પતિ-પત્ની એકમેકને ચાહતાં પણ હોય અને ધિક્કારતાં પણ હોય એ વાત પહેલી નજરે લાગે એટલી `દુર્લભ' નથી હોતી. ઘણા લગ્નસંબંધોમાં સ્નેહ અને દ્વેષનું સહઅસ્તિત્વ જોવા મળતું હોય છે.

રશિયન લેખક ટોલ્સ્ટોય અને એમની પત્ની સોફિયા વચ્ચેનો સંબંધ સાત રંગ ધરાવતા મેઘધનુષ જેવો હતો. એમાં કોમ્પ્લિકેશન્સનો કોઈ પાર નહોતો. એક તરફ પ્રૌઢાવસ્થાએ પહોંચ્યા પછી પણ બંને વચ્ચે શરીરસંબંધ તો હતો, પરંતુ દિલનું જોડાણ તૂટી રહ્યું હતું. મનમેળ વગરના તનમેળ વિશે વ્યથિત થયેલાં સોફિયાએ પોતાની ડાયરીમાં નોંધ્યું: `મેં તો આખી જિંદગી જોયાં હતાં રૉમેન્ટિક સપનાં. હું ઝંખતી હતી એક પરફેક્ટ જોડાણ, આધ્યાત્મિક એકત્વ. આ (શરીરકેન્દ્રી પ્રેમ) નહોતો જોઈતો મને. હવે તો જિંદગીમાં સંધ્યાટાણું આવી ગયું છે અને મારામાં જે કંઈ સારું હતું એમાંનું મોટા ભાગનું મરી પરવાર્યું છે. મારા આદર્શો મરી ચૂક્યા છે.'

આ લખતી વખતે સોફિયાની ઉંમર હતી 47 વર્ષની, પરંતુ એમની અંદરની એક રૉમેન્ટિક યુવતી હજુ જીવતી હતી અને એ ઝંખતી હતી એક એવો સંબંધ જેમાં પતિ ટોલ્સ્ટોય સાથે એ સંપૂર્ણ એકત્વ અનુભવે અને પતિના સમગ્ર સંસારનું એ પોતે કેન્દ્ર હોય.

આ હતું સપનું અને વાસ્તવિકતા એ હતી કે એમનો સંબંધ ઝંઝાવાતી હતો, ઉત્કટ હતો, શારીરિક હતો. બીજી તરફ બંને વચ્ચેની પારસ્પરિક ચીડ તીવ્ર હતી અને એમના સંબંધમાં ઘર્ષણનું પ્રમાણ ઊંચું હતું.

આ બધા વચ્ચે એક વાત સ્પષ્ટ હતીઃ પતિ ટોલ્સ્ટોયનું જીવન ઘણું વિસ્તરેલું હતું અને એમાં પત્ની સોફિયા ઉપરાંત સર્જન, સમાજસુધારણા, ધર્મસુધારણા જેવી અનેક બાબતો મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી, જ્યારે સોફિયાનું જીવન એકદમ સીધું સાદું હતું, જેના કેન્દ્રમાં ફક્ત પતિ, બાળકો અને ઘરસંસાર જ હતાં.

પતિ સામે અનેક ફરિયાદો હોવા છતાં પતિની પડખે રહેવામાં સોફિયાએ ક્યારેય પાછી પાની કે દિલચોરી નહોતી કરી. 1902ની સાલમાં 74ની ઉંમરે ટોલ્સ્ટોય માંદા પડ્યા. માંદગી ગંભીર હતી. એ કદાચ મૃત્યુ પામે એવો પણ સોફિયાને ભય લાગેલો. એ માંદગી વખતે સોફિયાએ લખેલી કેટલીક ડાયરીનોંધ જોઈએ.

26 જાન્યુઆરી, 1902: `મારા લ્યોવોચ્કા (ટોલ્સ્ટોય) મરી રહ્યા છે. હું જાણું છું કે એમના વિના હું જીવી શકીશ નહીં. હું ચાલીસ વર્ષથી એમની સાથે છું. બીજા બધા માટે તો તે એક સેલિબ્રિટી છે, પરંતુ મારા માટે તો એ મારું સમગ્ર અસ્તિત્વ છે.'

ત્રણ દિવસ પછી, 29 જાન્યુઆરીઃ `એ ઊંહકારો ભરે છે અને હું ફફડી ઊઠું છું. મારું અડધું અંગ પીડાઈ રહ્યું હોય ત્યારે મને પીડા ન થાય એ કઈ રીતે શક્ય છે?'

નવ દિવસ પછી, 7 ફેબ્રુઆરીઃ `સ્થિતિ એકદમ નિરાશાજનક છે. પરોઢિયે પાંચ વાગ્યા સુધી એમને જરાક સારું લાગે એ માટે જે કંઈ થઈ શકે તે મેં કર્યું. હું એમની પીડા ઘટાડવા બહુ મથી. આખી રાત દરમિયાન એ માત્ર થોડી જ વાર માટે ત્યારે સૂતા જ્યારે હું એમના પેટ અને લીવર પર હળવો મસાજ આપી રહી હતી. જાગીને એમણે મારો આભાર માન્યો. એમણે કહ્યું, ડાર્લિંગ, તું થાકી

ગઈ હોઈશ.'

પતિ ખૂબ માંદો છે. પત્ની હૃદયપૂર્વક ચાકરી કરી રહી છે. આ સ્થિતિમાં સોફિયા એક તરફ ટોલ્સ્ટોય પ્રત્યેના પુષ્કળ પ્રેમ અને બીજી તરફ ટોલ્સ્ટોય પાછળ આખી જિંદગી ખર્ચી નાખવા વિશેની વ્યથા, આ બે લાગણી વચ્ચે પીંખાઈ રહ્યાં હતાં. ઉપર ટાંકેલી ડાયરીનોંધ પછીના એક મહિના બાદ સોફિયા ડાયરીમાં લખે છેઃ `હું જ્યારે મારા હૃદયમાં ઝાંકું છું ત્યારે મને એક જ ચીજ દેખાય છે કે હું કોઈ પણ ભોગે આ માંદા માણસને ફરી બેઠો કરવા માગું છું. પછી જ્યારે હું મારી આંખ બંધ કરીને બેસું છું ત્યારે મને દેખાય છે (મારી અત્યારની જિંદગીથી) એકદમ ભિન્ન પ્રકારની અને અશક્ય લાગતી જિંદગીનાં સપનાં. પછી આંખ ખોલીને હું વાસ્તવિક દુનિયામાં પાછી ફરું છું અને જેના વિના હું જીવી શકું તેમ નથી અને જે મારા અસ્તિત્વનું અભિન્ન અંગ બની ગયા છે એવા આ માણસ(ટોલ્સ્ટોય)ના મૃત્યુની આશંકાથી ફફડી ઊઠું છું.'

સામા પક્ષે ટોલ્સ્ટોય એક તરફ પત્ની પ્રત્યે સ્નેહ અને આદર પણ દાખવે છે અને બીજી તરફ વાતેવાતે પત્ની પર ગુસ્સો પણ કરે છે. આ બેવડો વ્યવહાર પત્નીને થકવી દે છે. ઉપરની નોંધના અઠવાડિયા પછી સોફિયા ડાયરીમાં નોંધે છેઃ `હું દિલોજાનથી એવું ઝંખું છું કે છેવટ સુધી આ માણસની ચાકરી કરતી રહું અને એણે મારા હૃદયને જેટલી પણ પીડાઓ આપી છે એ બધી હું ભૂલી જાઉં (મારાથી ભુલાતું નથી) અને આજે તો મારા પ્રેમ અને કાળજીને એ જે રીતે તરછોડે-વખોડે છે એ જોઈને હું ખૂબ જ રડી.'

અને પછી પોણા બે મહિના બાદ 5 એપ્રિલ, 1902ના રોજ સોફિયા એ વાત લખે છે કે ટોલ્સ્ટોયને સાજા કરવા માટે એમણે (સોફિયાએ) પોતે તથા સમગ્ર પરિવારે કેટલો બધો ભોગ આપ્યો હતો. પછી એ ટપકાવે છેઃ `આ માંદગીએ અમારા સૌની જિંદગી વેરવિખેર કરી

નાખી છે.' પત્ની અને પરિવારજનોના મહિનાઓના ઉજાગરા અને ચોવીસ કલાકની સંભાળ બાદ ટોલ્સ્ટોય સાજા તો થઈ ગયા, પરંતુ પત્નીને એવું લાગ્યું કે એણે પતિ માટે જે ભોગ આપ્યો એની પતિના મનમાં પૂરત કદર નહોતી.

અલબત્ત, આ બધી ડાયરીનોંધોમાં વિરોધાભાસી ભાવો જોવા મળે છે, પણ તે ન સમજાય એવા નથી. એક સ્ત્રી પતિ પ્રત્યે પ્રેમની સાથોસાથ અસંતોષ પણ અનુભવી શકે એ વાત લેખના આરંભે નોંધ્યું તેમ સાવ `દુર્લભ' નથી. અસલમાં વાસ્તવિક સંબંધો મહદંશે આવા જ હોય છે. આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે સંબંધો સુરેખ હોવા જોઈએ, પરંતુ વાસ્તવમાં કોઈ પણ સંબંધ અનેક રંગોનો સરવાળો હોય છે. એમાં પણ સોફિયા-ટોલ્સ્ટોયના લગ્નજીવનમમાં જે રંગસમૃદ્ધિ હતી એ અસાધારણ હતી. માટે એમાં આપણે વધુ ને વધુ ઊંડા ઊતરી રહ્યા છીએ. (ક્રમશઃ)