દિવસ જાહેર કરવામાં શું જાય છે, કોણ માને છે, કોણ કરે છે અથવા કોણ કરશે? પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેને પરમાણુ શસ્ત્રો નાબૂદી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ, જે દર વર્ષે 26 સપ્ટેમ્બરે યોજવામાં આવે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ શસ્ત્રોથી સજ્જ નાઝી જર્મનીની સંભાવના જોતાં યુનાઇટેડ સ્ટેટ્સે પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા. મેનહટન પ્રોજેક્ટ તરીકે ઓળખાતા યુએસ કાર્યક્રમે જુલાઈ 1945માં પ્રથમ પરમાણુ બોમ્બનું ઉત્પાદન કર્યું. યુએસ રાજ્ય ન્યૂ મેક્સિકોમાં પરમાણુ બોમ્બના પ્રથમ પરીક્ષણના માત્ર ત્રણ અઠવાડિયા પછી જાપાનના હિરોશિમા પર યુરેનિયમ આધારિત પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો. ત્રણ દિવસ પછી નાગાસાકી પર બીજો પ્લુટોનિયમ આધારિત બોમ્બ ફેંકવામાં આવ્યો. 1949 જ્યારે સોવિયેત યુનિયને કઝાકિસ્તાનના દૂરના વિસ્તારમાં તેના પ્રથમ પરમાણુ બોમ્બ કોડ-નેમ ફર્સ્ટ લાઈટનિંગનું પરીક્ષણ કર્યું, ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ એકમાત્ર પરમાણુ શક્તિ રહ્યું. મેનહટન પ્રોજેક્ટમાં સામેલ જર્મનમાં જન્મેલા બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી ક્લાઉસ ફુચ્સને પાછળથી સોવિયેત સરકારને પરમાણુ બોમ્બના સિદ્ધાંત અને ડિઝાઇન અંગે ગુપ્ત માહિતી આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
શીતયુદ્ધ દરમિયાન બંને દેશોની તીવ્ર સ્પર્ધાએ ખુદને વધુ શક્તિશાળી થર્મોન્યુક્લિયર બોમ્બ (જેને હાઇડ્રોજન બોમ્બ અથવા H-બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે) વિકસાવવા અને પરમાણુ શસ્ત્રોના સ્ટોકને વધારવા તરફ દોરી ગયા. આ સ્પર્ધાની ચરમસીમાએ, યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન પાસે મળીને હજારો પરમાણુ શસ્ત્રો નિર્માણ થયાં, જે પૃથ્વી પરના તમામ જીવનનો અનેક વખત નાશ કરવા માટે પૂરતાં છે.
1957માં એટોમ્સ ફોર પીસ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ની રચના તરફ દોરી ગયો, જે પરમાણુ ટેક્નોલોજીના સલામત અને શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે. પરમાણુ યુદ્ધના વધતા જોખમના પ્રતિભાવમાં 1968માં યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન, યુનાઇટેડ કિંગ્ડમ, ફ્રાન્સ અને ચીન દ્વારા પરમાણુ શસ્ત્રોના અપ્રસાર પર સંધિ અથવા પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પૂર્ણ કરવામાં આવી અને IAEA નિયમોનું પાલન ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
NPTના ઉદ્દેશો બે હતા; પરમાણુ ટેક્નોલોજીના શાંતિપૂર્ણ ઉપયોગના વિકાસમાં અવરોધ ઊભો કર્યા વિના પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવો અને વૈશ્વિક નિઃશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું. જોકે, આ બે ઉદ્દેશો હાંસલ કરવા મુશ્કેલ સાબિત થયા, કારણ કે બિનલશ્કરી પરમાણુ ટેક્નોલોજી ક્યારેક લશ્કરી ઉપયોગ તરફ દોરી શકે છે અને પરમાણુ શસ્ત્રો હુમલા સામે એક શક્તિશાળી અવરોધ પૂરો પાડતો હતો, જેને પરમાણુ સશસ્ત્ર રાજ્યો છોડવા માટે અનિચ્છા ધરાવતાં હતાં.
પરમાણુ શસ્ત્રોના નાબૂદીનો દિવસ સફળ નથી, કારણ કે પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે અને તેઓ નિઃશસ્ત્રીકરણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવામાં ઊણા ઊતરે છે. તેઓ તેમના શસ્ત્રાગારને જાળવી રાખવા અને આધુનિક બનાવવાનું ચાલુ રાખે છે. મુખ્ય અવરોધોમાં અપ્રસાર સંધિઓની કથિત ભેદભાવપૂર્ણ પ્રકૃતિ, અવરોધને પ્રોત્સાહન આપતી સુરક્ષા ચિંતાઓ અને વધતા ભૂરાજકીય તણાવનો સમાવેશ થાય છે, જે પરમાણુ ઉપયોગ અને નવી શસ્ત્ર સ્પર્ધાનું જોખમ વધારે છે, જે વૈશ્વિક નિઃશસ્ત્રીકરણ પ્રયાસોને સફળતા પ્રાપ્ત કરવાથી અટકાવે છે.
ઘણા પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો તેમના પરમાણુ શસ્ત્રોને અન્ય પરમાણુ શક્તિઓ સાથેના યુદ્ધને રોકવાના સાધન તરીકે જુએ છે, જેનાથી સુરક્ષાની સમસ્યા ઊભી થાય છે. તેના કારણે એકપક્ષીય નિઃશસ્ત્રીકરણ અશક્ય બને છે. આ રાષ્ટ્રો તેમની જવાબદારીઓ પૂર્ણ કરી રહ્યાં નથી અને નવી શસ્ત્ર સ્પર્ધાઓ તેમજ લશ્કરી કવાયતો દ્વારા પરમાણુ જોખમોને પણ વધારી રહ્યાં છે. જ્યારે ચીન જેવો દગાખોર દેશ અને પાકિસ્તાન જેવું નપાવટ રાષ્ટ્ર પરમાણુ શસ્ત્રો ધરાવતું હોય ત્યારે ભારતને પરમાણુ શસ્ત્રો નાબૂદી કરવાનો વિચાર પણ ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે. જોવાની ખૂબી છે કે અગાઉ દર વર્ષે 26મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ બધિર દિન પણ ઊજવાતો હતો!