એવું કહી શકાય કે, આજે કેટલાક રોગો ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો છે, તો કેટલાક રોગોનું પ્રમાણ પહેલાં કરતાં ખૂબ વધી પણ ગયું છે. આ ત્વચાના રોગો વધવાનાં મૂળભૂત કારણો કયાં? એ તો હજી પણ એક સંશોધનનો વિષય છે, પરંતુ તેમાંનાં કેટલાંક મહત્ત્વનાં કારણોનું અહીં નિરૂપણ કરું છું. જેમ કે, વિરુદ્ધ આહારદ્રવ્યોનો સતત કે વધારે પડતો ઉપયોગ, ઉષ્ણ, તીક્ષ્ણ અને અતિ ખાટાં, ખારાં આહારદ્રવ્યો, આવશ્યક પ્રકાશ કે તડકાનો અભાવ, ત્વચાની અસ્વચ્છતા, લિપસ્ટિક, પાઉડર, ડાઈ, પરફ્યૂમ્સ, અત્તર જેવાં અનેક સૌંદર્ય અને સુગંધિત સૌંદર્યપ્રસાધનો, કેમિકલ દ્રવ્યો તથા સિન્થેટિક વસ્ત્રોની અસાત્મ્યતા(એલર્જી), આધુનિક ઔષધોની સાઈડ ઇફેક્ટ અને એલર્જી, સાબુનો વધારે પડતો ઉપયોગ તથા ચેપી જંતુઓના સંપર્કથી પણ ત્વચાના રોગો સમાજમાં વધ્યા છે. છેલ્લાં સંશોધનો પ્રમાણે એ પણ જાણી શકાયું છે કે, માનસિક કારણોથી ત્વચાના રોગો થઇ શકે છે. આધુનિક માનવ સમાજ અનેક માનસિક સમસ્યાઓથી પીડાય છે, એટલે કેટલાંક માનસિક કારણો પણ ત્વચાના રોગો માટે કારણભૂત હોઈ શકે છે.
બે પ્રકાર
(1) જેમાં ત્વચામાં ખંજવાળ, બળતરા, પાણીનો સ્રાવ થવો, પરુ, સોજો વગેરે હોય. આ વિભાગમાં ખસ, ખરજવું, દાદર, ખીલ, સોરાયસીસ, કોન્ટેક્ટ એલર્જી, ખોડો વગેરે વિકૃતિઓનો સમાવેશ કરી શકાય.
(2) જેમાં દવાની એલર્જી, કોઢ, કાળો કોઢ (કૃષ્ણ મંડલ), રક્તમંડલ, કરોળિયા, તલ, મસા વગેરેનો સમાવેશ કરી શકાય. આવા રોગોમાં ત્વચાનો રંગ બદલાય છે. જેમાંથી કેટલાકમાં ખંજવાળ અને બળતરા પણ હોય છે અને કેટલાકમાં હોતી નથી.
ત્વચાના રોગોના ઉપચારાર્થે આવતા રોગીઓના અમે બે વિભાગ પાડે છે : (1) જેમની ત્વચા ખૂબ જ ઓછી બગડી હોય અને જે રોગ બહુ લાંબા સમયનો ન હોય એવા નવ્ય રોગીઓ. (2) જેમનો રોગ ત્વચા પર ખૂબ ફેલાયો હોય, ખંજવાળ, સોજા, બળતરા વધારે હોય અને જે રોગો એક વર્ષથી વધારે જૂના કે ક્રોનિક હોય.
ત્વચાના રોગોનું પ્રત્યક્ષ નિદાન કરાવ્યા પછી જ ઉપચારક્રમ ગોઠવાય તો ઉત્તમ અને સફળ પરિણામ મળે છે. વાયુ, પિત્ત, કફ વગેરે જે દોષનું રોગમાં પ્રાધાન્ય અથવા પ્રકોપ હોય તે દોષને ધ્યાનમાં રાખીને પરેજી ગોઠવાય છે. આમ છતાં ખસ, ખરજવું, દાદર જેવા ત્વચાના સામાન્ય રોગોમાં અમને જે ઉપચારક્રમથી યશ-કીર્તિ મળે છે તેનું અહીં નિરૂપણ કરું છું.
ગંધક રસાયન ટેબ્લેટ : એક-એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી.
આરોગ્યવર્ધિની ટેબલેટ : એક-એક જમ્યા પછી બપોરે અને રાત્રે લેવી.
મહામંજીષ્ઠાદિ કવાથ : નાની સાઇઝના અડધા કપની માત્રામાં સવારે-રાત્રે લેવો.
ખદિરારિષ્ટ - પાંચથી છ ચમચીની માત્રામાં સવારે અને રાત્રે પીવો.
કબજિયાત રહેતી હોય તો રોજ રાત્રે હરડે, ત્રિફળા કે વિરેચન ચૂર્ણ ખુલાસે ઝાડો થાય એ માત્રામાં લેવું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો