અમેરિકાને આજે નહીં પણ કેટલાંય વર્ષોથી પરદેશી અને એમાં પણ ખાસ કરીને ભારતીય નર્સો એમની હોસ્પિટલોમાં કામ કરવા જોઈએ છે. અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ જેટલી સારી મળે છે એટલી જ ત્યાં નર્સોની પણ અછત છે. આથી ભારતમાંથી સેંકડો નર્સો કામ કરવા અમેરિકા જાય છે. દક્ષિણ ભારતમાંથી તો ખૂબ જ મોટી સંખ્યામાં નર્સો અમેરિકામાં કામ કરવા જાય છે.
અમેરિકાની નર્સિંગ સિસ્ટમ બે પ્રકારની છે. `રજિસ્ટર નર્સીસ' જે બહુ સામાન્ય છે. એના માટે `એસોસિએટ ડિગ્રી ઈન નર્સિંગ' (AND) અથવા તો (RN) `બેચલર ઓફ સાયન્સ ઓફ નર્સિંગ' આ બેમાંથી એક ડિગ્રીની જરૂરિયાત રહે છે. બીજું છે `એડવાન્સ પ્રેક્ટિસ રજિસ્ટર નર્સીસ' (APRN) એટલે કે જે લોકો નર્સ પ્રેક્ટિસનર્સ હોય. અેનેસ્થેટિક તરીકે નર્સિંગનું કામ કરતા હોય, મીડવાઈફ તરીકે નર્સિંગનું કામ કરતા હોય, ક્રિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ હોય, આ લોકોની પણ અમેરિકાની હોસ્પિટલોને બહુ જરૂર છે.
જો કોઈ ભારતીય નર્સને અમેરિકામાં નર્સિંગનું કામ કરવા જવું હોય તો સૌ પ્રથમ `સીજીએફએનએસ સર્ટિફિકેશન પ્રોગ્રામ' (CGFNS) આપવાનો રહે છે. આ સીજીએફએનએસ સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ નર્સનું ક્રેડેન્શલ રિવ્યૂ કરવામાં આવે છે. એને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે કે નહીં એ પણ ચકાસવામાં આવે છે. સીજીએફએસએનની જે ક્વોલિફાઈડ એક્ઝામ હોય છે એ આપવાની રહે છે. આ માટે નર્સોએ એમનું જે નર્સિંગનું લાઇસન્સ મળ્યું હોય અને એમનો એકેડેમિક રેકોર્ડ હોય એ રજૂ કરવાનો રહે છે.
ભારતીય નર્સોએ જો અમેરિકામાં નર્સ તરીકે કામ કરવા જવું હોય તો એમને નીચેના પગલાં એક પછી એક લેવાં પડે છે.
સૌ પ્રથમ તો એમને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એ દેખાડી આપવાનું રહે છે. આ જરૂરિયાત પાક્કી છે. એમાં બાંધછોડ ચાલતી નથી. આથી ભારતીય નર્સોએ `ફેલ' યા `આઈલ્ટ્સ'ની પરીક્ષા આપીને એમને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એ દેખાડી આપવાનું રહે છે. આ ટોફેલ અને આઈલ્ટ્સની પરીક્ષામાં અંગ્રેજી ભાષા સાંભળવાનું, વાંચવાનું, લખવાનું અને બોલવાનું કેવું છે? એ ચકાસવામાં આવે છે.
ત્યારબાદ `ધ નેશનલ કાઉન્સિલ લાયસન્સ એક્ઝામિનેશન ફોર રજિસ્ટર્ડ નર્સીસ' આ સ્ટાન્ડર્ડ એક્ઝામ પાસ કરવાની રહે છે. આને ટૂંકમાં એનસીએલઈએક્સ-આરએન કહેવામાં આવે છે. આ એનસીએલઈએક્સ-આરએનની પરીક્ષા અમેરિકાના જે સ્ટેટમાં કામ કરવા ઈચ્છતા હોવ ત્યાં આપવાની રહે છે. આ પરીક્ષા માટે જે તૈયારી કરવાની રહે છે એના કલાસીસ ચાલે છે. ઓનલાઈન પણ એ ઉપલબ્ધ છે.
ત્યારપછી એકવાર એનસીએલઈએક્સ-આરએન આ પરીક્ષા પાસ કરો પછી `નર્સિંગ લાઇસન્સ'ની અરજી કરવાની રહે છે. એ માટે જે જરૂરી ફી હોય એ ભરવાની રહે છે. આટલું કર્યા બાદ અમેરિકામાં પ્રવેશીને ત્યાં કામ કરવા માટે `એચ-1બી' વિઝા મેળવવાના રહે છે. કેનેડિયન અને મેક્સિકન નર્સો માટે `ટીએન' વિઝા પણ ઉપલબ્ધ છે. જો ગ્રીનકાર્ડ મેળવી અમેરિકામાં કાયમ રહેવાની પરમિશન મળી શકે તો એનાથી વધુ રૂડું શું હોઈ શકે.
ભારતીય નર્સોને અમેરિકાની હોસ્પિટલોમાં, દવાખાનામાં યા બીમારોના ઘરમાં કામ કરવા જવું હોય તો વિઝા મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. વિઝા બેકલોગના કારણે ખૂબ ખૂબ થોભવું પડે છે, એમણે અમેરિકન સ્પોન્સર જેઓ તેમના માટે `એચ-1બી'ની પિટિશન દાખલ કરવા રાજી હોય. જોકે, આ કાર્ય અનેક સંસ્થાઓ તેમજ એજન્ટો કરે છે. અમેરિકામાં `નેશનલ એસોસિયેશન ઓફ ઈન્ડિયન નર્સીસ ઓફ અમેરિકા' (NAINA) છે, જે ભારતીય નર્સોને આ માટે સહાય કરે છે. હાલમાં નર્સોની મુશ્કેલીમાં જે `એચ-1બી' વિઝાના નિયમોમાં જે ફેરફારો થયા છે એના લીધે વધારો થયો છે.
ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ઘણી ઘણી હોશિયાર, બાહોશ, અનુભવી, ખંતીલી તેમજ લાગણીપ્રધાન નર્સો છે. તેઓ એમની ઉન્નતિ, વધુ કમાવવા માટે અમેરિકા જવા ઈચ્છે છે, પણ વિઝાની અછત અને અંગ્રેજી ભાષાની અણઆવડત એમના ઈરાદાઓને બર આવવા દેતી નથી. આ જ કારણોસર અનેક ભારતીય નર્સો ઈ-લીગલી અમેરિકામાં પ્રવેશવાના પ્રયત્નો કરે છે. જો તમે અમેરિકામાં નર્સ તરીકે કામ કરવા જવા ઈચ્છતા હોવ તો નર્સિંગનો કોર્સ પૂરો કરો. અંગ્રેજી ભાષા શીખો અને એ દેખાડવા `આઈલ્ટ્સ' યા `ટોફેલ'ની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ અને બીજી જરૂરી પરીક્ષાઓ પણ પાસ કરો. ત્યારબાદ તમને `એચ-1બી' વિઝા માટે પ્રમોટ કરે એવી હોસ્પિટલ યા સંસ્થાનો સંપર્ક કરો. આ સિવાય પણ કાયદેસર અમેરિકા જવાના બીજા અનેક રસ્તાઓ છે, એની જાણકારી મેળવો અને લીગલી જ
અમેરિકા જાવ.
ભારતીય નર્સોએ જો અમેરિકામાં નર્સ તરીકે કામ કરવા જવું હોય તો એમને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ. એનસીએલઈએક્સ-આરએન પરીક્ષા આપવી જોઈએ. નર્સિંગ લાઇસન્સ મેળવવું જોઈએ. અમેરિકામાં પ્રવેશવા, ત્યાં રહેવા અને કામ કરવા માટેના વિઝા મેળવવા જોઈએ. અમેરિકાનું આકર્ષણ ભારતીય નર્સોને એટલા માટે છે કે ત્યાં એક સામાન્ય નર્સને વર્ષના 75થી 80 હજાર ડોલર પગાર મળી શકે છે. આ ઉપરાંત બીજી પણ અનેક સવલતો પ્રાપ્ત થાય છે. આથી જ ભારતીય નર્સો અમેરિકામાં નર્સિંગનું કામ કરવા ઉત્સુક હોય છે, પણ ગેરકાયદેસર ત્યાં ન જતા.