`એમ તો ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર' એવી કહેવત જાણીતી છે, છતાં આજની દુનિયામાં ભાષાનું પ્રભુત્વ એટલું જ છે. ભાષા કે બોલી વિના ચાલી શકે એમ જ નથી, ત્યારે દુનિયામાં એટલી બધી ભાષા બોલાય છે કે દરરોજ એક નવી ભાષા બોલો તો બધી જ ભાષા બોલવા માટે જીવનના બે દાયકા પણ ઓછા પડે.   

ભાષા તો સંદેશાવ્યવહાર માટેનું એક મહત્ત્વનું માધ્યમ છે. આપણા દેશની જ વાત કરીએ તો કેટલીય ભાષા-બોલીનો ઉપયોગ થતો રહે છે. એમ છતાં દુનિયામાં અંગ્રેજી, મેંડરિન ચાઇનીઝ, હિન્દી, સ્પેનિશ, અરબી અને ફ્રેચ ભાષાનો ઉપયોગ દુનિયામાં સૌથી વધુ થાય છે. આ ભાષાઓ બોલવામાં માતૃભાષી લોકો સિવાય બીજા લોકો પણ બોલે છે. આજે એમ મનાય છે કે દુનિયામાં જુદા જુદા વિસ્તારો મળીને કુલ પંચોતેર હજાર ભાષા બોલાય છે. આમ તો આ આંકડો મોં પહોળું કરી દેવા માટે પૂરતો છે, પરંતુ આ આંકડો વાસ્તવમાં ખૂબ નાનો છે. એમ માનવામાં આવે છે કે એક સમયે દુનિયાના જુદા જુદા ભાગોમાં ત્રીસ હજારથી પંચોતેર હજાર જેટલી ભાષાઓ બોલાતી હતી.   

તો સવાલ એ થાય કે હવે એ ભાષાની વસ્તી ઘટીને સાવ સાત હજાર કરતાં થોડી વધુ કેમ થઈ ગઈ?   

અમેરિકાના કનેક્ટિકટની યેલ યુનિવર્સિટીની ભાષા તથા માનવવિજ્ઞાનના પ્રોફેસર ક્લેયર બ્રોવેર્ન માને છે કે કેટલાય પરિવારો જન્મ્યા અને વિકસ્યા એ પછી બોલીને લિપિરૂપ મળ્યું. એમ માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 4000 વર્ષ પહેલાં પહેલી વખત મેસોપોટેમિયામાં સુમેરિયાઈ ભાષાની લિપિ તૈયાર થઈ હતી. એ સમય દરમિયાન જ મિશ્ર, ચીન અને મેસોઅમેરિકામાં અલગ અલગ રીતે ભાષાને લિપિરૂપ આપવાનું કામ શરૂ થયું હતું.   

ભાષાની વિવિધતા અંગે તૈયાર થયેલા સિમ્યુલેશન મોડલને આધારે સંશોધકોએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી શિકારી વિચરતા સમુદાયોની સંખ્યાઓનો ઉપયોગ કરીને જાતીય ભાષાકીય સમૂહોના કદનો પત્તો લગાવાયો હતો. હજુ ખેતીનો સમય શરૂ થયો ન હતો. લોકો રખડતી પ્રજા તરીકે જ જીવતા હતા. એ સમયે એટલે કે 12000 વર્ષો પહેલાં આ વિચરતી જાતિના લોકો 4500થી 6200 ભાષાઓનો ઉપયોગ કરતા હતા.   

પરંતુ એ પછી ખેતીને કારણે માનવી સ્થિર થતો ગયો અને તેથી કેટલીય નાની નાની ભાષાઓનું પણ અસ્તિત્વ ટકી રહ્યું. કેટલીય નાની-મોટી ભાષા નામશેષ થઈ ગઈ. ખાસ કરીને સુમેરિયાઈ, હિટ્ટિટે, અક્કાડિયન અને એટ્રુસ્કન ભાષાઓ, પ્રાચીન મિશ્રમાં ઉપયોગમાં લેવાતી ભાષાઓ, પ્રાચીન ચીન અને કેટલીક આફ્રિકન ભાષાઓ પણ નામશેષ થઈ ગઈ છે. સ્વાભાવિક રીતે જ ભાષા બોલતા લોકોના સમુદાય જ ખતમ થઈ ગયા હોય કે એ લોકો બીજી ભાષાનો ઉપયોગ કરતા થયા હોય એ રીતે કેટલીય ભાષાઓ નામશેષ થઈ ગઈ છે. ઈસવીસન 476 વર્ષમાં પશ્ચિમ રોમન સામ્રાજ્ય ખતમ થતાં જ લેટિન અને પ્રાચીન રોમની બોલી વિકસિત થઈને ફ્રેન્ચ, ઈટાલિયન અને સ્પેનિશ ભાષામાં ફેરવાઈ ગઈ. એ જ રીતે ઉપનિવેશવાદ દરમિયાન ઈંગ્લેન્ડના આયરલેન્ડમાં આયરિશ ભાષાને નબળી પાડી દીધી, તો અમેરિકામાં સ્પેને સ્થાનિક ભાષાઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. પોર્ટુગલે બ્રાઝિલની ઘરેલુ ભાષાઓને પ્રતિબંધિત કરી દીધી. આફ્રિકા ઉપર રાજ કરનારા ફ્રાંસે ફ્રેન્ચ ભાષાને પ્રચલિત કરી અને કોરિયામાં જાપાને કોરિયન ભાષાઓને ખતમ કરી નાંખી. 

હા, ભારતમાં પણ અંગ્રેજોએ લાંબો સમય શાસન કર્યું, પરંતુ હિન્દી જેવી અનેક ભાષાઓને તેઓ ખતમ કરી ન શક્યા. એટલે જ આજે પણ ભાષાનું વૈવિધ્ય કેટલીક હદે જળવાયેલું છે.   

એમ છતાં એ પણ કડવું સત્ય છે કે દુનિયાની 90 ટકા વસ્તી ફક્ત 10 ટકા ભાષાઓનો ઉપયોગ કરે છે, ત્યારે હજારો ભાષાઓ એવી છે જેનો ઉપયોગ આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ કરી રહ્યા છે, તેથી એ ભાષાઓ પણ ઈતિહાસ બની જાય એવી સ્થિતિ નકારી શકાતી નથી.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો