આજના સંવેદનહીન `હાઈ-ટેક' કોર્પોરેટ યુગમાં એક શબ્દ ખૂબ ગાજે છે: `ડેટા ડ્રિવન ડિસીઝન મેકિંગ'. અલ્ગોરિધમ્સ, ડેશબોર્ડ્સ અને રિઅલ-ટાઇમ એનાલિટિક્સના આ જમાનામાં સીઈઓ કે ટીમ લીડર માટે માહિતીનો કોઈ દુકાળ નથી. ઊલટું, આજે માહિતીનો અતિરેક છે. આ સ્થિતિમાં કુરુક્ષેત્રના યુદ્ધ પછી શરશૈયા પર પોઢેલા પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ એટલે કે `શાંતિપર્વ' આજના મેનેજમેન્ટ ગુરુઓ માટે એક નવી બારી ખોલે છે. એઆઈના જમાનામાં આજે સમય હવે એવો ફરી ગયો છે કે હવે પ્રશ્ન એ નથી કે કોઈ પણ લીડર પાસે કેટલી માહિતી છે, પ્રશ્ન એ છે કે તે માહિતીમાંથી `જ્ઞાન' અને જ્ઞાનમાંથી `નિર્ણય' સુધી કેવી રીતે પહોંચે છે?
ખૈર, શાંતિપર્વમાં રાજધર્મનું નિરૂપણ કરતી વખતે ભીષ્મ એક અદ્ભુત શબ્દ પ્રયોજે છે કાલજ્ઞતા. કાલજ્ઞતા એટલે માત્ર પોતાના સમયનું જ્ઞાન નહીં, પણ બદલાતા સમય સાથે પોતાની નીતિ અને દૃષ્ટિકોણને અનુકૂળ કરવાની ક્ષમતા પણ! આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઘણી કંપનીઓ કે લીડર્સ પાસે ડેટા તો ઘણો હોય છે, પણ તે ડેટા કયા `કાળ' કે સંજોગોમાં કયો સંકેત આપે છે તે પારખવામાં લીડર થાપ ખાઈ જાય છે. ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે કે રાજાએ `અપ્રમાદ' (સતર્કતા) રાખવી જોઈએ, પરંતુ આ સતર્કતા એટલે દરેક નાની બાબતમાં દખલગીરી કરવી એવો અર્થ નથી.
આ સતર્કતા એટલે `માઇક્રો-મેનેજમેન્ટ' નહીં, પણ `માઇન્ડફુલ અવેરનેસ' છે, જ્યાં લીડર દરેક માહિતીને પકડીને બેસી નથી જતો, પરંતુ યોગ્ય માહિતી, યોગ્ય સમયે અને યોગ્ય સંદર્ભમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજવાની કળા વિકસાવે છે. ભીષ્મના આ ઉપદેશમાં એક ઊંડી મેનેજમેન્ટ ઈન્સાઇટ છુપાયેલી છે. આજના કોર્પોરેટ વિશ્વમાં ડેટા એ શક્તિ છે, પરંતુ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ શક્ય બને છે જ્યારે લીડર પાસે `ફિલ્ટર' કરવાની ક્ષમતા હોય. દરેક ડેટા પોઈન્ટ મહત્ત્વનો નથી અને દરેક મેટ્રિક નિર્ણય માટે જરૂરી નથી. ઘણી વખત અતિરેક માહિતી લીડરને વધુ ગૂંચવણમાં મૂકી દે છે, જેને આપણે `એનાલિસિસ પેરાલિસિસ' કહીએ છીએ.
શાંતિપર્વમાં ભીષ્મ જે `કાલજ્ઞતા'ની વાત કરે છે, તે આ ગૂંચવણમાંથી બહાર આવવાનો માર્ગ બતાવે છે. કાલજ્ઞતા એટલે `ટાઈમિંગની બુદ્ધિ'. ક્યારે નિર્ણય લેવો, ક્યારે થંભી રહેવું અને ક્યારે પરિસ્થિતિને પોતે જ વિકસવા દેવી - આ ત્રણે વચ્ચેનું સંતુલન જ સાચી લીડરશિપ છે. આજના સમયમાં, જ્યાં દરેક મિનિટે ડેશબોર્ડ અપડેટ થાય છે, ત્યાં લીડર માટે સૌથી મોટો પડકાર છે `રિએક્ટિવ' બનવાના બદલે `રિસ્પોન્સિવ' બનવું.
અહીં એક રસપ્રદ વિરોધાભાસ ઊભો થાય છે. ટેક્નોલોજી આપણને ઝડપ આપે છે, પરંતુ જ્ઞાન આપણને દિશા આપે છે. જો ઝડપ વધારે હોય અને દિશા ન હોય, તો પરિણામ ગૂંચવણભર્યું જ આવે. આજે મોટાભાગના લીડર્સ કે મોટાભાગની કંપનીઓ આ સમસ્યાનો સામનો કરી જ રહ્યાં છે કે તેમની પાસે રિસોર્સિસ બહુ છે, પરંતુ તેઓ કોઈ ચોક્કસ અંજામ પર પહોંચી શકતા નથી. કારણ કે તેમની પાસે દિશા જ નથી, પરંતુ ભીષ્મનો ઉપદેશ એ છે કે લીડરે દિશા પર ધ્યાન આપવું જોઈએ, માત્ર ઝડપ પર નહીં.
વળી, ભીષ્મ જ્યારે અપ્રમાદની વાત કરે છે, ત્યારે તે લીડરને એક આંતરિક શિસ્ત તરફ દોરી જાય છે. આ શિસ્ત એટલે પોતાના મનને સંયમમાં રાખવું, જેથી તે દરેક નવા ડેટા પોઈન્ટ પર ઊછળી ન પડે. આજના સમયમાં જ્યાં દરેક નોટિફિકેશન, દરેક રિપોર્ટ અને દરેક મીટિંગ લીડરના ધ્યાનને ખેંચે છે, ત્યાં આ સંયમ અત્યંત જરૂરી બની જાય છે. આખરે એક સારો લીડર એ નથી કે જે દરેક માહિતી જાણે છે, પરંતુ એ છે કે જે યોગ્ય માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ માટે `પ્રાથમિકતા' નક્કી કરવાની કળા આવશ્યક છે. ભીષ્મના શબ્દોમાં કહીએ તો, રાજાએ એ જાણવું જોઈએ કે કયો વિષય તાત્કાલિક હાથ પર લેવાનો છે અને કયો વિષય રાહ જોઈ શકે છે.
આખરે આજના એઆઈ યુગમાં જ્યાં મશીનો પેટર્ન ઓળખી શકે છે, ત્યાં લીડર પક્ષે જરૂર છે યોગ્ય સમયે યોગ્ય `અર્થઘટન' કરવાની ક્ષમતા. જો એ જ લીડર પાસે ન હોય તો લીડર ગમે એટલા રિસોર્સને વસાવશે, પરંતુ તે ક્યારેય પ્રચંડ પ્રગતિ નહીં કરી શકે. આખરે જે લીડર માત્ર ડેટાને એ પણ એઆઈ જનરેટેડ ડેટાને જ સર્વસ્વ માની બેસે છે એ સ્વાભાવિક જ પોતાની વિવેકબુદ્ધિ અને નિર્ણયશક્તિ ગુમાવે છે અને આવી સ્થિતિમાં તો પછી એ લીડર મીડિયોકર જ બનીને રહી જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો