અમદાવાદના વસ્ત્રાલ-રામોલ વિસ્તારના મહેમુદપુરા ગામમાં આવેલા ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં 10 શ્રમિકોના જાન ગયા છે. કાયદેસર કે ગેરકાયદેસર ઉદ્યોગોમાં સર્જાતી આવી દુર્ઘટના આ કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. ગયા વર્ષે જ ડિસાની ફટાકડા ફેક્ટરીમાં આવા જ બ્લાસ્ટથી 21, તે પૂર્વે કાલોલમાં 3 અને મોડાસામાં 4 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સરકારી કે પોલીસના ચોપડે ઔદ્યોગિક દુર્ઘટના તરીકે ખતવાતી આ ઘટનાઓ ખરેખર તો બેદરકારીના લીધે થતી ગરીબ મજદૂરોની હત્યાઓ જ છે, કેમ કે આદ્યોગિક દુર્ઘટનાઓ વાસ્તવમાં પૂર્વાનુમાનિત હોય છે. દુર્ઘટના બને છે ત્યારે તેને આકસ્મિક કે કમનસીબ કહીને થોડાં આંસુ જરૂર સારી લઈએ છીએ, પરંતુ ઉદ્યોગ કે કંપનીની ખામી, અપર્યાપ્ત નિયમન અને નિરીક્ષણ, જોખમની આગોતરી જાણ છતાં તેને અટકાવવા માટેનાં પગલાંનો અને સલામતી ઉપકરણોનો અભાવ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તેનો ઉકેલ શક્ય છે, પરંતુ દુર્ઘટના પછી તે વિસારે પાડી દેવાય છે અને નવી દુર્ઘટનાઓ બનતી રહે છે.
ઔદ્યોગિક દુર્ઘટનાઓ કંઈ ગુજરાત કે ભારતમાં જ ઘટતી નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. જે દુર્ઘટનાઓ બને છે તે કંઈ ભિન્ન ભિન્ન નથી, પરંતુ ઉદ્યોગોમાં રહેલી વ્યાપક માળખાકીય સમસ્યાઓનો સંકેત છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના દાયકા પૂર્વેનો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં દર વરસે 3.50 લાખ મજૂરોનાં મોત થાય છે. 2020માં ભારતમાં નોંધાયેલાં કારખાનાં 3,63,442 હતાં અને તેમાં
2 કરોડ શ્રમિકો કામ કરતા હતા. 2016થી 2020માં રજિસ્ટર્ડ ફેક્ટરીઓમાં વર્ષે સરેરાશ 1109 મોત દુર્ઘટનાઓમાં થતાં હતાં. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આંકડાઓ પ્રમાણે 2014થી 2016 દરમિયાન કારખાનાંઓમાં કામ કરતાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં 3562 શ્રમિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 51,000થી વધુ ઈજાગ્રસ્ત થયાં હતાં. આ હિસાબે દેશમાં રોજના 3 કામદારોનાં મોત અને 47 ઘાયલ થાય છે.
2024માં પાદરા(જિ. વડોદરા)ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં
3 મજૂરોનાં મોતની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ હતી. વિપક્ષનું ધ્યાન ખેંચતી દરખાસ્તના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં 2021માં 244, 2022માં 238 અને 2023માં 231 મજૂરોના ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં મોત થયાં હતાં. 2023માં રાજ્યમાં રજિસ્ટર્ડ ફેક્ટરીઓ 49,246 હતી, જે આજે આશરે 51,000 છે.
ગુજરાતમાં 2024ના આંકડા પ્રમાણે 570 જોખમી કામો ધરાવતાં કારખાનાં છે, જેમાંથી ભરુચ જિલ્લામાં 98 અને વડોદરા જિલ્લામાં 89 છે. 570 ફેક્ટરીઓમાં ખતરનાક કામો થતાં હોવાની આગોતરી જાણ હોવા છતાં ત્યાં દુર્ઘટનાઓ બને છે. ભલે કાર્લ માર્ક્સે શ્રમિકોને એક જ વર્ગના ગણાવ્યા હોય, પરંતુ વર્ગ અને વર્ણમાં વહેંચાયેલા ભારતીય સમાજમાં વ્યાવસાયિક જોખમો પણ કામદારોની સામાજિક, આર્થિક સ્થતિ જોઈને વહેંચાય છે. ઉદ્યોગોનાં જોખમોનું વિતરણ કામદારો-કર્મચારીઓમાં સમાન ધોરણે થતું નથી. એટલે રામોલ-વસ્ત્રાલની દુર્ઘટના હોય કે બીજી કોઈ તેનો ભોગ આદિવાસી, દલિત, પછાત કોમોના ગરીબ કામદારો જ બને છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટનમના સરકારી સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં હજુ ગયા મહિનાઓમાં જ
9 મજૂરોનાં મોત થયાં હતાં. ટ્રેમાં ધગધગતું પોલાદ ભરીને જતી ક્રેન તૂટી પડતાં તેનાથી દાઝેલા નવ મજૂરોનાં મોત થયાં હતાં. સ્ટીલનું નિર્માણ સહજ રીતે જ એક જોખમભર્યો ઉદ્યોગ છે. સ્ટીલના ઉત્પાદનમાં અત્યધિક તાપમાન, ભારે સાધનો, વિશાળ પ્રમાણમાં ઊર્જા અને દબાણયુક્ત ગેસ સામેલ કરવાનો હોય છે. જે દુર્ઘટના બની તેમાં ઉકળતી અને પિગળતી ધાતુનું તાપમાન 1600 ડિગ્રી સેલ્સિયસ હતું. આટલા ઊંચા તાપમાનમાં બનતી ધાતુ જેના પર પડે તેનું જીવવું મુશ્કેલ છે. ઉદ્યોગકારો આ જોખમથી પરિચિત હોય છે. વળી, તેનાથી બચવાનાં સાધનો અને પ્રક્રિયા ઉપલબ્ધ છે. છતાં દુર્ઘટના ઘટે છે તેનું કારણ બચાવ માટેનાં પગલાંનો અભાવ છે.
જૂનાં અને ઘસાતાં યંત્રો અને તેની જાળવણીમાં થતો ખર્ચ ટાળવો, વધુ નફાની લાયમાં કર્મચારીઓ-કામદારોની સંખ્યામાં ઘટાડો અને હયાત કામદારોના માથે વધુ કાર્યબોજ, કાયમીને બદલે હંગામી અને કરાર આધારિત કર્મચારીઓ પર વધતી નિર્ભરતા, સલામતી ઉપકરણો માટે નાણાંના રોકાણની કમી જેવાં કારણોથી દુર્ઘટનાઓ ઘટે છે. જોખમી અને ખતરનાક ઉદ્યોગોમાં હંગામી અને કોન્ટ્રાક્ટ પરના કામદારોને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. તેઓ રોજી જવાની બીકે જોખમી કામો સલામતી સાધનો વિના કરવા તૈયાર રહે છે અને જો દુર્ઘટના ઘટે તો માલિકને કશું વળતર આપવું પડતું નથી. આ પ્રકારનાં કારણોથી દુર્ઘટનાઓમાં વધારો થતો રહે છે. અગાઉ કહ્યું તેમ જોખમોની જાણ છે અને તેને અટકાવવાનાં સાધનો છે, પરંતુ તેનો ઉપયોગ કર્યા વિના કામ કરાવવામાં આવે છે એટલે મજૂરોનાં મોત થાય છે.
ઔદ્યોગિક દુર્ઘટનાઓ કોઈ એક જ ભૂલને કારણે ઘટતી નથી. લાંબા સમયથી આવી ભૂલો અને સલામતીનાં પગલાંના અભાવે કે તે તરફ આંખ આડા કાન કરવાની માલિકોની વૃત્તિ કે કંપનીની સંસ્થાકીય નબળાઈનું પરિણામ હોય છે. વધુ નફો મેળવવાનું વલણ અથવા આર્થિક દબાણ સહેતા ઘણા ઉદ્યોગો સલામતી માટેના રોકાણને નકામો ખર્ચ ગણે છે અને મજદૂરોને જોખમ ઉઠાવવાની ફરજ પાડે છે. આખરે તેમનાં મોત નીપજે છે કે ઘાયલ થાય છે.
કામદારો-કર્મચારીઓને જોખમ સંબંધી વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી નથી. રોજમદાર કે હંગામી કામદારોને તો પહેલા દિવસથી જ આવા કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અટકાવવા અને કામદારોની સલામતી માટે કેન્દ્ર અને રાજ્યોના કાયદાઓ મોજૂદ છે, પરંતુ તેનો અમલ કરાવનારું તંત્ર ભ્રષ્ટ છે. ઉદ્યોગોનું નિયમિત નિરીક્ષણ અને નિયમન થતું નથી. કાયમી અને હંગામી બંને કર્મચારીઓને કામનાં જોખમોથી વાકેફ કરવા જોઈએ અને બચાવની તાલીમ આપવી જોઈએ. દુર્ઘટના ઘટે ત્યારે ઉદ્યોગ પાસે કામદારોની તાત્કાલિક સારવારનું કોઈ તંત્ર કે સાધન પણ હોતું નથી. જોખમ જ્ઞાત છે અને પૂર્વાનુમાન છે તો પછી તેને અટકાવી ન શકવું તે તો માણસને મરવા મજબૂર કરવા બરાબર છે. ઉદ્યોગકારોએ એ બાબત સમજવી પડશે કે તેના કામદારોની સલામતી તે માત્ર તેની કાયદાકીય જવાબદારી જ નથી, પરંતુ સલામતીને સંસ્થાનું મૂળભૂત મૂલ્ય બનાવવું જોઈએ. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં માલિકનાં માતા પણ ઈજાગ્રસ્ત થયાં છે. તેમ દુર્ઘટનાનો કોણ ભોગ બનશે તે નક્કી હોતું નથી. માલિક દુર્ઘટનાથી કાયમ બાકાત હોય તેમ ન પણ બને. એટલે પોતાના કામદારોની અને સાથે સાથે ખુદની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષાનાં પગલાં લેવાવાં જોઈએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો