલ રિફાઈનરીઝ તેમજ ઓઈલ વહન કરતાં મોટાં જહાજો પર આક્રમણોનો ભય તોળાતો રહે છે. વીસમી સદીના છેલ્લા દસકા દરમિયાન થયેલ ઈરાક-અમેરિકા યુદ્ધ વખતે પેટ્રોલિયમના અનેક કૂવા ફૂંકી મારવામાં આવેલા. જેના પગલે પેટ્રોલિયમ તો ગયું જ, સાથે જ મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ પણ થયું. આ વખતે ચિંતા સમુદ્રની છે. જો હોર્મુઝની ખાડીમાં કંઈ લાંબી ટૂંકી બબાલ થાય અને એકાદ ઓઈલ વેસલ કે ટેન્કર પર બોમ્બ પડી જાય તો હજારો લિટર ઓઈલ દરિયામાં ઢોળાય, જે દરિયાઈ ઇકોસિસ્ટમ માટે ઘાતક નીવડે.  

એપ્રિલ 2010માં આવી જ એક દુર્ઘટના ઘટી. યુનાઇટેડ સ્ટેટ્સના દરિયાકાંઠે મેક્સિકોના અખાતમાં `ડીપવોટર હોરાઇઝન ઓઇલ રિગ' પર નબળા કોંક્રીટ વર્કને કારણે કુદરતી ગેસનો પ્રચંડ વિસ્ફોટ થયો. અગિયાર કામદારોનાં મોત થયાં અને સંખ્યાબંધ ઘવાયા. વિસ્ફોટના બે દિવસ બાદ ડ્રિલિંગ પ્લેટફોર્મ પણ ડૂબ્યું અને ઓઇલનો કૂવો તૂટી જવાથી દરરોજ અંદાજિત 60 હજાર બેરલ ક્રૂડ ઓઇલ સમુદ્રમાં ઠલવાવા લાગ્યું. આ બનાવને પગલે મોટું પર્યાવરણીય સંકટ પેદા થઇ ગયું, કેમ કે કૂવામાંથી દરિયામાં સતત ઠલવાઈ રહેલા ઓઈલને અટકાવવાનું કામ અતિશય દુષ્કર ગણાય. જેમ તેમ કરીને 87 દિવસની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી. ત્યાં સુધીમાં 1,100 માઈલ્સ જેટલો દરિયાકાંઠો પ્રદૂષિત થઈ ચૂકેલો અને લાખો દરિયાઈ જીવો અને પક્ષીઓ સુધ્ધાં મૃત્યુ પામ્યાં. ઇતિહાસમાં આ ઘટના `Deepwater Horizon Oil Spill' તરીકે જાણીતી છે.  

હવે આજની વાત કરીએ. ધારો કે કોઈક રીતે દરિયાના પાણીમાં હજારો લિટર ઓઈલ ઢોળાય, તો ઓછામાં ઓછા સમયમાં ઓઈલને દરિયાના પાણીથી જુદું પાડીને પર્યાવરણને બચાવવાનો ઉપાય શું? આ અંગેની પ્રચલિત વૈજ્ઞાનિક પદ્ધતિ સમજવા જેવી છે.  

અહીં સૌથી મહત્ત્વનો મુદ્દો છે પ્રવાહીની ઘનતા અને ઓઈલ સ્પિલ (એટલે કે દરિયામાં ઓઈલ ઢોળાવું) જેવી દુર્ઘટના વખતે આ મુદ્દો આપણી ફેવરમાં કામ કરે છે. મોટાભાગના ક્રૂડ ઓઈલની ઘનતા 150 સેલ્સિયસ તાપમાને 850 કિગ્રા/મી3 જેટલી હોય છે. તાપમાન વધે એમ ઓઇલનું પ્રસરણ થતાં આ ઘનતા ઔર ઘટતી જાય. એની સામે 150 સેલ્સિયસ તાપમાને જ દરિયાના ખારા પાણીની ઘનતા 1025 કિગ્રા/મી3 જેટલી હોય છે. આમ, ક્રૂડની સરખામણીએ દરિયાઈ પાણીની ઘનતા નોંધપાત્ર રીતે વધારે છે. એનો સીધો અર્થ એ થાય કે જ્યારે પણ ઓઈલ સ્પિલની ઘટના ઘટે, ત્યારે કોઈ વિશિષ્ટ પરિબળ ભાગ ન ભજવે તો ક્રૂડ ઓઈલ પાણીની સપાટી પર જ તરતું રહે છે, દરિયાના પાણીમાં ઊંડે નથી ઊતરી જતું. અકસ્માત પછીની ત્વરિત સફાઈ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) માટે આ મુદ્દો સૌથી મહત્ત્વનો છે.  

ઓઈલ સ્પિલ દુર્ઘટનાને પહોંચી વળવા માટે વિશાળ કદનાં અત્યાધુનિક જહાજોનું નિર્માણ કરવામાં આવે છે, જે `ઓઇલ સ્પિલ રિસ્પોન્સ વેસલ્સ' તરીકે ઓળખાય છે. એક વાર ઓઈલ સ્પિલ થાય એટલે યુદ્ધના ધોરણે રિસ્પોન્સ વેસલ્સને ઘટનાસ્થળે રવાના કરી દેવાય છે. રિસ્પોન્સ વેસલ્સ સૌથી પહેલાં તેલનું પ્રસરણ થયું હોય એટલો દરિયાઈ વિસ્તાર કોર્ડન કરી દે છે. આ માટે પ્રસરણ ક્ષેત્રની આસપાસ `બૂમ્સ' તરીકે ઓળખાતા ફ્લોટિંગ બેરિયર્સની બાઉન્ડ્રી બનાવી લેવાય છે. એક કરતાં વધુ રિસ્પોન્સ વેસલ્સ પાણીમાં જાળ પાથરતા હોય એ રીતે દરિયાની સપાટી પર ફ્લોટિંગ બેરિયર્સ પાથરીને આખો વિસ્તાર ઘેરી લે છે.  

ત્યાર પછી વારો આવે `સ્કિમર' તરીકે ઓળખાતા ખાસ મશીન્સનો. આ મશીનની રચના એવી હોય છે કે તે ઓઈલ-પાણીના મિશ્રણમાંથી માત્ર ઓઈલને જ શોષી લે. 

જાણે વેક્યૂમ ક્લિનર ફેરવીને ફ્લોરનો કચરો વીણી લેવાય, એ રીતે સ્કિમર દરિયાની સપાટી પર તરતું તેલ શોષી લે. આ શોષાયેલા તેલને રિસ્પોન્સ વેસલ્સમાં રખાયેલી મોટી ટાંકીઓમાં સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવે છે. જોકે, અહીં માત્ર સાદી સમજ પૂરતી પ્રોસેસ લખી છે, બાકી આ કામ લાગે એટલું સહેલું નથી.  

અન્ય એક ઉપાય એટલે પાણી ઉપર કેમિકલ સ્પ્રેનો છંટકાવ. વિશિષ્ટ પ્રકારનું કેમિકલ ઓઈલને નાના નાના પાર્ટિકલ્સમાં તોડી નાખે છે. આ પાર્ટિકલ્સનું કદ એટલું નાનું હોય છે જે સમુદ્રની વિશાળ જળરાશિમાં ઓગળી જાય અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય.  

હવે ધારો કે ઉપરની બંને ટેક્નિક કામ ન લાગી તો? ઇન ધેટ કેસ, છેવટનો ઉપાય એટલે ઇન-સિટુ બર્નિંગ (In-situ burning). ઇન-સિટુ બર્નિંગ એટલે સમુદ્ર કે જમીન પર ફેલાયેલા ખનિજ તેલને જે-તે સ્થાન ઉપર જ નિયંત્રિત રીતે સળગાવીને નષ્ટ કરવાની પ્રક્રિયા. આનાથી ઢોળાયેલા ઓઈલનો સંપૂર્ણ નાશ થાય, પણ સાથે જ અનિવાર્યપણે વાયુ પ્રદૂષણ પણ થાય જ, તેથી આ ઉપાયને નછૂટકે જ કરવામાં આવે છે.    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો