કોઈના કાચાપોચા કાનના પડદા તોડી નાખે એવો કર્કશ અને કડપીલો સાદ કાનજી ભગતને હાડોહાડ સંભળાયો હતો: `એલા, આ વાડી-ખેતરનો માલિક કોણ છે? જા એમને ઝટ બોલાવતો આવ્ય.'
ફાગણનો વાયુ, નરાળવી સીમ માથે હળવા હાથે વીંઝણો વીંઝી રહ્યો હતો. રવિપાકના સંકેલા પછી સાવ ખાલી ને ઉઘાડી થયેલી ધરા હવે તો આકાશમાંથી મેહુલિયો અમીછાંટણા કરે તે વાટ જોવામાં હતી.
ખેતરના શેઢાને સમારી રહેલા કાનજી ભગતે, કોદાળીના હાથાનો ટેકો લઇ, ઊંચે ઉપાડીને જોયું હતું. ત્યાં રોડ-રસ્તાના કાંઠે ઊભો કોઈ અમલદાર જેવો માણસ સાદ પાડીને કહી રહ્યો હતો. એક બાજુ ગાડી પણ ઊભી હતી, તેથી કોઈ સરકારી માણસ હોવાનો અંદાજ આવી ગયો હતો. કામ પડતું મૂકી ભગત તે તરફ ગયા હતા. ત્યાં ફરી બડકમદાર અવાજ કાન સોંસરવો નીકળી ગયો હતો: `હું કહું છું એ સંભળાતું નથી, આ વાડી-ખેતરનો માલિક કોણ છે?' ભગતને સૂરજના તાપ કરતાં આ આદેશ કરનાર અમલદારનો તાપ વધારે અકળાવનારો લાગ્યો, પણ ભગતે અકળાયા વગર અડગ રહી ઊંચા હાથ કર્યા હતા: `માલિક તો બાપા ઉપર વાળો છે, આપણે તો એના છોરું ને ચાકર છીએ.'
કોઈ આધાર વગરનો આવો ઉડતાળિયો જવાબ સાંભળી અમલદાર વધારે અકળાયો હતો. ગુસ્સે પણ થયો હતો. પછી તે પગ પછાડતો નજીક આવ્યો હતો અને સિલકમાં હોય એટલી કડકાઇ દાખવીને ફરી તાડૂક્યો હતો: `હું કહું છું એ સંભળાતું નથી?' અને ભગતે ફરીવાર એ જ મુદ્રામાં હાથ અધ્ધર કર્યા હતા.
આ દરમ્યાન ગાડીનો ડ્રાઈવર હોય એવો માણસ ઝડપથી ભગતના સામે આવીને ઊભો રહ્યો હતો. પછી સલૂકાઈથી બોલ્યો હતો: `જિલ્લાના મોટાસાહેબ છે, ગામ-સીમની તપાસ માટે નીકળ્યા છે.'
જમાનાના ખાધેલ ભગત બેઉ સામે વારાફરતી જોઈને પામી ગયા હતા: `તમે તપાસવા નહીં પણ ખિસ્સાં ભરવા નીકળ્યા છો.' ભગતની જીભે આવી ગયું હતું: `બનાવટ કરવાની રે'વા દે, મારાવાલા. ઉપરવાળાથી કંઈ અજાણ્યું નથી રે'તું.'
ઘડીભર અમલદાર જેવા માણસનું બોલવું અટકી ગયું હતું. તેમનો મૂળ ઈરાદો ભગત પાસે પહોંચી ગયો હતો, તેથી વધારે રોફ છાંટવા જેવું રહ્યું નહોતું, પણ ત્યાં ભગત બોલ્યા હતા: `એ જે તપાસવું હોય એ તપાસી લ્યો, વાડી-ખેતર ખુલ્લાં છે, ક્યાંય તાળું વાસ્યું નથી!' પછી ઉમેર્યું હતું: `ગામમાં ઘર પણ ખુલ્લું છે.'
ભગતનું કહેવું વધારે પડતું લાગ્યું ને વાગ્યું પણ હતું, તેથી અમલદાર કોઈ એવો ડારો-ડફારો કરવા જાય ત્યાં જે પહેલાં સાથેના માણસે તેમના સામે જોઈ, શાનમાં સમજાવી વાત વાળી લીધી હતી અને વાડનો કાંટો પણ ન સાંભળે એમ ભગતને કાનમાં કહી દીધું હતું: `ખિસ્સામાં જે હોય એ આપી દ્યો, આ સાહેબ તો પાણીમાંથી પોરા કાઢે એવા છે ને કોઈને છોડતા નથી.' ભગત સ્થિરભાવે સાંભળતા રહ્યા હતા. પછી આગ્રહ કર્યો હતો: `ચા-પાણી પીવા હોય તો બેહો, બનાવી દવ.' ત્યાં પેલો બોલી ગયો હતો: `ના, અમારે નીકળી જાવું છે.' ત્યાં ભગતે સાવ સાચું કહી દીધું હતું: `ભાઈ, હંધાયને આંયાથી નીકળી જ જાવાનું છે, રોકાવાનું કોઈને નથી.' પણ સાથેના માણસે ઈશારો કર્યો હતો ત્યાં ભગતે ભોળાભાવે જણાવી દીધું હતું: `મારે તો પેરણમાં ખિસ્સું જ નથી.'
ડ્રાઈવર અને અમલદારે એકબીજા સામે જોઈ સમજી લીધું હતું: આ તલમાં તેલ નીકળે એવું નથી.
`આવ્યા છો તે ચા-પાણી પીતા જાવ.' કહી ભગતે વાડી બાજુ પગ ઉપાડ્યા હતા. આમ તો તપાસ નામે ખાલી ડીંડક જ હતું, જે મળે તે સવેળા ખંખેરી લેવા હતા. એટલે પાછળ ચાલતા આવ્યા હતા.
ભગતે મંગાળા માંડી રગડા જેવી ચા પકાવી, અડાળી ભરી પીવડાવી હતી. પછી માથે કહ્યું હતું: `થોડીવાર ખમી જાવ તો હમણાં ભાત આવશે, બપોરા કરીને જાજ્યો.' ભગત સામે જોઈ ડ્રાઈવરે કોરા મમરા માફક મરમ વેર્યો હતો: `પેટ નહીં, ખિસ્સાં ભરવાનું કરો.' ભગત દયાભાવે તેને જોતા રહ્યા હતા.
વાડીના ઝાડ પર બેઠેલાં પક્ષીઓ કલબલાટ કરવા લાગ્યાં હતાં. તે સાંભળી ભગતે જણાવ્યું હતું: `કોઈ ઝેરી જનાવર આવી ગયું લાગે છે, નકર પંખીડાં આવો કકળાટ નો કરે!' આવું સાંભળી બેઉના મોં પર સ્યાહીનો ખડિયો ઊંધો વળી ગયો હોય એમ કાળાં ઠણક થઇ ગયાં હતાં.
ભગતે ઉભડક પગે બેઠક લઇ પૂછ્યું હતું: `હે સાહેબો, તપાસ કરવા નીકળો એટલે લોકો ખિસ્સાં ભરી દેતા હશેને.' સામે ડ્રાઈવરને ચાનક ચઢી હતી: `હા હા એમાં છૂટકો જ નથી.' ત્યાં અબોલ રહેલા સાહેબથી સહેવાયું નહોતું: `ખિસ્સું રાખતા જાવ, નહિતર અંટાઈ જાશો.'
પછી ભગતે પૂછ્યું હતું: `તમે કોઈ દી' તમારા ઘરે તપાસ કરી છે? આ ભરેલાં ખિસ્સાં કોણ ખાલી કરે છે ને રૂપિયા ક્યાં વાપરે છે?' આ સવાલે સન્નાટો છવાઈ ગયો હતો. કંઈ બોલવા જેવું રહ્યું નહોતું. પછી બેઉ ઊભા થઇ વીલા મોંએ ને ઢીલા પગે ચાલવા લાગ્યા હતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
