દેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025-26 ઘણા મોટા ફેરફારો લઈને આવ્યું છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકા જેવા લોકપ્રિય દેશોએ તેમની ઇમિગ્રેશન પોલિસીમાં ધરખમ ફેરફારો કર્યા છે.
જેની સીધી અસર વિઝા પ્રોસેસિંગ અને ખર્ચ પર પડી રહી છે. 2025-26 માટે મુખ્ય વિઝા ફેરફારોમાં મુખ્યત્વે કેનેડા, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકે સ્ટુડન્ટ કેપ અને નાણાકીય જરૂરિયાતને આવરી લેતા ફેરફારો પણ આવ્યા છે. કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદી છે. વર્ષ 2025માં નવા સ્ટુડન્ટ વિઝામાં 10% નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી પહેલું છે GICમાં વધારો. હવે વિદ્યાર્થીઓએ લિવિંગ કોસ્ટ તરીકે આશરે કેનેડિયન ડોલર 22,895 એટલે લગભગ ₹14 લાખથી વધુ બતાવવા પડશે. જ્યારે SDS બંધ કરાવી દેવામાં આવ્યા છે. ઝડપી વિઝા આપતી `સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ' નવેમ્બર 2024થી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે હવે વિઝા પ્રોસેસિંગમાં વધુ સમય લાગી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટુડન્ટ્સને લઈને ઘણા `હાઈ રિસ્ક' કેટેગરી અને કડક નિયમો લાગુ કરવામાં આવશે. વાત કરીએ અમેરિકાની તો સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ અને ફિક્સ મુદત રાખી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ અમેરિકાએ વિઝા નિયમો અત્યંત કડક બનાવ્યા છે અને હવે ઇન્ટરવ્યૂ બાબતે વિદ્યાર્થીઓએ પોતાના જ દેશમાં ઇન્ટરવ્યૂ આપવું ફરજિયાત છે. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ચેક કરવામાં આવશે. વિઝા આપતા પહેલાં વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ હવે ફરજિયાત છે. આ સાથે F-1 વિઝાની મુદત નિશ્ચિત કરવામાં આવી શકે છે, જેનાથી વિદ્યાર્થીઓએ વારંવાર રિન્યુઅલ કરાવવું પડશે. આ સાથે યુકેના વિઝામાં ડિપેન્ડન્ટ વિઝા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
યુકેએ માસ્ટર્સ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ માટે ફેમિલી કે ડિપેન્ડન્ટ્સને સાથે લાવવા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. ગ્રેજ્યુએટ રૂટ વિઝામાં પણ વધુ તપાસ અને ફેરફારોની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે ખાસ સલાહ જો તમે 2025-26માં વિદેશ જવા માંગતા હોવ, તો માત્ર યુનિવર્સિટી રેન્કિંગ જ નહીં, પણ તે દેશના બદલાતા ઇમિગ્રેશન કાયદા, લિવિંગ કોસ્ટ અને વર્ક પરમિટના નિયમોનો ઊંડો અભ્યાસ કરવો અનિવાર્ય છે. કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવટી ન હોય તેની ખાસ કાળજી રાખવી, કારણ કે નાની ભૂલ પણ કાયમી પ્રતિબંધ લાવી શકે છે. આ બધા ફેરફારોમાં સૌથી વધારે બદલાવ ઓસ્ટ્રેલિયન વિઝામાં આવ્યા છે. જ્યાં ભારતના સ્ટુડન્ટ્સ ભણવા જવાનું વિચારી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે 2025-26નું વર્ષ મોટા ફેરફારો લઈને આવ્યું છે. ઓસ્ટ્રેલિયા સરકારે તાજેતરમાં તેની ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ સુધારા કર્યા છે. આ સુધારાઓનો મુખ્ય હેતુ વિઝા સિસ્ટમની ગુણવત્તા જાળવી રાખવાનો અને ખરેખર ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે.
વિઝા ફીમાં મોટો વધારો
જુલાઈ 2025થી ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝામાં કુલ સબક્લાસ 500ની એપ્લિકેશન ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અગાઉ આ ફી આશરે 710 ઑસ્ટ્રેલિયન ડૉલર હતી, જે વધારીને હવે 2,000 ઑસ્ટ્રેલિયન ડૉલર કરવામાં આવી છે. આ લગભગ 150% થી વધુનો વધારો છે, જેનો અર્થ છે કે હવે વિઝા એપ્લિકેશન માટે તમારે વધુ બજેટ ફાળવવું પડશે.
નાણાકીય જરૂરિયાતો
વિદ્યાર્થીઓએ હવે ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે તેમની પાસે પૂરતું ભંડોળ છે તે સાબિત કરવા માટે વધુ રકમ બતાવવી પડશે. 2025-26ના નવા નિયમો મુજબ એક વિદ્યાર્થીએ વર્ષના અંદાજે 29, 710નો ઑસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ લિવિંગ એક્સપેન્સ તરીકે બતાવવો પડશે, જે અગાઉ 24, 505 ઑસ્ટ્રેલિયન ડૉલર હતો. આ ઉપરાંત એક વર્ષની ટ્યુશન ફી અને આવવા-જવાની ટિકિટનો ખર્ચ પણ અલગથી બતાવવાનો રહેશે. બેંકમાં રાખેલા ફંડ્સ ઓછામાં ઓછા 3 મહિના જૂના હોવા જોઈએ.
અંગ્રેજી ભાષાના સ્તરમાં ફેરફાર
વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે અંગ્રેજીના સ્કોરમાં પણ વધારો કરાયો છે. સ્ટુડન્ટ વિઝા માટે હવે IELTS 6.0નો સ્કોર અનિવાર્ય છે. જે અગાઉ 5.5નો સ્કોર હતો. પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા માટે સ્કોર વધારીને 6.5 કરવામાં આવ્યો છે. 7 ઓગસ્ટ, 2025 પછી માત્ર અધિકૃત સેન્ટર પર જઈને આપેલી પરીક્ષાઓ જ માન્ય રહેશે; ઓનલાઈન ટેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં.
`જેન્યુઈન સ્ટુડન્ટ' (GS) ટેસ્ટ
સરકારે જૂના GTE (Genuine Temporary Entrant) ટેસ્ટને બદલે હવે GS (Genuine Student) જરૂરિયાત લાગુ કર્યો છે. આમાં વિદ્યાર્થીએ સાબિત કરવું પડશે કે તેનો મુખ્ય હેતુ માત્ર ભણવાનો જ છે, નહીં કે ત્યાં રહીને કામ કરવાનો. વિઝા ઓફિસર હવે તમારા કોર્સની પસંદગી, તમારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને ભવિષ્યના પ્લાનિંગની વધુ ઊંડી તપાસ કરશે.
સ્ટુડન્ટ કેપિંગ
2025થી ઓસ્ટ્રેલિયાએ નવા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકી છે. આખા વર્ષ દરમિયાન કુલ 2,70,000થી 2,95,000 જેટલા જ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ મર્યાદા યુનિવર્સિટી અને કોલેજ મુજબ અલગ-અલગ હોઈ શકે છે, તેથી વહેલી તકે એડમિશન લેવું હિતાવહ છે.
વર્ક રાઈટ્સ અને પોસ્ટ-સ્ટડી વિઝા
વાત કરીએ કામના કલાકો વિશે, તો અભ્યાસ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ પખવાડિયાના 48 કલાક એટલે કે અઠવાડિયાના 24 કલાક કામ કરી શકશે. રજાઓ દરમિયાન ફુલ ટાઈમ કામ કરવાની છૂટ રહેશે. આ સાથે વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએટ વિઝાની વયમર્યાદા પણ બદલવામાં આવી છે. હવે 485 વિઝા (TGV) માટે મહત્તમ વયમર્યાદા 50 વર્ષથી ઘટાડીને 35 વર્ષ કરવામાં આવી છે. માસ્ટર્સ રિસર્ચ અને PhD વિદ્યાર્થીઓ માટે આમાં થોડી છૂટછાટ છે.
ઓનશોર વિઝા સ્વિચિંગ પર પ્રતિબંધ
હવે વિઝિટર વિઝા કે ટૂરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જઈને તેને સ્ટુડન્ટ વિઝામાં ફેરવવું લગભગ અશક્ય બની ગયું છે. વિદ્યાર્થીઓએ પોતપોતાના દેશમાંથી જ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવી પડશે. ઓસ્ટ્રેલિયા હવે માત્ર ક્વોલિટી ધરાવતા વિદ્યાર્થીઓને જ આવકારવા માંગે છે. પ્રોફાઇલ મજબૂત હોય, આર્થિક સધ્ધરતા હોય અને અંગ્રેજી પર પકડ હોય તેવા વિદ્યાર્થીઓ માટે હજુ પણ ઊજળી તકો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો