દર વર્ષે 19 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં `આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ' (International Men's Day - IMD)ની ઉજવણી કરવામાં આવે છે.

જે રીતે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે આ દિવસ પુરુષોના યોગદાન, સિદ્ધિઓ અને તેમના કલ્યાણના મુદ્દાઓને ઉજાગર કરવા માટે સમર્પિત છે

મહિલાઓને સન્માન અને સમાન અધિકારો અપાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ માત્ર મહિલા કે માત્ર પુરુષ પર નિર્ભર નથી હોતો. તેના માટે મહિલા અને પુરુષ બંનેનું મહત્ત્વ અને યોગદાન જરૂરી હોય છે. મહિલા સશક્તિકરણની દિશામાં ઘણું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પરુષોની ભલાઈ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરુકતા વધારવાની જરૂર છે. મહિલા દિવસે મહિલાઓને સન્માન આપીને આપણે ઉજવણી કરીએ છીએ, પરંતુ પુરુષ પણ આવું સન્માન ઝંખતો હોય છે. આથી જ 19 નવેમ્બરના રોજ ઈન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવામાં આવે છે. મેન્સ ડે કેમ અને ક્યારથી ઊજવવામાં આવે છે તે ન જણતા હો તો જાણી લો.

આંતરરાષ્ટ્રીય મેન્સ ડેનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મેન્સ ડે મનાવવાની માંગ તો ઈ.સ. 1923થી ઊઠી હતી. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણીનો ઇતિહાસ 1990ના દાયકામાં જોવા મળે છે. ફેબ્રુઆરી, 1992માં થોમસ ઓસ્ટરે આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, તેની સત્તાવાર શરૂઆત 19 નવેમ્બર, 1999ના રોજ ત્રિનિદાદ અને ટોબેગોમાં ડો. જેરોમ તિલકસિંહ દ્વારા કરવામાં આવી હતી. ડો. તિલકસિંહના પિતાનો જન્મદિવસ હોવાથી તેમણે આ તારીખની પસંદગી કરી હતી અને આ દિવસનો હેતુ સમાજમાં પુરુષોના સકારાત્મક યોગદાનને સન્માન આપવાનો હતો. ત્યારથી 80થી વધુ દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેને યુનેસ્કોનું પણ સમર્થન મળ્યું છે. ભારતમાં વર્ષ 2007થી તેની ઉજવણી કરવામાં આવે છે.

મેન્સ ડે કેમ મનાવવામાં આવે છે?

મેન્સ ડે મનાવવા પાછળનો ઉદ્દેશ્ય સમાજ અને પરિવારમાં પુરુષોના અમૂલ્ય યોદગાન પ્રત્યે સન્માન દર્શાવવાનો અને તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે વાત કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો, પુરુષો જે પડકારોનો સામનો કરે છે તેના પર પ્રકાશ પાડવા તથા તેમના અધિકારો અને સન્માન અંગે જાગરુકતા વધારવાનો છે.

`મેન્સ ડે'નું મહત્ત્વ : ઇન્ટરનેશનલ મેન્સ ડેન ઉજવવાની અલગ અલગ થીમ હોય છે. વર્ષ 2024ની થીમ પોઝિટિવ મેલ રોલ મોડલ હતી અને 2025ની થીમ `સેલિબ્રેટિંગ મેન એન્ડ બોય્સ' છે. જોકે, દરેક થીમ પુરુષોના સન્માન અને સ્વાસ્થ્યને મહત્ત્વ આપે છે. વાસ્તવમાં પુરુષોમાં માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે તણાવ, અવસાદ અને આત્મહત્યા વગેરે મહિલાઓની તુલનામાં થોડી વધારે જોવા મળી છે. આમ છતાં પુરુષોની ભાવનાઓને વધારે મજબૂત માનીને ખાસ ધ્યાન અપાતું નથી. આજે બેશક આપણે આધુનિક દુનિયામાં જીવી રહ્યા છીએ, પરંતુ સમાજમાં એ ધારણ આજે પણ જોવા મળે છે કે એક `મજબૂત પુરુષ' નબળો ન દેખાવો જોઈએ કે પછી તેણે તેની ભાવનાઓને છુપાવી રાખવી જોઈએ. મેન્સ ડે પુરુષો પ્રત્યેના આવા વિચારને બદલવાનો પ્રયત્ન કરે છે જેથી પુરુષો પોતાની લાગણીઓને ખુલ્લા મને વ્યક્ત કરી શકે. પુરુષ પોતાની માનસિક અને શારીરિક મુશ્કેલીઓને દુનિયાની સામે રાખી શકે.

મેન્સ ડેના મુખ્ય છ પાયા

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી 6 મુખ્ય સ્તંભો પર આધારિત છે, જે તેના ઉદ્દેશોને સ્પષ્ટ કરે છે –સકારાત્મક ભૂમિકા મોડેલને પ્રોત્સાહન : માત્ર ફિલ્મ સ્ટાર્સ કે ખેલાડીઓ જ નહીં, પણ રોજબરોજ જીવનમાં પ્રમાણિકતાથી જીવતા સામાન્ય પુરુષોને સન્માન આપવું.

સમાજ, પરિવાર અને સમુદાયમાં પુરુષોના યોગદાનની ઉજવણી : પિતા, પતિ, મિત્ર, શિક્ષક અને કાર્યકર તરીકે પુરુષોના સકારાત્મક યોગદાનને સ્વીકારવું.

પુરુષોના સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું : પુરુષોના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવી.

ભેદભાવ દૂર કરવો : પુરુષો સામે થતા ભેદભાવ, ખાસ કરીને કાયદાકીય પ્રણાલીઓ, સામાજિક અપેક્ષાઓ અને સેવાઓમાં થતી અસમાનતાને દૂર કરવી.

સંબંધોને સુધારવા અને લિંગ સમાનતા (જેન્ડર ઇક્વાલિટી)ને પ્રોત્સાહન આપવું.

સુરક્ષિત અને સારું વિશ્વ બનાવવું : એક એવો સમાજ બનાવવો જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે વિકાસ કરી શકે.