વાયુસેનાએ ચંદીગઢમાં મિગ-21 વિમાનને રાષ્ટ્રની સેવામાંથી છ દાયકા બાદ વિદાય આપી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનને સેવાનિવૃત્ત કરવામાં આવ્યું. એર ચીફ માર્શલ એપી સિંહે સ્ક્વોડ્રનની છેલ્લી ઉડાન બાદલ 3 સાથે ઉડાવી હતી. ચીન-ભારત યુદ્ધ પછી 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલ મિગ-21 દેશનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ હતું. આ વિમાને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
આ વિમાને પાકિસ્તાની વાયુસેનાને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1 A ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં 68 ફાઇટર એરક્રાફ્ટ અને 29 ટ્વીન-સીટર એરક્રાફ્ટ, ભારતીય વાયુસેના માટે સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. આ વિમાનોની ડિલિવરી 2027-28 દરમિયાન શરૂ થશે અને છ વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે. આ વિમાનોના ઉત્પાદનથી 6 વર્ષના સમયગાળામાં દર વર્ષે 11 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.
આગામી ત્રણ વર્ષમાં પાંચ હજાર MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં વર્તમાન સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ખર્ચ એક હજાર 534 કરોડ રૂપિયા થશે. આ પહેલથી સ્નાતક મેડિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. વધારાની અનુસ્નાતક બેઠકોથી નિષ્ણાત ડોક્ટરોની ઉપલબ્ધતામાં વધારો થશે અને સરકારી મેડિકલ સંસ્થાઓમાં નવી વિશેષતાઓ શરૂ કરવામાં મદદ મળશે. આ બંને યોજનાઓનો કુલ નાણાકીય ખર્ચ 2025-26થી 2028-29ના સમયગાળા માટે એક હજાર 534 કરોડથી વધુ છે. જેમાં કેન્દ્રનો હિસ્સો 10 હજાર 303 કરોડ અને રાજ્યનો હિસ્સો ચાર હજાર 731 કરોડ રૂપિયા છે. આ પહેલ વિદ્યાર્થીઓને ભારતમાં તબીબી શિક્ષણ મેળવવા માટે વધુ તકો પૂરી પાડશે અને તબીબી શિક્ષણ અને તાલીમની ગુણવત્તાને વૈશ્વિક ધોરણો મુજબ વધારશે.
વિવાદોથી ઘેરાયેલા ટિકટોક યુએસની વેલ્યૂ
અધધ 14 અબજ ડોલર આંકવામાં આવી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનું અમેરિકા યુનિટ વેચવા મંજૂરી આપી દીધી છે. તેમણે આ ડીલ પર એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાએ ટિકટોક યુએસએ વેચવા નિર્ણય લીધો છે. અમેરિકાએ અનેક વખત ટિકટોકને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવ્યું હતું. જોકે, હવે ટિકટોકની માલિકી અમેરિકાની ઓરેકલ અને સિલ્વર લેકના સંયુક્ત રોકાણ સાહસ મારફત મેળવવામાં આવી તો દેશવ્યાપી ટિકટોક પરના પ્રતિબંધો દૂર કરાશે. આ ડીલ 120 દિવસની અંદર પૂર્ણ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ટિકટોક યુએસની વેલ્યૂ 14 અબજ ડોલર આંકવામાં આવી છે. ટ્રમ્પના એક્ઝિક્યૂટિવ ઓર્ડરના કારણે ટિકટોક પર પ્રતિબંધનો નિર્ણય હાલ પૂરતો ટાળવામાં આવ્યો છે. એક્ઝિક્યૂટિવ ઓર્ડર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના નિયમને લાગુ કરતા અટકાવે છે. જે હેઠળ ટિકટોકની પેરેન્ટ કંપની બાયટડાન્સ દેશભરમાં પ્રતિબંધ કરવામાં આવી હતી.
ફ્રાન્સના 70 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
નિકોલસ સરકોઝીને જેલની સજા
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને પેરિસની એક કોર્ટે ગુનાહિત કાવતરાના આરોપસર પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમને 100,000 યુરો (આશરે 9.2 મિલિયન રૂપિયા)નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને પાંચ વર્ષ સુધી કોઈ પણ સરકારી પદ સંભાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કેસ 2007ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા માટે તત્કાલીન લિબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના ગેરકાયદેસર ભંડોળ સાથે સંબંધિત છે. જોકે, કોર્ટે સરકોઝીને ભ્રષ્ટાચાર સહિતના અન્ય આરોપોમાંથી મુક્ત કર્યા. 70 વર્ષીય સરકોઝીએ આ ચુકાદાને ગેરબંધારણીય જાહેર કર્યો છે અને તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે. નિકોલસ સરકોઝી 2007થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા. તેમની પત્ની કાર્લા બ્રુની એક પ્રખ્યાત ગાયિકા અને મોડલ છે.