આધુનિક યુદ્ધકળા અને સુરક્ષાનાં સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે. આજે સરહદો પર માત્ર ટેન્કો કે સૈનિકોનો સામનો કરવાનો નથી, પરંતુ આકાશમાંથી આવતા અદૃશ્ય અને સાયલન્ટ મોનિટર સમાન `ડ્રોન્સ' (UAVs) સામે પણ લડવાનું છે. તાજેતરના વૈશ્વિક સંઘર્ષોએ સાબિત કરી દીધું છે કે સસ્તાં અને નાનાં ડ્રોન પણ મોટાં લશ્કરી મથકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પાકિસ્તાને પણ તુર્કિયેના ડ્રોન્સનું ઝુંડ આપણા પશ્ચિમી મોર્ચા પર ઉતાર્યું હતું, પરંતુ ભારતે પાકના મનસૂબાને નાકામ કરી દીધો હતો. જોકે, આ ઊભરતા સંકટનો સામનો કરવા માટે ભારતે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ એક મજબૂત ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે, જેનું નામ છે `ભાર્ગવાસ્ત્ર' કાઉન્ટર ડ્રોન સિસ્ટમ. ભાર્ગવાસ્ત્ર ભારતની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજિકલ પાવરહાઉસ બનવાની દિશામાં એક વિરાટ પગલું છે.


ભાર્ગવાસ્ત્ર શું છે?

ભાર્ગવાસ્ત્ર એ એક અત્યાધુનિક, એન્ટિ ડ્રોન સિસ્ટમ છે. તેને ભારતીય સંરક્ષણ સંશોધન સંસ્થાઓ અને સ્થાનિક ખાનગી ડિફેન્સ કંપનીઓના સહયોગથી વિકસાવવામાં આવી છે. ભગવાન પરશુરામના શસ્ત્ર `ભાર્ગવાસ્ત્ર' પરથી પ્રેરિત આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ દુશ્મનના કોઈ પણ પ્રકારના ડ્રોન, ક્વાડકોપ્ટર અથવા સ્વોર્મ ડ્રોન(એકસાથે હુમલો કરતા ડ્રોનનું ઝુંડ)ને હવામાં જ ઓળખીને તેનો સફાયો કરવાનો છે.

સિસ્ટમની કાર્યપદ્ધતિ : 

`ડિટેક્ટ'થી `ડિસ્ટ્રોય'સુધીની સફર

ભાર્ગવાસ્ત્ર કાઉન્ટર ડ્રોન સિસ્ટમ મુખ્યત્વે ત્રણ સ્તરો પર કામ કરે છે. જે આ પ્રમાણે છે -

શોધ અને ઓળખ (Detection & Tracking) : આ સિસ્ટમમાં હાઇ-ટેક 3D રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ (EO/IR) કેમેરા તેમજ રેડિયો ફ્રીક્વન્સી (RF) સ્નિફર્સ લગાવેલાં છે. આ તમામ સાધનો મળીને 360 ડિગ્રી પર નજર રાખે છે. તે માત્ર થોડા સેન્ટિમીટર કદના નાના ડ્રોનને પણ કિલોમીટરો દૂરથી શોધી કાઢે છે.

સોફ્ટ કિલ (Soft Kill - બિનવિનાશક પદ્ધતિ) : એકવાર દુશ્મનના ડ્રોનની ઓળખ થઈ જાય પછી ભાર્ગવાસ્ત્ર તેના જામિંગ ટૂલ્સ સક્રિય કરે છે. તે દુશ્મન ડ્રોનની જીપીએસ લિંક અને કંટ્રોલર સાથેના રેડિયો સિગ્નલને બ્લોક કરી દે છે. પરિણામે ડ્રોન રસ્તો ભટકી જાય છે અથવા તો આપોઆપ જમીન પર ખરી પડે છે.

હાર્ડ કિલ (Hard Kill - ભૌતિક વિનાશ) : જો કોઈ ડ્રોન સોફ્ટ કિલથી કાબૂમાં ન આવે અથવા આત્મઘાતી (Kamikaze) ડ્રોન હોય, તો સિસ્ટમ પોતાની `હાર્ડ કિલ' ક્ષમતાનો ઉપયોગ પણ કરે છે. જેમાં લેઝર-આધારિત શસ્ત્રો અથવા માઇક્રોવેવ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. લેઝર કિરણો સેકન્ડોના ભાગમાં ડ્રોનની સર્કિટને ઓગાળીને તેને હવામાં જ ભસ્મીભૂત કરી નાખે છે.

વળી, સિંગલ લોન્ચરમાં 64 માઈક્રો રોકેટ્સ અથવા મિસાઈલો લગાવી શકાય છે અને તેને માત્ર 10 જ સેકન્ડમાં છોડી પણ શકાય છે. આ સિસ્ટમ મધ્યમ અને મોટા યુએવીને 10 કિલોમીટર અને નાના ડ્રોનને 6 કિલોમીટરના અંતરે જ ડિટેક્ટ કરી શકવા સક્ષમ છે.

ભાર્ગવાસ્ત્રની મુખ્ય વિશેષતાઓ અને શક્તિ

મલ્ટિ-સેન્સર ઇન્ટિગ્રેશન : રડાર, ઓપ્ટિકલ સિસ્ટમ અને જામર્સ એકબીજા સાથે એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોફ્ટવેરથી જોડાયેલાં છે જેથી માનવીય ભૂલની કોઈ જ શક્યતા રહેતી નથી.

સ્વોર્મ ડ્રોનનો સામનો : આ સિસ્ટમની સૌથી મોટી તાકાત એ છે કે તે એકસાથે આવતા ડઝનબંધ ડ્રોન્સ (Swarm Drones)ને એકસાથે ટ્રેક કરીને એક જ સમયે ઝડપથી નષ્ટ કરી શકે છે.

મોબિલિટી (ગતિશીલતા) : ભાર્ગવાસ્ત્રને લશ્કરી ટ્રક અથવા વાહન પર સરળતાથી તૈનાત કરી શકાય છે, જેથી તેને સરહદના દુર્ગમ વિસ્તારો કે વીઆઇપી રેલીઓ અને એરપોર્ટ જેવાં સંવેદનશીલ સ્થળોએ ઝડપથી સરળતાપૂર્વક ખસેડી શકાય છે.

ઓલ-વેધર ઓપરેશન : ભીષણ ગરમી, કડકડતી ઠંડી, વરસાદ કે રાત્રિના ઘનઘોર અંધારામાં પણ આ સિસ્ટમ એટલી જ સચોટતાથી કામ કરે છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વદેશી બનાવટ

અત્યાર સુધી ભારતને આવી હાઈ-ટેક સિસ્ટમ્સ માટે ઈઝરાયેલ કે અમેરિકા જેવા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું, જે અત્યંત ખર્ચાળ હતું. `ભાર્ગવાસ્ત્ર' સંપૂર્ણપણે સ્વદેશી છે. આ માઈક્રો મિસાઈલ બેઝ્ડ સિસ્ટમનાં બધાં જ પરીક્ષણો વર્ષ 2026ના અંત સુધીમાં પૂરાં થવાની શક્યતા છે. ત્યારબાદ ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ પોતાની જરૂરિયાત મુજબ આ સિસ્ટમના અલગ-અલગ વેરિઅન્ટ્સ અપનાવી શકે છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: