સ્થળાંતરનો ઈમિગ્રન્ટોનો કુદરતી નિયમ છે `પુશ એન્ડ પુલ'. જે દેશમાં અરાજકતા હોય, આંધાધૂંધી હોય એ દેશ એના દેશવાસીઓને દેશ છોડી જવા માટે ધક્કો મારે `પુશ' કરે. જે દેશમાં સુખસાહ્યબી હોય એ દેશ પરદેશીઓને પોતાને ત્યાં આવવા માટે આકર્ષે `પુલ' કરે.

ઈ.સ. 1492માં કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી. યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોને એની જાણ થઈ. એ સમયે ત્યાં આંધાધૂંધી ફેલાયેલી હતી, દુષ્કાળ હતો, રાજાઓ અને ધર્મગુરુઓ વચ્ચે ઝઘડાઓ હતા. તેઓ પ્રજાને રંજાડતા હતા. આથી જેવી યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોને જાણ થઈ કે નવો દેશ શોધાયો છે, જે ખૂબ વિશાળ છે, ત્યાં ખેતીવાડીની પુષ્કળ જમીનો છે, ખનિજોથી ભરેલો છે એટલે સૌએ ત્યાં દોટ મૂકી.

શરૂઆતમાં બસો-ચારસો વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશવા ઉપર કોઈ જાતની પાબંધી નહોતી. ત્યાં વસતા મૂળ રહેવાસીઓએ આનો વિરોધ કર્યો, પણ એમનાં તીર-કામઠાં બંદૂક સામે ટક્યાં નહીં. ધીરે ધીરે અમેરિકામાં વસ્તીનો વધારો થતો ગયો. ત્યાં જઈને વસેલા ફ્રેન્ચ, જર્મન અને અંગ્રેજ લોકોએ પોતપોતાની કોલોનીઓ સ્થાપી. એમણે પછી અમેરિકા દેશની સ્થાપના કરી. શરૂઆતમાં લોકોએ અમેરિકામાં પરદેશીઓને આમંત્ર્યા. પછી એમને એવું લાગ્યું કે આ તો બહુ ખોટું છે, આ લોકો અહીં આવીને અમારી જમીનમાં ભાગ પડાવશે. એટલે એક પછી એક કાયદાઓ ઘડાવા લાગ્યા, જેના કારણે `પુશ એન્ડ પુલ'ના નિયમને વેગળો મૂકવામાં આવ્યો. `ધ થિયરી ઓફ લેજીસ્ટ્રેટિવ રિસ્ટ્રેન્ટ' એટલે કાયદા દ્વારા અટકાવટ આ નિયમ અમલમાં આવ્યો.

એક પછી એક ઈમિગ્રેશનને લગતા કાયદાઓ ઘડાવા લાગ્યા. છેલ્લે 1952માં `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' ઘડવામાં આવ્યો. આ કાયદો એમાં થયેલા સુધારા-વધારા સહિત આજે પણ અમલમાં છે. અમેરિકાએ એમના દેશમાં આવવા માટેના બે પ્રકારના વિઝા ઘડ્યા. જેમને ટૂંક સમય માટે, કોઈ ખાસ કાર્ય માટે અમેરિકામાં આવવું હોય એમના માટે `નોન ઈમિગ્રન્ટ' વિઝા ઘડ્યા અને જેમને અમેરિકામાં કાયમ રહેવા આવવું હોય એના માટે એમણે `ઈમિગ્રન્ટ' વિઝા ઘડ્યા.

`નોન ઈમિગ્રન્ટ' વિઝા દ્વારા લોકો ટૂંક સમય માટે જ અમેરિકામાં આવી શકે. આથી એ માટે કોઈ સંખ્યા મર્યાદા નક્કી ન કરી. જોકે, અમુક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા જેની ઉપર વર્ષો સુધી પરદેશીઓ અમેરિકામાં રહીને કામ કરી શકે. જેમ કે, `એચ-1બી' વિઝા એના વાર્ષિક કોટા નક્કી કરવામાં આવ્યા. જે પ્રકારના કાર્ય માટે તમે અમેરિકામાં થોડો સમય માટે પ્રવેશવા ઈચ્છતા હોવ એને લગતા જુદા જુદા પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા. એ દરેક વિઝા મેળવવાની લાયકાતો નક્કી કરવામાં આવી.

`ઈમિગ્રન્ટ' વિઝા મેળવવા માટે વાર્ષિક સંખ્યા નક્કી કરવામાં આવી. `ઈમિગ્રન્ટ' વિઝા `ઇમિજીએટ રિલેટિવ કેટેગરી' હેઠળ મળી શકે. તમારાં સંતાનો જો અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમને ઇમિજીએટ રિલેટિવ તરીકે અમેરિકામાં કાયમ રહેવા આમંત્રી શકે. તમારી પત્ની યા પતિ અમેરિકન સિટીઝન હોય તો એ પણ તમારા માટે ઇમિજીએટ રિલેટિવ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી શકે.

ચાર જુદી જુદી `ફેમિલી પ્રેફરન્સ કેટેગરી'ઓ ઘડવામાં આવી. જેની હેઠળ અમેરિકન સિટીઝન મા-બાપો અમેરિકન સિટીઝન ભાઈ-બહેનો અને ગ્રીનકાર્ડધારક પતિ-પત્ની એમનાં સંતાનોને, ભાઈ-બહેનોને અને એમની પતિ-પત્નીઓને કાયમ રહેવા માટે ઈમિગ્રન્ટ વિઝાની પિટિશનો દાખલ કરી શકે.

ચાર પ્રકારના `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' હેઠળના પણ ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા. 1990માં પાંચમો `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી'નો વિઝા પણ દાખલ કરવામાં આવ્યો. એની હેઠળ અમેરિકામાં તમે જો અમુક રૂપિયાનું નવા બિઝનેસમાં રોકાણ કરો તો તમને ગ્રીનકાર્ડ મળી શકે. પછી 1992માં આ `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ' દાખલ કર્યો જેની હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં જો રોકાણ કરો તો તમને ગ્રીનકાર્ડ મળી શકે. બધી જવાબદારી એ રિજનલ સેન્ટરની રહે.

લોકો `અસાયલમ' માંગીને પણ અમેરિકામાં કાયમ રહી શકે. રેફ્યૂજી સ્ટેટ્સ મેળવીને પણ કાયમ રહી શકે. અમેરિકાની મિલેટરીમાં જોડાઓ તો પણ તમને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી મળી શકે અને અમેરિકાની સરકાર પોતે પણ દર વર્ષે લગભગ 55,000 ઈમિગ્રન્ટ વિઝા વિશ્વના જુદા જુદા દેશના લોકોને લોટરી દ્વારા આપે છે. આમ, અમેરિકામાં કાયમ રહેવા માટે જુદા જુદા પ્રકારના રસ્તાઓ

ઘડવામાં આવ્યા.

 અમેરિકાની સરકારે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે જો કોઈ પરદેશી અમેરિકામાં આવે અને એને કોઈ અગવડ પડે તો એમાંથી પણ તેઓ અરજી કરીને માર્ગ કાઢી શકે. દા.ત., તમને અમેરિકામાં રહેવા માટેનો જે સમય આપવામાં આવ્યો હોય એ જરૂર પડતાં કારણો દર્શાવીને લંબાવી શકો. એક પ્રકારના `નોન ઈમિગ્રન્ટ' વિઝા પર અમેરિકામાં પ્રવેશ્યા હોવ અને બીજા પ્રકારના `નોન ઈમિગ્રન્ટ' વિઝા પર જે કામ થઈ શકે એ કરવું હોય તો તમને તમારું સ્ટેટ્સ ચેન્જ કરવાની અને `નોન ઈમિગ્રન્ટ'માંથી `ઈમિગ્રન્ટ' બનવું હોય તો સ્ટેટ્સ એડ્જેસ્ટ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.

તમારું બાળક ડિપેન્ડન્ડ હોય અને તમારી સાથે ડિપેન્ડન્ડ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા ઈચ્છતું હોય, પણ એની ઉંમર 21 વર્ષ કરતાં વધી જાય તો અમેરિકાની સરકારે, ઈમિગ્રેશન ખાતાએ એમની પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં જેટલો સમય લગાડ્યો હોય એટલો એ બાળકની ઉંમરમાંથી બાદ આપે છે. આ માટે એ લોકોએ ખાસ `ધ ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેક્શન એક્ટ' ઘડ્યો.

અમેરિકન સિટીઝને ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હોય એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગઈ હોય, પણ વિઝા કરન્ટ થયા ન હોય એ દરમિયાન એ પિટિશનરનું મૃત્યુ થાય તો પછી શું? તો પછી અમુક નજીકની વ્યક્તિઓ જેઓ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક હોય તેઓ સબસ્ટિટ્યૂશનની અરજી કરીને એ મૃત પિટિશનરની જગ્યા લઈ શકે છે.

 જો તમે કંઈ ખોટું કર્યું હોય અને તમને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંધી લાગી હોય અને તમારે ફરી પાછા અમેરિકા જવું હોય, જો `નોન ઈમિગ્રન્ટ' તરીકે જવું હોય તો તમે `નોન ઈમિગ્રન્ટ વેવર'ની માંગણી કરી શકો. જો કાયમ રહેવા જવું હોય તો તમે `ઈમિગ્રન્ટ વેવર'ની પણ માંગણી કરી શકો.

આમ, અમેરિકાએ એમના કાયદામાં ઘણી બધી સવલતો આપી. પરદેશીઓને અમેરિકામાં આવવું હોય તો કાયદેસર કેવી રીતે આવી શકાય? એ આ કાયદા દ્વારા દર્શાવવામાં આવ્યું, પણ આ કાયદા હેઠળ જેટલા લોકોને એક વર્ષમાં અમેરિકામાં આવવાની છૂટ મળે છે એનાથી અનેકગણા લોકો અમેરિકામાં આવવા ઈચ્છે છે. બધાની પાસે બધી લાયકાતો નથી હોતી, આથી જેટલા લોકો કાયદેસર અમેરિકામાં પ્રવેશે એનાથી અનેકગણા વધારે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસે છે. ગેરકાયદેસર રહે છે. હવેથી એટલે કે વર્ષ 2025થી આની સામે સખત વિરોધ થવા માંડ્યો છે. અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓ ખૂબ કડક બનવા લાગ્યા છે. બોર્ડર પરની સિક્યુરિટી વધારી દીધી છે. આઈસના ઓફિસરોને વધુ સત્તા આપવામાં આવી છે. વિઝા આપતી વખતે તમારી પૂરેપૂરી ચકાસણી થાય છે. તમે પબ્લિક ચાર્જ બની ન જાઓ એ ખાસ ધ્યાન રખાય છે. તમારું સોશિયલ મીડિયા અેકાઉન્ટ તપાસવામાં આવે છે. જો તમે અમેરિકામાં પ્રવેશીને અમેરિકાને હાનિરૂપ બને એમ હોવ તો તમને અમેરિકામાં પ્રવેશવા માટેની રજા આપવામાં નથી આવતી. વિઝા આપવામાં નથી આવતા.

તમારામાંથી જે લોકો અમેરિકા જવા ઈચ્છતા હોય, એમણે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાની જાણકારી મેળવી લેવી જોઈએ. ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એક્સપર્ટ એટર્ની યા એડવોકેટની સલાહ લેવી જોઈએ પછી જ અમેરિકામાં પ્રવેશવું જોઈએ. જો તમે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશશો તો તમારે લપાતા-છુપાતા રહેવું પડશે. અમેરિકા તમને જે સવલતો આપે છે એ તમે મેળવી નહીં શકો. તમે પ્રગતિ કરી નહીં શકો. જો પકડાશો તો તમને જેલમાં મોકલવામાં આવશે, દંડ કરવામાં આવશે અને અમેરિકાની બહાર મોકલી દેવામાં આવશે.