માનવી પાસે દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ હોય, પરંતુ લાગણી-પ્રેમનો અભાવ હોય, એમની ભાવના અને અપેક્ષાની સતત ઉપેક્ષા થતી હોય અને પરિવારના સભ્ય તરીકે માન-સન્માન, સ્વીકાર અને સંવેદનાની અનુભૂતિ ન થાય એ જીવનની સૌથી મોટી કરુણતા છે. લાગણીનો ઝુરાપો અને ખાલીપો માણસની ભાવનાત્મક બુદ્ધિમત્તાને અસર કરે છે. ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે પોતાની અને બીજાની ભાવનાઓને સમજવી-ઓળખવી અને મેનેજ કરવી. અગર કોઇ માટે અચાનક લાગણી જન્મે છે તો એનું કારણ શું છે? એની દિલ-દિમાગ પર શું અસર પડશે? ગુસ્સો આવે છે તો એના પર કંટ્રોલ કઇ રીતે કરવો? પોતાની તાકાત અને ખામીઓને જાણવી, તણાવ, ક્રોધ અને ચિંતા જેવી નકારાત્મક લાગણીઓને સમજીને સ્વસ્થતા પ્રાપ્ત કરવી, દુનિયાના દૃષ્ટિકોણને જાણવો, સ્પષ્ટ અને અસરકારક રીતે વાતચીત કરવી અને મજબૂત સંબંધો બનાવવા. ભાવનાત્મક બુદ્ધિમત્તાનાં આ બધાં જ પાસાંઓ વ્યાવહારિક અને પારિવારિક સંબંધોના વિકાસ માટે અગત્યનાં છે, પરંતુ બાળપણમાં કે મોટા થયા પછી નવા સંબંધોમાં બીજાની લાગણી મળતી નથી અને ખુદની લાગણીને વેલીડેશન નથી મળતું. ત્યારે અવગણનાને કારણે ઉદ્ભવતી પીડા તથા નકારાત્મકતા એની સ્વસ્થતા છીનવી લે છે. મતલબ કે એની ભાવનાત્મક બુદ્ધિમત્તા મંદ પડે છે.

આપણે ભલે આપણી પારિવારિક પરંપરાનાં ગુણગાન ગાઇએ, પરંતુ મોટાભાગના પરિવારમાં સત્તા નિયંત્રણ, અભિમાન, પક્ષપાત, ઇર્ષ્યા અને છૂપી હરીફાઇની અદૃશ્ય રમત રમાતી હોય છે. જેને કારણે કોઇ વ્યક્તિની લાગણી સતત ઘવાતી રહે, અહમ્ તૂટતો રહે, પીડા અનકહી રહે, જરૂરિયાત અધૂરી રહે તથા ઉપેક્ષા વધતી જ જાય ત્યારે ભાવનાત્મક અવગણના એની ચરમસીમાએ પહોંચે. હા, ભાવનાત્મક ઉપેક્ષામાં મારપીટ-લડાઇ, ઝઘડો કે શારીરિક શોષણ નથી હોતું એટલું જ નહીં ભૌતિક જરૂરિયાત પણ સંતોષાય છે, પણ માર્ગદર્શન, સમર્થન, સ્વીકાર અને લાગણીની અભિવ્યક્તિની ઊણપ છે.

ઉદાહરણ તરીકે બાળકને સ્કૂલમાં કોઇ ચીડવે છે જેનાથી બાળક દુઃખી છે એ ઘરે આવીને પેરેન્ટ્સને આ વાત જણાવે છે, પરંતુ પેરેન્ટ્સ એમાં શું મોટી વાત છે? એવું કહીને ઉતારી પાડે, એની પૂરી વાત ન સમજે તથા કોઇ એક્શન પણ ન લે ત્યારે ભાવનાત્મક અવગણના થાય છે. એ જ રીતે પત્નીના પિયરમાં કોઇ ગંભીર ઘટના બની છે. પત્ની ખૂબ દુઃખી છે. એને પતિ સાથે પોતાનું દુઃખ શેર કરવું છે. માર્ગદર્શન લેવું છે, પરંતુ પતિ પત્નીની પૂરી વાત સાંભળ્યા વિના જ કહી દે કે તારા પિયરનું તું સોલ્વ કર, આ ઝંઝટમાં મને ના પાડ. ત્યારે પત્નીને ભાવનાત્મક ધક્કો પહોંચે છે. એક વધુ ઉદાહરણ જોઇએ. અગર પરિવારમાં બે ભાઇઓ છે. જે ભાઇ વધારે કમાય છે એની વાત સહુ માને છે. એને અછોવાનાં કરાય છે, પરંતુ ઓછું કમાતા ભાઇની આળપંપાળ તો ઠીક એની તકલીફની પણ કોઇ નોંધ નથી લેતું. એ ભાવનાત્મક રીતે હર્ટ થાય છે. આજે ઘણા પરિવારોમાં સહુની ભૌતિક જરૂરિયાત સંતોષાય છે. ફોન, કાર, પોકેટમની, કપડાં બધું મોં માગ્યું મળે, પરંતુ તકલીફને સમજવાની, દુઃખને સાંભળવાની, સિદ્ધિને સન્માનવાની અને ખામીઓને સ્વીકારવાની કોઇને પડી નથી. જેને કારણે એમની આત્મ જાગરૂકતા યાને સેલ્ફ એવરનેસ ઘટે છે. જેમની લાગણીને બાળપણમાં માન્યતા ન મળી હોય, તેઓ પોતાની ભાવનાઓને ઓળખી શકતા નથી. મનમાં જે ઊથલપાથલ સર્જાય છે એને નામ નથી આપી શકતા. લાગણીઓને તેઓ તીવ્રતાથી મહેસૂસ તો કરે છે, પરંતુ એને સમજી નથી શકતાં, કઇ સ્થિતિમાં શું મહેસૂસ થાય છે એ જાણી નથી શકતા. મતલબ કે એમનો સેલ્ફ-અવેરનેસનો મૂળ આધાર છે કમજોર થઇ જાય છે.

આ ઉપરાંત આવા લોકોની ભાવનાઓ શાંત ન થઇ હોવાથી ભાવનાઓ પર નિયંત્રણ નથી રાખી શકતા. તેઓ ક્યારેક તીવ્ર પ્રતિક્રિયા આપે છે તો ક્યારેક લાગણીઓને દબાવી મૌન બની જાય છે. તણાવ, ચિંતા અને ક્રોધને મેનેજ કરવામાં મુશ્કેલી પડે છે, જેથી આવેગપૂર્ણ વ્યવહાર વધે છે.

વળી, ઉપેક્ષિત વ્યક્તિ ખુદની અને બીજાની ભાવનાઓને ઓળખી નથી શકતી, તેથી ભાવનાત્મક શબ્દાવલીને તેઓ સમજી નથી શકતા. ખુદને માન્યતા ન મળી હોવાથી બીજાને માન્યતા આપી પણ નથી શકતા. બીજા માટેની સંવેદના ગુમાવી બેસે છે, તેથી એમના અંગત તથા સામાજિક બંને સંબંધોમાં સમસ્યા જન્મે છે. વળી, અસ્વીકારનો ડર એમને કોઇની સાથે કનેક્ટ નથી થવા દેતો. અગર ભાવનાત્મક અવગણનાને અતિક્રમીને ભાવનાત્મક બુદ્ધિમત્તાનો વિકાસ કરવો હોય તો...

પોતાની ભાવનાઓને ઓળખવાનો પ્રયાસ કરો. જે મહેસૂસ કરો છો એ સ્વીકારો. નકારાત્મકતાથી

ભાગો નહીં.

વર્તમાન ક્ષણને મહેસૂસ કરવા માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો. એનાથી મન શાંત બનશે તથા સમજી વિચારીને પ્રતિક્રિયા આપવાની ક્ષમતા વિકસિત થશે.

તમારી ભાવના અસ્વીકાર્ય બની એનો અર્થ એ નથી કે તમે પણ બીજાની ભાવનાઓનો અસ્વીકાર કરો. જીવનમાં નવા-નવા લોકો પ્રવેશતા હોય છે, તમે એમની ભાવના સ્વીકારશો તો તેઓ તમારી સ્વીકારશે. પીડા આપનારા જૂના લોકોના પ્રભાવમાંથી બહાર આવી નવા લોકો સાથે લાગણીનો સેતુ સ્થાપો.

અગર સ્થિતિ ખુદથી ન સંભાળી શકાય તો પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લો.