મધ્ય પૂર્વમાં સતત વકરી રહેલા ભૂ-રાજકીય સંઘર્ષ અને સંભવિત યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનની અર્થવ્યવસ્થા અત્યંત ગંભીર સંકટમાં સપડાઈ છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) અને વિશ્વ બેંકના અહેવાલો મુજબ, યુદ્ધ પાછળ થતો અંધાધૂંધ લશ્કરી ખર્ચ અને પશ્ચિમી દેશોના આકરા આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાનનો ફુગાવો 40%થી વધુની સપાટીએ પહોંચી ગયો છે. દેશનું ચલણ `રિયાલ' ઐતિહાસિક નીચલા સ્તરે ગગડી જતાં સ્થાનિક બજારોમાં ખાદ્યપદાર્થો, દવાઓ અને ઈંધણના ભાવ આસમાને છે. ક્રૂડ ઓઈલની નિકાસ પર નિર્ભર ઈરાનની સત્તાવાર તિજોરી ખાલી થઈ રહી છે, જ્યારે સરકારી ખાધ જીડીપીના 5%ને વટાવી ચૂકી છે. તેલ ઉત્પાદન માળખા અને રિફાઈનરીઓ પર હુમલાના જોખમે વિદેશી હૂંડિયામણની આવક પર બ્રેક મારી દીધી છે. સામાન્ય ઈરાની નાગરિકો માટે બે ટંકનું ભોજન મેળવવું મુશ્કેલ બનતાં દેશમાં બેરોજગારી અને જનઆક્રોશ ચરમસીમાએ છે. યુદ્ધની આ આર્થિક કિંમત તેહરાન માટે લાંબા ગાળાની અસ્થિરતાનું મોટું કારણ બની રહી છે.
હિમાલય સરહદે કૂટનીતિનો નવો અધ્યાય અરુણાચલમાં ભારત-ચીન કોર્પ્સ વાર્તાલાપ
લદાખ બાદ હવે પૂર્વીય મોરચે તણાવ ઘટાડવા ભારત અને ચીન વચ્ચે પ્રથમ વખત અરુણાચલ પ્રદેશના વાચા-દામાઈ ખાતે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ છે. અપર સુબાનસિરી જિલ્લાના ટાકસિંગ સેક્ટરમાં ચીની સૈન્યની વધતી ગતિવિધિઓ વચ્ચે બંને દેશોએ સરહદી વિવાદને સંવાદ દ્વારા ઉકેલવા પર ભાર મૂક્યો છે. ચીન અરુણાચલ પ્રદેશને `દક્ષિણ તિબેટ' ગણાવીને નામો બદલવાની રણનીતિ અજમાવી રહ્યું છે, જેની સામે ભારતે પોતાના સત્તાવાર નકશામાં 27 સ્થળોને સુદૃઢ ઓળખ આપી જડબાતોડ જવાબ આપ્યો છે. સિલિગુડી કોરિડોર અને તવાંગની સંવેદનશીલતાને ધ્યાને રાખી ભારતે રફાલ, બ્રહ્મોસ અને એસ-400 મિસાઇલ સિસ્ટમ સરહદે તૈનાત કરી છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અને અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે દ્વારા સરહદી ગામડાંઓ તેમજ લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. નિયંત્રણ રેખા (LAC) પર 1993 અને 1996ના શાંતિ પ્રોટોકોલ જાળવી રાખીને ડિટરેન્સ મજબૂત બનાવવાની ભારતની આ સંતુલિત અને આક્રમક રણનીતિ છે.
હિમાલય પ્રલય : નેપાળે વિશ્વ સમક્ષ `ક્લાઇમેટ જસ્ટિસ' અને વળતરની માંગ કરી
હિમાલયન ક્ષેત્રમાં સર્જાયેલા હિમસ્ખલન અને પૂર હોનારતે નેપાળની 10% જેટલી હાઇડ્રો પાવર ક્ષમતા નષ્ટ કરી નાખતાં વૈશ્વિક સ્તરે પર્યાવરણીય જવાબદારી અંગે નવો વિવાદ છેડાયો છે. વૈશ્વિક ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જનમાં માત્ર 0.1% યોગદાન આપવા છતાં હિમાલય ક્ષેત્ર ગ્લોબલ એવરેજ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યું છે. કુદરતી હોનારતથી 4થી 7 અબજ ડોલરનું નુકસાન સહન કરનાર નેપાળે અમેરિકા, ચીન અને ભારત જેવા અગ્રણી ઉત્સર્જક દેશો પાસેથી `ક્લાઇમેટ કમ્પેન્સેશન'ની માંગણી કરી છે. જોકે, પેરિસ કરારની કલમ 8 કાનૂની વળતરની જોગવાઈ આપતી નથી, જેથી આ માંગ આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાસ્પદ બની છે. ભારત માટે આ મુદ્દો પર્યાવરણીય તેમજ પાવર-ટ્રેડિંગની દૃષ્ટિએ સીધો સ્પર્શે છે, કારણ કે હિમાલયનું જળસંકટ ગંગાના મેદાની વિસ્તારોની જળ સુરક્ષા પર પણ અસર કરે છે. આ પડકાર સામે લડવા દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે ટ્રાન્સબાઉન્ડ્રી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ડિઝાસ્ટર રિસ્ક પુલિંગ અનિવાર્ય બન્યું છે.
દેશના ખૂણે-ખૂણેથી વૈશ્વિક વેપાર : 770 જિલ્લાઓ બન્યા નિકાસના નવા ગ્રોથ એન્જિન
ભારતને 1 ટ્રિલિયન ડોલરના એક્સપોર્ટ ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે `ડિસ્ટ્રિક્ટ્સ એઝ એક્સપોર્ટ હબ્સ’' (DEH) અભિયાનને દેશવ્યાપી વેગ આપ્યો છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) યોજનાના આધારે વિસ્તૃત થયેલા આ મિશન હેઠળ 770થી વધુ જિલ્લાઓને સીધા આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 590 જિલ્લાઓમાં એક્સપોર્ટ એક્શન પ્લાન ઘડાયા છે, જેમાંથી 249 જિલ્લાઓમાં તેનું સત્તાવાર અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે. જીઆઈ ટેગ ધરાવતી ચીજો, સ્થાનિક હેન્ડીક્રાફ્ટ, ટેક્સટાઇલ અને કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક ગુણવત્તાના માપદંડ મુજબ પેકેજિંગ અને પ્રમાણીકરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. નાના કારીગરો અને MSME સેક્ટર સીધું ઈ-કોમર્સ અને ડાકઘર નિકાસ કેન્દ્રો મારફત વિદેશમાં માલ મોકલી શકે તેવી લોજિસ્ટિક વ્યવસ્થા ગોઠવાઈ છે. એક્ઝિમ બેંકની GRID પહેલ સાથે મળીને નાનાં શહેરોમાંથી નિકાસકારોની નવી પેઢી તૈયાર કરવામાં આવી રહી છે, જેનાથી ગ્રામીણ અને અર્ધશહેરી અર્થતંત્રમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો