ડિફકોન 2026માં સંબોધન કરતાં ભારતના રક્ષામંત્રીએ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સિદ્ધાંતમાં મોટા બદલાવની જાહેરાત કરી છે. ભારતે હવે જૂની રક્ષણાત્મક માનસિકતામાંથી બહાર આવીને સક્રિય જવાબી કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. રક્ષામંત્રીએ નીતિ નિર્માતાઓને `પરિધિ ભ્રમ' પ્રત્યે સાવચેત કરતાં સ્પષ્ટ કર્યું કે, માત્ર ભૌગોલિક સરહદોની સુરક્ષા કરવાથી દેશ સલામત રહી શકતો નથી. આધુનિક સમયમાં ડ્રોન, સાયબર હુમલા, પ્રોપેગેન્ડા, ઊર્જા સંકટ અને સપ્લાય ચેઇનમાં અવરોધ જેવા ખતરાઓ સીમાઓની પરવા કર્યા વગર સીધા રાષ્ટ્ર પર ત્રાટકી શકે છે. આ બદલાવ હેઠળ, ભારત હવે પરંપરાગત `ડિટરેન્સ બાય ડિનાયલ'ના અભિગમને બદલે `ડિટરેન્સ બાય પનિશમેન્ટ' (શત્રુને અસહ્ય સજા આપવી)ની સક્રિય નીતિ પર આગળ વધશે. આ વ્યૂહરચના હેઠળ જો કોઈ દેશ કે સંગઠન ભારતની સુરક્ષા રેખા ઓળંગશે, તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક, 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈક અને 2025ના ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આ નિર્ણાયક સંકલ્પ સાબિત કર્યો છે. આ બદલાવને મજબૂત કરવા ભારતે `પ્રહાર' નામની આતંકવાદ વિરોધી નીતિ અમલમાં મૂકી છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે FATF દ્વારા કૂટનીતિક દબાણ, સિંધુ જળ સંધિનો પુનર્વિચાર અને આર્થિક પ્રતિબંધો જેવાં પગલાં લઈને ભારત સજ્જ બનાવી રહ્યું છે.
GDPમાં 5.22%ના યોગદાન સાથે ભારતીય પ્રવાસન અર્થતંત્રનું ગ્રોથ એન્જિન
ભારતનું પ્રવાસન ક્ષેત્ર પરંપરાગત મુસાફરીના સીમાડા ઓળંગીને ટેક્નોલોજી-સંચાલિત અને ટકાઉ વૈશ્વિક ઇકોસિસ્ટમ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના જીડીપીમાં 5.22%નું યોગદાન અને 8.46 કરોડથી વધુ રોજગારીનું સર્જન કરતું આ ક્ષેત્ર હવે આર્થિક પ્રગતિનું મુખ્ય એન્જિન બન્યું છે. `નેશનલ ડિજિટલ ટૂરિઝમ સ્ટેક', `ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ' અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી પહેલો થકી મુસાફરોને આયોજનથી માંડીને વ્યક્તિગત સેવાઓ સુધી ડિજિટલ અનુભવ મળી રહ્યો છે. 172 દેશો માટે ઈ-વિઝાની સરળતા તેમજ 12 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં કાર્યરત `1363' હેલ્પલાઇન વિદેશી સહેલાણીઓની યાત્રા વધુ સુગમ બનાવે છે. માળખાકીય વિકાસના મોરચે `સ્વદેશ દર્શન 2.0', તીર્થસ્થળોના કાયાકલ્પ માટે `પ્રસાદ' (PRASHAD) અને ઉડાન (UDAN) યોજના અંતર્ગત હવાઈ સંપર્કનો વ્યાપ છેવાડાનાં સ્થળોને મુખ્ય પ્રવાહમાં જોડી રહ્યો છે. આ ઉપરાંત ક્રૂઝ ટૂરિઝમમાં થયેલો 328%નો જંગી ઉછાળો, 75 લાઇટહાઉસનું પર્યટન કેન્દ્રોમાં રૂપાંતરણ અને MICE પ્રવાસન હેઠળ વૈશ્વિક કક્ષાના કન્વેન્શન સેન્ટર્સ ભારતના આધુનિક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
યુએનએસસીમાં વીટો પાવર પર સંયમ અને ભારતની કાયમી સદસ્યતાની દાવેદારી તેજ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 81મા સત્ર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ના માળખાકીય સુધારા અને વીટો પાવરના દુરુપયોગને રોકવા અંગે વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. સમકાલીન ભૂ-રાજકીય સંકટો અને વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પી-5 (P5) દેશો દ્વારા વીટોના અવારનવાર ઉપયોગથી સર્જાતા સંસ્થાકીય ગતિરોધ સામે સભ્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આ બેઠકમાં મોટા પાયે થતા માનવીય અત્યાચારો અને યુદ્ધ ગુનાઓની સ્થિતિમાં વીટોના ઉપયોગ પર સ્વૈચ્છિક રોક લગાવવા માટે `ફ્રાન્સ-મેક્સિકો પહેલ' તેમજ વીટોના ઉપયોગ બાદ મહાસભામાં જવાબદેહી નક્કી કરતી `લિક્ટેનસ્ટીન પહેલ'ને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ, આ સત્ર દરમિયાન રશિયાએ સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે પોતાના સમર્થનનો પુનરુચ્ચાર કર્યો છે. ભારતે પણ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા તાત્કાલિક અને સમયબદ્ધ સુધારાની માંગ દોહરાવી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે એવા કોઈ પણ `દ્વિ-સ્તરીય માળખા'(Two-Tier System)નો સ્વીકાર નહીં કરે જેમાં નવા કાયમી સભ્યોને વીટોના અધિકાર વગર સામેલ કરવામાં આવે. લાંબા સમયથી ચાલતા રાજદ્વારી અવરોધને દૂર કરવા ભારતે જી-4 (G4) ભાગીદારો સાથે મળીને એક વ્યવહારુ ફોર્મ્યુલા રજૂ કરી છે, જેમાં નવા કાયમી સભ્યો માટે વીટોના ઉપયોગ પર 15 વર્ષના મોરેટોરિયમ (કામચલાઉ રોક)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
`મેક ઇન ઇન્ડિયા'નાં 12 વર્ષ પૂર્ણ : ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણમાં ઐતિહાસિક ઉછાળો
ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી `મેક ઇન ઇન્ડિયા' પહેલે પોતાની સફળ સફરનાં 12 વર્ષ પૂર્ણ કર્યાં છે. 25 સપ્ટેમ્બર, 2014ના રોજ શરૂ થયેલી આ પહેલે દેશના ઉત્પાદન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. છેલ્લા એક દાયકામાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 1.9 લાખ કરોડથી વધીને ₹ 13.11 લાખ કરોડ પર પહોંચ્યું છે, જેના કારણે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક બન્યો છે. આ સાથે સંરક્ષણ ઉત્પાદનમાં 283%નો જંગી ઉછાળો નોંધાયો છે. કાચા સ્ટીલનું ઉત્પાદન બમણું થઈ 170 મિલિયન ટને પહોંચ્યું છે તથા ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલમાં પણ દેશે ગણનાપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ ઉપરાંત, 14 ક્ષેત્રોમાં અમલી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ ₹ 2.6 લાખ કરોડનું રોકાણ આવ્યું છે અને 14.6 લાખથી વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. જોકે, આ આંકડાઓ વચ્ચે આર્થિક વિશ્લેષકોએ જીવીએ(GVA)માં વિનિર્માણ ક્ષેત્રના કુલ હિસ્સા અને ખાનગી મૂડીરોકાણના અસમાન પ્રદર્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો