કોઈ પણ સંસ્થા કે સમાજને સફળતાના શિખરે લઈ જવા માટે એક કુશળ લીડર પોતાના વિચારો, યોજનાઓ અને સંપૂર્ણ ઊર્જા ન્યોછાવર કરી દેતો હોય છે. પોતાની કાર્યપદ્ધતિમાં કોઈ ક્ષતિ ન રહે અને લક્ષ્ય પ્રાપ્ત થાય તે માટે તે દિવસ-રાત એક કરે છે. છતાં પણ ઘણીવાર એવું જોવા મળે છે કે અનિવાર્ય મહેનત, અચળ નિષ્ઠા અને શ્રેષ્ઠ સંગઠનાત્મક કૌશલ્ય હોવા છતાં લીડરને ઈચ્છિત સફળતા કે યોગ્ય કીર્તિ મળતી નથી. કાર્પોરેટ કે રાજકીય જગતમાં આવા વળાંકો વારંવાર આવતા હોય છે, જ્યાં ક્ષમતા હોવા છતાં પરિણામો સાનુકૂળ નથી આવતાં. આ સ્થિતિ લીડરના આત્મવિશ્વાસને ડગાવી શકે છે, પરંતુ `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મ દ્વારા રજૂ કરાયેલો મેનેજમેન્ટ અને લીડરશિપનો સાચો સિદ્ધાંત એ જ સમજાવે છે કે પુરુષાર્થની સાથે `સમય' અને `ભાગ્ય'નું ચક્ર પણ એટલું જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
લીડરશિપના ક્ષેત્રમાં ઘણીવાર એવું બને છે કે ઓછી ક્ષમતા, પ્રપંચી માનસિકતા કે અહંકાર ધરાવતી વ્યક્તિઓ પણ સમયના સાનુકૂળ તબક્કાના કારણે સફળતાના શિખરે બિરાજમાન થતા હોય છે અને તેમને અઢળક માન-સન્માન મળે છે. આ તો ઠીક, આવા લોકો પાછા એક આખી ઈન્ડસ્ટ્રીને કે પાર્ટીને પણ લીડ કરતા હોય છે ને નિર્ણયો લેતા હોય છે. આવા દૃશ્ય એક સંનિષ્ઠ લીડર કે મેનેજર માટે અત્યંત આઘાતજનક અને હતાશાજનક હોઈ શકે છે, કારણ કે જ્યારે અયોગ્ય વ્યક્તિઓને માત્ર સમયના સપોર્ટના કારણે કીર્તિ મળતી દેખાય અને પોતાની અથાક મહેનતનું પરિણામ શૂન્ય દેખાય, ત્યારે લીડરની આંતરિક ક્ષમતા અને માનસિક દૃઢતાની ખરી કસોટી થાય છે. આવા વિષમ સમયમાં જ એક સામાન્ય મેનેજર અને એક મહાન લીડર વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે.
પિતામહ ભીષ્મ કહે છે કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય અને સમય સાથ ન આપતો હોય, ત્યારે લીડરે સૌથી પહેલાં પોતાની ધીરજની કસોટીમાંથી પસાર થવું પડે છે. સફળતા ન મળવાના કારણે ઉતાવળમાં આવીને કોઈ અવિચારી કૃત્યો કરવાં, શોર્ટકટ અપનાવવા કે નીતિમત્તાનો ત્યાગ કરવો એ લીડરશિપ માટે વિનાશક સાબિત થઈ શકે છે. હંગામી સફળતા મેળવવા માટે અપનાવાયેલા શોર્ટકટ્સ લાંબા ગાળે સંસ્થા અને લીડર બંનેની વિશ્વસનીયતા ખતમ કરી નાખે છે. સાચો લીડર એ છે જે સમજે છે કે જેમ દરેક ઋતુનો એક સમય હોય છે, તેમ સફળતાના ફળ પાકવાનો પણ એક ચોક્કસ સમય હોય છે. વિપરીત પરિસ્થિતિઓમાં પોતાના સિદ્ધાંતો અને બિલિફ સિસ્ટમ પર અટલ રહેવું એ જ સાચા નેતાનું લક્ષણ છે. પોતાના ખરાબ કે પ્રતિકૂળ સમય દરમિયાન લીડરે પોતાની જાતમાં અને પોતાના લક્ષ્યમાં શ્રદ્ધા અખંડ રાખવી પડે છે. નિષ્ફળતા કે અપેક્ષિત પરિણામોના અભાવે પોતાની કાર્યક્ષમતા પર શંકા કરવાને બદલે, તેણે પોતાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી જોઈએ. પરિશ્રમનું સતત ચાલુ રહેવું એ જ ભવિષ્યની મોટી સફળતાનો પાયો છે. પિતામહ ભીષ્મના મતે જો લીડર પોતે ધીરજ ગુમાવી દેશે કે હતાશ થઈ જશે, તો તેની અસર સમગ્ર ટીમ અને સંગઠન પર પડશે, તેથી પોતાના મનોબળને જાળવી રાખીને, વગર ધમપછાડે શાંતિથી પોતાનું કામ કરી જવું એ સમયની માંગ હોય છે.
આખરે આ જગતમાં અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ કર્મના સનાતન સિદ્ધાંત જ અંતિમ સત્ય તરીકે કામ કરે છે. કોઈ પણ સચોટ પ્રયત્ન કે પ્રામાણિક મહેનત ક્યારેય એળે જતી નથી. કાળનું ચક્ર હંમેશાં એકસરખું રહેતું નથી; જે રીતે રાત પછી દિવસ આવે છે, તેમ પ્રતિકૂળ સમય પૂરો થતાં જ અનુકૂળ સમયનો પ્રારંભ થાય છે. જ્યારે સંનિષ્ઠ મહેનતને યોગ્ય સમયનો સાથ મળે છે, ત્યારે પરિણામો અદ્ભુત અને ચિરંજીવી આવે છે. જે લીડરે મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખી હતી, તેને એક દિવસ એ સ્તરની સિદ્ધિ અને કીર્તિ મળે છે, જે કોઈ છીનવી શકતું નથી.
ઈનશોર્ટ, લીડરશિપ એ માત્ર વિજયનો ઉત્સવ ઊજવવાની કળા નથી, પરંતુ પરાજય કે અસ્થાયી નિષ્ફળતાના સમયમાં પોતાની જાતને સંભાળવાની અને સતત કાર્યરત રહેવાની ક્ષમતા છે.
ભીષ્મના મતે યોગ્ય સમયની રાહ જોવી એ કાયરતા નથી, પણ એક ઉત્કૃષ્ટ રણનીતિ છે. જ્યારે એક લીડર કે મેનેજર પોતાની શ્રદ્ધા, પુરુષાર્થ અને ધૈર્યને સંતુલિત રાખે છે, ત્યારે તે માત્ર પોતાના લક્ષ્યને જ પ્રાપ્ત નથી કરતો, પરંતુ આવનારી પેઢીઓ માટે એક આદર્શ ઉદાહરણ પણ બને છે. પરિશ્રમ ચાલુ રાખવો અને સમયને તેનું કામ કરવા દેવું એ જ સફળ નેતૃત્વનું અંતિમ અને સૌથી ગૂઢ રહસ્ય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો