માનવ જન્મતાંની સાથે જ ઇચ્છાઓની ઘૂંસરી લઇને આવે છે. જેમ જેમ એનું જીવન વિકસતું જાય એમ એમ એની ભૌતિક વસ્તુઓને પામવાની ઇચ્છા વધતી જ જાય.

ઇમરજન્સી અને સિક્યોરિટી માટે જેટલું જોઇએ એનાથી દસ ગણી વસ્તુઓ એ એના ઘરમાં અને મનમાં ખડકી દે છે અને પછી શરૂ થાય છે વધુ ને વધુ પામવાની, બીજાથી ચઢિયાતા દેખાવાની, પોતાની સત્તા અને સંપત્તિનું પ્રદર્શન કરવાની અને એમાંથી માનસિક શાંતિને અલવિદા કરવાની એક વણથંભી હારમાળા. આ હારમાળાને બ્રેક કરે છે મિનિમલિસ્ટ લાઇફ સ્ટાઇલ. એનો મતલબ છે ઓછી વસ્તુ, ઓછો ખર્ચ, ઓછું કામ, ઓછો બોજ અને આરામદાયક શાંતિપૂર્ણ જીવન. આ જીવનશૈલી આપણને જિંદગીમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું શીખવે છે. જેનાથી અવ્યવસ્થા ઓછી સર્જાય અને શાંતિ મળે. આ અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ છોડીને સંબંધો, જ્ઞાન અને કશીક અર્થપૂર્ણ પ્રવૃત્તિ પાછળ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. મિનિલિઝમનો અર્થ માત્ર ભૌતિક વસ્તુઓથી જ સંબંધ નથી રાખતો, પરંતુ સમય, વિચાર અને શક્તિનો પણ સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે.

આમ જુઓ તો મર્યાદિત વસ્તુઓની વાત ગૌતમ બુદ્ધના મધ્યમમાર્ગ, મહાવીરના અપરિગ્રહ, તાઓનું સાધારણ જીવન, યુનાનીઓનું સેનિકા અને હિંદુ ધર્મનો `તેન ત્યક્તેન ભુંજીથા' જેવા સિદ્ધાંતો આ જ વાતને દર્શાવે છે, પરંતુ જેમ જેમ વિકાસની શોધ થતી ગઇ, ઉપભોક્તાવાદ અને હરીફાઇને વેગ મળ્યો ત્યારથી આપણે દરેક વસ્તુ માટે ગ્રીડી બન્યા, પરંતુ 21મી સદીની શરૂઆતથી જ સોશિયલ મીડિયાને કારણે લોકો પર બીજાથી અધિક સુંદર, સફળ, ધનવાન, યુનિક અને વધારે વસ્તુના ઉપભોક્તા હોવાનું પીઅર પ્રેશર આવ્યું. એના કારણે કબાટો કપડાંથી ઉભરાવા લાગ્યાં. ઘરમાં મ્યુઝિયમ જેટલી વસ્તુઓ ખડકાતી ગઇ. બીજાથી સારા દેખાવા એસેસરીઝ સહિતની અઢળક વસ્તુઓનું શોપિંગ અને એમાંથી ઇર્ષ્યા-દેખાદેખી અને પ્રતિસ્પર્ધાની નકારાત્મકતા. વધુ કમાવાનું, ઇ.એમ.આઇનું અને પરિવારને ખુશ રાખવાનો સ્ટ્રેસ. કેટલાક લોકો આ દોડથી થાકી ગયા. હાંફવા માંડ્યા અને છેલ્લા દાયકામાં ન્યૂનતમ જીવનશૈલી એક લોકપ્રિય આંદોલનના સ્વરૂપમાં યુરોપ અને અમેરિકામાં પ્રચલિત બની. જોશુઆ મિલબર્ન અને રયાન નિકોડેમેસ જેવી પ્રભાવશાળી વ્યક્તિનાં પુસ્તકો અને ડોક્યુમેન્ટરીએ આ આંદોલનને વૈશ્વિક સ્તરે ફેલાવ્યું અને એની સાથે `less is more'ની ફિલોસોફી પણ પ્રચલિત બની. માણસે એટલી જ વસ્તુ રાખવી જોઇએ કે જે એને ખુશી અને શાંતિ આપે.

મિનિમલિસ્ટ લાઇફ સ્ટાઇલથી પહેલાં તો માનસિક શાંતિ મળે છે. આ લેવું, પેલુ લેવું અને એ માટે બજેટની વ્યવસ્થા, મૂકવાની અને સાચવવાની સગવડ. માણસની કેટકેટલી શાંતિ વેડફાઇ જાય. મર્યાદિત વસ્તુઓને જ જીવનમાં સ્થાન આપીએ તો ફાલતુ ખર્ચા ઘટે, એટલું વધુ કમાણીનું પ્રેશર ઘટે, બચત વધે અને પૈસાને દુનિયાને જોવામાં કે અન્ય કોઇ પરોપકાર જેવા મીનિંગફુલ કાર્યમાં ખર્ચી આત્મસંતોષ મેળવી શકાય. આપણે ત્યાં તો એટલી બધું વસ્તુઓ હોય છે કે એને સાચવવામાં સમય બરબાદ થઇ જાય. અગર સમયની છત હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ જોડે વધારે સમય પસાર કરાય, સંબંધોને મજબૂત બનાવાય.

આપણી જરૂરિયાત જેટલી વધારે એટલાં કુદરતી સંસાધનોનો ઉપયોગ વધારે. વળી, અનેક વસ્તુઓ દ્વારા આપણે પ્રદૂષણ ફેલાવીએ છીએ. માત્ર 1 જીન્સ બનાવવા 100થી વધુ ગેલન પાણી વપરાય છે. તો આપણું ગ્રીડીપણું પર્યાવરણને કેટલું નુકસાન કરતું હશે? ઓછી જરૂરિયાતો પર્યાવરણને બચાવવા મદદરૂપ થશે, પરંતુ આપણે ત્યાં બ્રાન્ડેડ કપડાંની અપેક્ષા છે. લગ્ન અને ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં `નો રિપીટ' અને `યુનિક'ની થિયરી ચાલે છે. એટલે સિમ્પલ અને વારંવાર કપડાં રિપીટ વ્યક્તિને લોકો વિચિત્ર નજરે જુએ છે. વળી, કેટલાક લોકોને વસ્તુઓ સાથે એટલું બધું ઇમોશનલ અટેચમેન્ટ હોય છે કે તેઓ એ કાઢવાને બદલે સંગ્રહ કરે છે. એકથી વધારે ઘર, ગાડી, બંગલા આનંદ કરતા તણાવ વધારે છે. એટલે ઓછી જરૂરિયાતનો આ વિચાર પશ્ચિમમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે.

દેખાવ અને ફાલતું ખર્ચથી થતા નુકસાનને કારણે લોકો હવે સમજવા માંડ્યા છે કે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવો એ સમય અને ધનની બરબાદી છે. આજકાલ લોકો સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફ આગળ વધી રહ્યા છે. મોંઘી અને આકર્ષક વસ્તુઓને બદલે સાદગીપૂર્ણ જીવન જીવવા માટે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એવી ખબરો પણ સાંભળવા મળે છે કે મેટ્રો સિટીનાં લાખોનાં પેકેજને છોડીને ગામડામાં ઓર્ગેનિક ખેતી કરે છે કે સ્કૂલ ચલાવે છે. રાધિકા મર્ચન્ટ અને આલિયા ભટ્ટ જ્યારથી પોતાની સાડીઓ રિપીટ કરતી થઇ છે ત્યારથી ઘણી હાઇપ્રોફાઇલ સ્ત્રીઓએ `નો રિપીટ થિયરી'ને બેદખલ કરી દીધી છે.