કોઈ પણ સંસ્થા, ઉદ્યોગ કે વ્યવસ્થાના વડા જ્યારે પોતાના સામર્થ્યને ઓળખ્યા વિના માત્ર હરીફો કે સ્પર્ધકોની નકલ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ પોતાના પતનની પટકથા જાતે જ લખે છે. આ સંદર્ભે મહાભારતના શાંતિપર્વમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ શીખ છે, જ્યાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને લીડરશિપ સંદર્ભે કહ્યું હતું કે એક સાચા લીડરે હંમેશાં પોતાની વાસ્તવિક સ્ટ્રેન્થ એટલે કે પોતાની શક્તિને ઓળખવી જોઈએ અને તે હિસાબે જ જીવન કે શાસનમાં કોઈ પણ નિર્ણયો લેવા કે પગલાં ભરવાં જોઈએ. 

જ્યારે કોઈ લીડર પોતાની ક્ષમતા, મર્યાદા અને મુખ્ય કૌશલ્યને બાજુ પર મૂકીને માત્ર એટલા માટે કોઈ પ્રોજેક્ટ કે ક્ષેત્રમાં ઝંપલાવે છે, કારણ કે બીજા બધા પણ એવું જ કરી રહ્યા છે, ત્યારે તે પોતાની આખી ટીમને વિનાશ તરફ ધકેલે છે. શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને ચેતવણી આપતાં કહે છે કે ક્યારેય લીડરે તેનામાં જે સ્કિલ કે તાકાત ન હોય, તે કામ માત્ર એટલા માટે ન કરવું જોઈએ, કારણ કે તેના સ્પર્ધકો એવું કરી રહ્યા છે. જો કોઈ લીડર આવી ભૂલ કરે છે, તો તેનું પતન નિશ્ચિત છે.   

દરેક લીડર અને સંસ્થાની એક આગવી શક્તિ હોય છે. આ શક્તિ વર્ષોની મહેનત, સંશોધન અને અનુભવમાંથી પેદા થાય છે. તેને મેનેજમેન્ટની ભાષામાં યુનિક આઈડેન્ટિટી પણ કહી શકાય. લીડરશિપનો સૌથી પહેલો નિયમ એ છે કે તમારા આ જ મજબૂત પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેના આધારે વ્યૂહરચના ઘડો. જ્યારે તમે તમારા પ્લસ પોઈન્ટ્સ પર રમો છો, ત્યારે તમારી વિજયની સંભાવના આપોઆપ વધી જાય છે, પરંતુ જેવી નેતાની નજર પોતાની શક્તિ પરથી હટીને સ્પર્ધકની સંપત્તિ કે તેની સ્ટ્રેટેજી પર પડે છે, ત્યાંથી જ ભ્રમણાની શરૂઆત થાય છે. આખરે તમારો સ્પર્ધક જે વ્યૂહરચનાથી સફળ થયો છે, તેની પાછળ તેનું બેકગ્રાઉન્ડ, તેની ટીમની સ્કિલ અને તેનાં સંસાધનો જવાબદાર હોય છે, પણ તમારી પાસે એ જ સંસાધનો કે કાર્યક્ષમતા નથી, છતાં તમે તેની કોપી કરશો તો પરિણામ શૂન્ય જ આવશે. આ આંધળા અનુકરણને કારણે મોટાભાગે સંસ્થાઓ પોતાની અસલી બ્રાન્ડ ઓળખ ગુમાવી બેસે છે. સ્પર્ધકને હરાવવાનો અર્થ એ નથી કે જે તે કરે છે તે જ તમારે પણ કરવું. સાચી લીડરશિપ એ છે કે સ્પર્ધક જે કરી રહ્યો છે તેની સામે તમે તમારી અસલી તાકાતનો ઉપયોગ કરીને કંઈક એવું અલગ કરો જે તે ક્યારેય ન કરી શકે. જ્યારે કોઈ લીડર પોતાની સ્કિલ બહારનું કામ હાથમાં લે છે, ત્યારે સંસ્થામાં સત્તાનું સંતુલન અને નિર્ણય લેવાની ક્ષમતા જોખમાય છે. લીડર પોતે જ જો તે વિષય કે ક્ષેત્રમાં અજ્ઞાત અથવા અકુશળ હશે, તો તે પોતાની ટીમને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકે. વળી, આવી સ્થિતિમાં લીડર હંમેશાં રક્ષણાત્મક મૂડમાં આવી જાય છે અને તેના નિર્ણયો ડર આધારિત હોય છે, વિઝન આધારિત નહીં. હરીફોની દેખાદેખીમાં લેવાયેલા નિર્ણયો હંમેશાં ઉતાવળિયા, અધૂરા સંશોધનવાળા અને નાણાકીય અસ્થિરતા લાવનારા સાબિત થાય છે. સંસાધનોનો આવો વેડફાટ અંતે આખી સંસ્થાને દેવાના ડુંગર નીચે અથવા નાદારી તરફ દોરી જાય છે.  

એક સક્ષમ લીડરે હંમેશાં પોતાની ટીમ અને પોતાની ક્ષમતાઓનું વાસ્તવિક ઓડિટ એટલે કે પોતાની શક્તિઓ, નબળાઈઓ, તકો અને પડકારોનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ, જે વાત સદીઓ પહેલાં મહાભારતના માધ્યમથી પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને શીખવી હતી. તમારામાં કઈ કમી છે તે સ્વીકારવું એ નબળાઈ નથી, પણ સાચી લીડરશિપ છે. જો તમારા સ્પર્ધક પાસે કોઈ ખાસ ક્ષમતા છે જે તમારી પાસે નથી, તો તેની ઈર્ષ્યામાં કે દેખાદેખીમાં કૂદી પડવાને બદલે સૌપ્રથમ પોતાની ક્ષમતા વર્ધન પર કામ કરવું જોઈએ અથવા એ ક્ષેત્રના નિષ્ણાતોને હાયર કરવા જોઈએ, પરંતુ સ્વનિરીક્ષણ વગર સીધું જ યુદ્ધના મેદાનમાં કૂદી પડવું એ વીરતા નથી, પણ આત્મઘાતી પગલું છે.  

આખરે લીડરશિપનો મુખ્ય સ્તંભ આત્મવિશ્વાસ છે, અહંકાર કે દેખાદેખી નહીં. જ્યારે તમે તમારી સ્ટ્રેન્થ પર ટકી રહીને નિર્ણયો લો છો, ત્યારે તમે માર્કેટમાં નવા ટ્રેન્ડ સેટ કરો છો, નહીં કે કોઈના ફોલોઅર બનો છો. જે લીડર આ સત્યને સમજી શકતો નથી અને હરીફોના પ્રભાવમાં આવીને પોતાની મૂળભૂત કુશળતાને વિસરી જાય છે, તેનું પતન અનિવાર્ય બને છે. ઇતિહાસ અને આધુનિક કોર્પોરેટ જગત સાક્ષી છે કે પતન હંમેશાં દુશ્મનની તાકાતથી નથી થતું, ઘણીવાર પોતાની ક્ષમતા બહારના ક્ષેત્રમાં આંધળી દોટ મૂકવાથી થાય છે. પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને આપેલો આ જ મેનેજમેન્ટ મંત્ર આજે પણ દરેક લીડર માટે શ્રેષ્ઠ સાબિત થાય છે કે, પોતાની સીમાઓ જાણો અને તે સીમાઓની અંદર રહીને અજેય સામ્રાજ્ય ઊભું કરો. કોઈની નકલ કરીને વિજેતા બનવા કરતાં પોતાની મજબૂતી પર અડગ રહીને સામ્રાજ્ય ચલાવવું એ જ લાંબા ગાળાની સફળતાની ચાવી છે. 

 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો