અરુણાચલ પ્રદેશમાં આવેલા દમરો (Damro) ગામ ઉપરી સિયાંગ જિલ્લાના મરિયાંગ બ્લોકમાં આવેલું એક નાનું અને ઓછું જાણીતું સ્થળ છે. આ જગ્યા અત્યંત સુંદર અને શાંત છે.
દમરોનો ઇતિહાસ : દમરો ગામનો ઇતિહાસ મુખ્યત્વે અહીંના સ્થાનિક આદિ(Adi)જાતિ સાથે જોડાયેલો છે. આદિજાતિ અરુણાચલ પ્રદેશના સૌથી મોટા અને પ્રખ્યાત આદિવાસી સમુદાયોમાંથી એક છે. દમરોને આ આદિજાતિનું મૂળ સ્થળ માનવામાં આવે છે, જે તેને સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ બનાવે છે. આ ગામ હજુ પણ કમર્શિયલ ટૂરીઝમથી ઘણું દૂર છે, જેના કારણે અહીંની આદિવાસી સંસ્કૃતિ, જીવનશૈલી અને કુદરતી સૌંદર્ય અકબંધ રહ્યું છે. અહીંના લોકોનું જીવન ખૂબ જ સરળ અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આ લોકો પ્રકૃતિની કદર અને જતન બંને કરી જાણે છે. વાંસનાં બનેલાં ઘર અને શાંત વાતાવરણ અહીંની ઓળખ છે. દમરો ગામનું સૌથી મોટું આકર્ષણ અહીંનો હેંગિંગ બ્રિજ છે, જે અરુણાચલ પ્રદેશનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ છે. તે સ્થાનિક લોકો માટે નદી પાર કરવાનો મુખ્ય માર્ગ છે.
દમરોમાં જોવાલાયક સ્થળો
દમરોનો હેંગિંગ બ્રિજ : આ ગામનું મુખ્ય આકર્ષણ આ વાંસનો બનેલો લટકતો પુલ છે, જે યમ્ને નદી પર બનાવવામાં આવ્યો છે. આ પુલ પાર કરવો એ એક રોમાંચક અનુભવ છે.
વાંસનાં ઘર અને ખેતરો : ગામમાં તમે આદિવાસીઓની વાંસ અને લાકડાંમાંથી બનેલી પરંપરાગત ઝૂંપડીઓ અને તેની આસપાસનાં ટેરેસવાળાં ખેતરો જોઈ શકો છો.
બર્ડ વોચિંગ
દમરોમાં રિવર વેલીથી લઇને હિલ સુધી અનેક અલગ અલગ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળશે, અહીં આવતાં પ્રવાસીઓ માટે બર્ડ વોચિંગની વ્યવસ્થા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે.
ફોરેસ્ટ
દમરોની આસપાસના જંગલ ખૂબ જ સુંદર છે. અહીં વસતા લોકો પ્રકૃતિને પ્રેમ તો કરે જ છે સાથે એનું જતન પણ કરે છે એટલે અહીં ફરવા આવો તો ફોરેસ્ટ સફારી ચોક્કસ લેવી.
પાસીઘાટ
પાસીઘાટ `અરુણાચલનું પ્રવેશદ્વાર' તરીકે ઓળખાય છે અને અહીંથી તમે દમરો જવા માટે આગળ વધી શકો છો.
પરમિટ
ભારતનાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરવા માટે ઇનર લાઇન પરમિટ (ILP) અને વિદેશીઓ માટે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (PAP) જરૂરી છે. આ પરમિટ તમે ઓનલાઈન અથવા અરુણાચલ પ્રદેશ સરકારની ઓફિસમાંથી મેળવી શકો છો.
કેવી રીતે જશો?: દમરો પહોંચવું થોડું પડકારરૂપ બની શકે છે, કારણ કે આ જગ્યા ઓછી જાણીતી અને દૂર છે. અહીંની કનેક્ટિવિટી બહુ નથી, પરંતુ સાહસિક પ્રવાસીઓ માટે આ એક ઉત્તમ અનુભવ બની શકે છે. જો તમે બાય એર જવા માંગતા હોવ તો સૌથી નજીકનું એરપોર્ટ પાસીઘાટ એરપોર્ટ છે, પરંતુ અહીં ફ્લાઈટની સંખ્યા મર્યાદિત છે. અન્ય વિકલ્પ ડિબ્રુગઢ, આસામનું મોહનબારી એરપોર્ટ છે. એરપોર્ટ પરથી તમે ટેક્સી અથવા બસ દ્વારા આગળ વધી શકો છો. ટ્રેનથી જવા માંગતા હોવ તો સૌથી નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન સિલાપથ્થર રેલવે સ્ટેશન અથવા મુરકોંગસેલેક રેલવે સ્ટેશન આસામમાં છે. અહીંથી તમે રોડ માર્ગે પાસીઘાટ અથવા યિંગકિઓંગ જઈ શકો છો. બાય રોડ પાસીઘાટ અને યિંગકિઓંગ જેવાં મોટાં શહેરો સાથે દમરો રોડ માર્ગે જોડાયેલું છે. આ શહેરોથી તમે ટેક્સી અથવા શેરિંગ વાહન દ્વારા દમરો પહોંચી શકો છો.