બોર્ડર ફિલ્મમાં બે સીન આવે છે. એક સીનમાં મેજર કુલદીપ સિંહ પોતાના જવાનોને કહે છે કે, `જવાનો, દુશ્મન સામને ખડા હૈ. હમ 120 હૈ ઔર ઉનકે પાસ પૂરી ટેન્ક રેજિમેન્ટ હૈ'. પછી બીજો એક સીન આવે છે.

જેમાં પાકિસ્તાન સેનાનો અફસર કહે છે કે, `લગતા હૈ હમારી ખુફિયા જાનકારી ગલત થી. યહાં 120 આદમિયોં કી કંપની નહીં, 600 આદમિયોં કી પૂરી બટાલિયન હૈ.' આ બંને સીન જોઈને એક વિચાર જરૂર આવે કે કંપની અને બટાલિયનમાં મુખ્ય ફરક શું? આ સિવાય પણ તમે સૈન્યમાં સેક્શન, પ્લાટૂન, કંપની, બટાલિયન વગેરે શબ્દો સાંભળ્યા હશે, પરંતુ તે બધામાં ફરક શું હોય છે? આ બધાની કમાન કોની પાસે એટલે કે કઈ રેન્કના અફસર પાસે હોય છે? ભારતીય હોવાના નાતે જાણકારી માટે તથા સૈન્યમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા હો તો પણ તમારે ભારતીય સૈન્યના સ્ટ્રક્ચર વિશે ચોક્કસ જાણવું જોઈએ.

સેક્શન

સેક્શન ભારતીય સૈન્યનું સૌથી નાનું લડાકુ યુનિટ છે, જેમાં આશરે 10 સૈનિક હોય છે. આ ટીમ સીધી ફિલ્ડમાં પેટ્રોલિંગ, સીમાવર્તી વિસ્તારોમાં ચોકી, નાના સ્તર પર દુશ્મનની ગતિવિધિઓ પર દેખરેખ રાખવી અને ત્વરિત કાર્યવાહી જેવાં ઓપરેશન્સ સંભાળે છે. સેક્શનનું નેતૃત્વ એક નોન કમિશન્ડ ઓફિસર (NCO) કરે છે, જે સામાન્ય રીતે હવાલદાર અથવા નાયક રેન્કના હોય છે. સેક્શનમાં દરેક સૈનિકનું કાર્ય કે ભૂમિકા નક્કી હોય છે. જેમ કે, રાઈફલમેન, લાઈટ મશીન ગનર, ગ્રેનેડિયર વગેરે. યુદ્ધ દરમિયાન સૌથી ઝડપથી મૂવ કરાવનારું યુનિટ આ હોય છે અને આ જ સ્તરે વાસ્તવિક મુકાબલો શરૂ થાય છે.

પ્લાટૂન

પ્લાટૂન ત્રણ સેક્શન મળીને બને છે, જેમાં કુલ 30-35 સૈનિકોનો સમાવેશ થાય છે. આ સેક્શનની તુલનામાં મોટું અને વધારે સંગઠિત ઢાંચાવાળું યુનિટ છે. કોઈ જગ્યાએ પેટ્રોલિંગ, સુરક્ષા અને સીમાડાનાં ઓપરેશનોમાં પ્લાટૂનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેનું નેતૃત્વ એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) કરે છે, જે સામાન્ય રીતે સૂબેદાર અથવા નાયબ સૂબેદાર રેન્કના હોય છે. પ્લાટૂન કમાન્ડરની સાથે એક પલાટૂન હવાલદાર મેજર (PHM) પણ હોય છે, જે અનુશાસન અને યોજનામાં સહયોગ કરે છે. મોટાં ઓપરેશનોમાં પ્લાટૂન નાનાં-નાનાં ગ્રૂપ બનાવીને આગળ વધે છે અને સ્વતંત્ર રીતે ત્વરિત કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે.

કંપની

કંપની ભારતીય સેનાનું મહત્ત્વનું યુનિટ છે, જે ત્રણ પ્લાટૂન અને તેના સપોર્ટ સ્ટાફને મળીને બને છે. આમાં લગભગ 120-150 સૈનિકો હોય છે. તેનું નેતૃત્વ એક મેજર અથવા ક્યારેક ક્યારેક કેપ્ટન કરે છે, જેને કંપની કમાન્ડર કહેવામાં આવે છે. કંપની લેવલ પર થનારા ઓપરેશન્સમાં ગામ, ચોકી, પોસ્ટ અથવા રણનીતિક સ્થાનો પર પોતાનો કબજો રાખવો અને તેની રક્ષા કરવાનો સમાવેશ થાય છે. કંપનીની પાસે પોતાની કમ્યુનિકેશન સિસ્ટમ, હથિયાર, મેડિકલ અને સપોર્ટ ટીમો હોય છે. યુદ્ધમાં આ એક મજબૂત યુનિટ હોય છે, જે પ્લાટૂનની તુલનામાં મોટાં-મોટાં મિશનો પણ પૂરાં કરી શકે છે.

બટાલિયન

બટાલિયન ઇન્ફન્ટ્રી (પાયદળ)નું સૌથી મહત્ત્વપૂર્ણ યુનિટ હોય છે, જેમાં આશરે 800-900 સૈનિકોનો સમાવેશ થાય છે. તેની કમાન એક લેફ્ટનન્ટ કર્નલ રેન્કથી ઉપરના અફસરના હાથમાં હોય છે, જેને કમાન્ડિંગ ઓફિસર (સીઓ) કહેવામાં આવે છે. બટાલિયન અંતર્ગત ઘણી કંપનીઓ હોય છે. બટાલિયનમાં આ સિવાય સિગ્નલ, મેડિકલ, લોજિસ્ટિક્સ, મોર્ટાર પ્લાટૂન અને પ્રશાસનિક ટીમો જેવા સપોર્ટ યુનિટ પણ હોય છે. બટાલિયન એક મહત્ત્વપૂર્ણ યુનિટ છે, જે સ્વતંત્ર રીતે કોઈ સેક્ટરની સુરક્ષાની જવાબદારી સંભાળી શકે છે. સીમા પર પોસ્ટિંગ, આતંકવાદ વિરોધી ઓપરેશન, યુદ્ધ અને પ્રાકૃતિક આફતોમાં રાહત કાર્ય માટે બટાલિયનની ભૂમિકા મુખ્ય હોય છે. (ક્રમશઃ)

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો