ભારતીય સંસ્કૃતિમાં પ્રેમકથાઓ અને પુરાણકથાઓનો તોટો નથી. ભારતીય સમાજજીવન ઉપર આ કથાઓનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. ભારતમાં અનેક સ્થળોની વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ પાછળ પણ કોઈક પૌરાણિક કથા જડી આવશે. નર્મદા નદીના પ્રવાહની જ વાત લો.
ભારતનો સામાન્ય ઢાળ (slope) ઉત્તર કે પશ્ચિમથી પૂર્વ તરફ છે, તેથી મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે. હિમાલયમાંથી નીકળતી ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તેમજ સહ્યાદ્રિ પર્વતમાળા - વેસ્ટર્ન ઘાટમાંથી નીકળતી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓ પશ્ચિમ તરફથી શરૂ થઈને ભારતની પૂર્વે આવેલ બંગાળની ખાડીને જઈ મળે છે, પરંતુ આપણી નર્મદા અને તાપીની બાબતમાં એવું નથી. આ બંને નદીઓ બાકીની મુખ્ય ભારતીય નદીઓ કરતાં વિરુદ્ધ એટલે કે પૂર્વ દિશાએથી પ્રકટીને ભારતની પશ્ચિમે આવેલ અરબ સાગરને જઈ મળે છે. નર્મદાના આવા અવળા પ્રવાહ પાછળ એક પૌરાણિક કથા છે.
પ્રચલિત કથા મુજબ કહેવાય છે કે પૂર્વીય મધ્યપ્રદેશમાં આવેલ મૈકલ પર્વતમાળાના અમરકંટક ખાતેથી નીકળતી નર્મદા અને સોનભદ્ર વચ્ચે પ્રેમ પાંગર્યો, પણ પછી કોઈક કારણોસર આ જોડી તૂટી અને નર્મદાએ સોનભદ્ર કરતાં વિરુદ્ધ દિશામાં વહેવાનું પસંદ કર્યું. હવે આપણેય વહેણની દિશા બદલીને પુરાણકથાની વાત પરથી હાલની ભૌગોલિક વિષમતા અને એના નિવારણ માટે આધુનિક વિજ્ઞાનના `ચમત્કાર'ની વાત તરફ આવીએ.
પહેલાં જરા ભૌગોલિક પરિસ્થિતિ સમજી લો. અમરકંટકથી નીકળીને સોનભદ્ર એટલે કે સોન નદી પૂર્વ તરફ અને નર્મદા પશ્ચિમ તરફ વહે છે એ ખરું, પરંતુ એ સિવાય પણ એક બહુ મોટું ભૌગોલિક ફેક્ટર છે ખુદ વિંધ્યાચળ પર્વતમાળા. બંને નદીઓની વચ્ચે વિંધ્યાચળ ઊભો છે. હવે તકલીફ એવી છે કે સોન નદીનો આખો તટીય પ્રદેશ દિવસે દિવસે સૂકો ભઠ થઇ રહ્યો છે. આસપાસના જબલપુર, કટની, સતના, મૈહર, રીવા અને પન્ના જિલ્લાના વિસ્તારોની ખેતી પાણીની તંગીને કારણે બૂરી રીતે અસરગ્રસ્ત થઇ રહી છે. બીજી તરફ નર્મદા તો બારમાસી નદી, એમાં કદી પાણીની તંગી હોતી જ નથી એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જો કોઈક રીતે નર્મદાનું પાણી સોન નદીમાં ઠાલવવામાં આવે તો સોન નદીનો આખો પ્રદેશ પણ હરિયાળો થઇ જાય. વિચાર સારો હતો, પણ અમલમાં મૂકવો કેમ? સોન અને નર્મદા વચ્ચે જ્યાં આખો વિંધ્યાચળ ઊભો હોય, એને ઠેકીને કરોડો લિટર પાણી બીજી તરફ પહોંચાડવું કઈ રીતે? પર્વતની ઉપરથી પાણીની લાઈન પસાર કરીએ તો પર્વત જેટલે ઊંચે સુધી પાણી ચઢાવવા કેટલા બધા પંપ મૂકવા પડે. એ રીતે સોન નદી સુધી પહોંચેલું પાણી કેટલું મોંઘું પડે! એટલે એ ઉપાય તો નકામો.
પણ વૈજ્ઞાનિકોએ એનોય ઉકેલ મેળવી લીધો. વચ્ચેનો પર્વત પસાર કરવા માટે પર્વત ચડવો જ પડે એવું કોણે કહ્યું? પર્વતની આરપાર અન્ડરગ્રાઉન્ડ ટનલ ખોદી કાઢીનેય નર્મદાનું પાણી સોન નદી સુધી પહોંચાડી શકાયને! પહેલી નજરે આ રીતે પર્વત ખોદીને પાણીની લાઈન નાખવાનું કામ અશક્યવત લાગશે, પણ ધગશ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સહારે ગમે એવું અઘરું કામ થઇ શકે.
મધ્યપ્રદેશમાં જબલપુર ખાતે નર્મદા નદી પર બાર્ગી ડેમ (રાની અવંતિબાઈ સાગર) યોજના હેઠળ વિશાળ જળાશય બનાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોની યોજના એવી હતી કે પર્વતની અંદર 11.95 કિલોમીટર લાંબી ટનલ ખોદીને પર્વતની બીજી તરફ આવેલા સોન બેઝિન સુધીની પાઈપલાઈન નાખવી. વળી, આ પાઈપલાઈન એવી હોવી જોઈએ, જેથી પાણીને આગળ ધકેલવા માટે કોઈ પંપ મૂકવાની જરૂર ન રહે. પાઈપને ઢાળ જ એવો આપવાનો કે પાણી ગુરુત્વાકર્ષણ બળને કારણે આગળ ધપતું રહે.
પહાડ ખોદીને આશરે બાર કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવી અને એક પણ પંપની મદદ વિના માત્ર કુદરતી ગુરુત્વાકર્ષણબળનો ઉપયોગ કરીને રોજનું લાખો લિટર પાણી પર્વતની એક તરફ આવેલી નદીમાંથી પર્વતની બીજી તરફ આવેલી નદીમાં પહોંચાડવું. એ રીતે આશરે દોઢ હજાર ગામોની સુકાઈ રહેલી ખેતીને પુનર્જીવિત કરવી, એ પ્રોજેક્ટ પોતે જ એક વૈજ્ઞાનિક ચમત્કાર ગણાય. સુખદ બાબત એ છે કે ભારતના વૈજ્ઞાનિકોએ આ ચમત્કાર કરી દેખાડ્યો છે.
મધ્યપ્રદેશના સ્લીમેનાબાદ ખાતે આ ટનલ બનાવતી વખતે અનેક ભૂસ્તરશાસ્ત્રીય ચેલેન્જ હતી. ભૂગર્ભમાં પોલાણો, ભૂજળના ભારે પ્રવાહનું (પ્રતિ મિનિટ 18,000થી 25,000 લિટર સુધી) જોખમ હતું. ટનલ ખોદવા માટેનું TBM મશીન અગાઉ અમેરિકાથી લાવવામાં આવેલું. એ નિષ્ફળ ગયા બાદ બીજું મશીન જર્મનીથી મંગાવવામાં આવ્યું.
ખોદકામની સાથે જ વારંવાર ધસી આવતું પાણી ઉલેચવા માટે ડિવોટરિંગ સિસ્ટમ તેમજ જમીનને ધસી પડતી અટકાવવા માટે ગ્રાઉટિંગ મશીન્સ સતત કામ કરતા રહ્યાં.
અકસ્માત અને સર્પદંશ જેવાં કારણોસર કેટલાક શ્રમિકોના મૃત્યુ પણ થયાં અને નાના-મોટા અકસ્માતમાં કેટલાય ઘાયલ થયા.
આ તમામ મુશ્કેલીઓ પાર પાડ્યા બાદ આશરે સત્તર વર્ષને અંતે ગુરુત્વાકર્ષણ બળને આધારે કામ કરતી ભારતની પહેલી અને સૌથી લાંબી અન્ડરગ્રાઉન્ડ ટનલ કાર્યરત થવાની તૈયારી છે. આ આખો ઘટનાક્રમ ચમત્કારથી કમ થોડો છે? ભારતે ઘરઆંગણે આવો પ્રોજેક્ટ પાર પાડ્યો એય ગૌરવ લેવા જેવી બાબત છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આ યોજનામાં વિજ્ઞાનનો ઉપયોગ ખેતી બચાવવા માટે થશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો