ભારતીયો માટે હવે દુનિયા જોવાનું સપનું વધુ સરળ બની રહ્યું છે. સામાન્ય રીતે વિદેશ પ્રવાસનું નામ પડે એટલે સૌથી પહેલાં પાસપોર્ટ અને ત્યાર પછી `વિઝા'ની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા મગજમાં આવે છે.
દસ્તાવેજોની જંજાળ, ઇન્ટરવ્યૂ અને વિઝા રિજેક્ટ થવાનો ડર - આ બધું પ્રવાસનો આનંદ અડધો કરી નાખે છે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. ભારતીય પાસપોર્ટની તાકાત વૈશ્વિક સ્તરે વધી રહી છે અને તેના પરિણામે વિશ્વના આશરે 55થી વધુ દેશો ભારતીય પ્રવાસીઓને વિઝા વગર અથવા અત્યંત સરળ પ્રક્રિયા સાથે પ્રવેશ આપી રહ્યા છે. ભારતીયો માટે હવે પ્રવાસની ક્ષિતિજો વિસ્તરી રહી છે.
હકીકતે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે. ઘણા દેશો સમજી રહ્યા છે કે ભારતીય પ્રવાસીઓ તેમના અર્થતંત્રમાં મોટો ફાળો આપી શકે છે. આથી જ થાઈલેન્ડ, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશોએ તાજેતરમાં ભારતીયો માટે વિઝા મુક્તિની જાહેરાત કરી છે. વિદેશ પ્રવાસના શોખીન ભારતીયો માટે આ એક ઉત્સાહજનક વિષય છે. `વિઝા-ફ્રી' અથવા `વિઝા-ઓન-અરાઈવલ' સુવિધા આપતા દેશોમાં વધારો થયો છે.
વિશ્વના 55 દેશોમાં સીધી એન્ટ્રી એ ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય શાખનું પ્રતીક છે. એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે, વિદેશની ધરતી પર તે દેશના સ્થાનિક કાયદાઓ અને સંસ્કૃતિનું સન્માન કરવું એ આપણી નૈતિક અને કાયદાકીય ફરજ છે. દરેક દેશની પોતાની ઇમિગ્રેશન પોલિસી હોય છે. ભારતીય પાસપોર્ટ ધારકોને મળતી આ છૂટછાટ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારો પર આધારિત હોય છે. જોકે, આ નિયમો કાયમી હોતા નથી. આંતરરાષ્ટ્રીય સંબંધો અથવા સુરક્ષાના કારણોસર કોઈ પણ દેશ ગમે ત્યારે તેની વિઝા પોલિસીમાં ફેરફાર કરી શકે છે, તેથી પ્રવાસના 48 કલાક પહેલાં તે દેશની સત્તાવાર એમ્બેસીની વેબસાઈટ તપાસવી કાયદાકીય રીતે સલાહભર્યું છે.
વળી, ઘણા દેશો વિઝા નથી માંગતા, પરંતુ `એન્ટ્રી પરમિટ' અથવા `Digital Arrival Card' માંગે છે. જેમ કે, મલેશિયા કે થાઈલેન્ડ જેવા દેશોમાં જતા પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરીને તેની પ્રિન્ટ સાથે રાખવી પડે છે. જો તમારી પાસે આ દસ્તાવેજ ન હોય, તો એરપોર્ટ પરથી જ તમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. વિઝા-ફ્રી સુવિધા હેઠળ તમે અમુક ચોક્કસ દિવસો સુધી જ રોકાઈ શકો છો. તમને મળેલી આ છૂટછાટ માત્ર ટૂરિઝમ અથવા ટૂંકા વ્યાવસાયિક હેતુ માટે હોય છે. વિઝા-ફ્રી એન્ટ્રી પર તમે તે દેશમાં નોકરી કે વેપાર શરૂ કરી શકતા નથી. જો તમે પ્રવાસી તરીકે જઈને કામ કરતા પકડાઈ જાઓ, તો તે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ગંભીર ગુનો બને છે. જો તમે મર્યાદા કરતાં એક દિવસ પણ વધુ રોકાશો, તો તેને `વિઝા ઉલ્લંઘન' માનવામાં આવશે. તે દેશમાં ફરી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ પણ લાગી શકે છે. ભારતીય નાગરિકોને મળતી આ સગવડોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. વિઝા-ફ્રી, જ્યાં તમારે માત્ર પાસપોર્ટ લઈને જવાનું છે. બીજું છે વિઝા-ઓન-અરાઈવલ જ્યાં એરપોર્ટ પર ઊતર્યા પછી તરત વિઝા મળી જાય છે અને ઇ-વિઝા જેની પ્રવાસના થોડા દિવસ પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. કેટલાક લોકપ્રિય દેશોની યાદી છે જ્યાં ભારતીયો સરળતાથી જઈ શકે. એશિયામાં ભારતીયો માટે સૌથી વધુ વિકલ્પો છે. થાઈલેન્ડ જે ભારતીયોનું ફેવરિટ ડેસ્ટિનેશન. અહીં તાજેતરમાં પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે વિઝા-ફ્રી એન્ટ્રીની અવધિ વધારવામાં આવી છે. મલેશિયાના કુઆલાલમ્પુરના આધુનિક નજારાનો આનંદ હવે વિઝાની ચિંતા વગર લઈ શકાય છે. રામાયણ કાળના ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સુંદરતા જોવા માટે શ્રીલંકાએ ભારતીયો માટે વિઝા ફી માફ કરી છે. ભારતના પાડોશી દેશો હોવાને નાતે અહીં જવા માટે તો વિઝાની જરૂર જ નથી, માત્ર માન્ય ઓળખપત્ર પૂરતું છે.
આ દેશોમાં પણ વિઝાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અથવા ઓન-અરાઈવલ સુવિધા મળે છે. જો તમને વન્યજીવન અને સાહસ ગમે છે, તો આફ્રિકામાં ઘણા દેશો તમારી રાહ જોઈ રહ્યા છે. હનીમૂન કપલ્સ માટે મોરેશિયસ સ્વર્ગ સમાન દેશ છે, જે ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપે છે. કેન્યા અને સેશેલ્સની વાઈલ્ડ લાઈફ સફારી અને શુદ્ધ દરિયાકિનારાઓ વિશ્વપ્રસિદ્ધ છે. ઈથોપિયા અને રવાન્ડા જેવા દેશોમાં ભારતીયોને સરળતાથી વિઝા-ઓન-અરાઈવલ મળે છે. ફિજીમાં પણ ભારતીયો વિઝા વગર જઈ શકે છે.
બાર્બાડોસ અને જમૈકા જે તમને કેરેબિયન સંસ્કૃતિનો અનુભવ કરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે. જોકે, આ દેશોમાં વિઝાની જરૂર નથી, પરંતુ કેટલાક નિયમો પાળવા અનિવાર્ય છે. જેમાં પહેલું છે પાસપોર્ટની માન્યતા. તમારો પાસપોર્ટ પ્રવાસની તારીખથી ઓછામાં ઓછો 6 મહિના માટે માન્ય હોવો જોઈએ. ઘણીવાર એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ તમારી પરત આવવાની ટિકિટ પણ તપાસે છે માટે રિટર્ન ટિકિટ હોવી જરૂરી હોય છે. તમારી પાસે રોકાણ દરમિયાનના ખર્ચ માટે પૂરતા પૈસા હોવા જોઈએ.તમારી પાસે રહેવા માટે ક્યાં રોકાણની વિગતો હોવી જરૂરી છે. કોઈ અણધારી આફત સામે રક્ષણ મેળવવા વીમો લેવો હિતાવહ છે. આફ્રિકાના દેશોમાં ફરવા માટે યેલો ફિવર સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
