મહેન્દ્રભાઈએ એમના દીકરા મહેશ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેઓ એમના દીકરાનો બધો ખર્ચો આપશે એવું જણાવીને પ્રવેશ મેળવ્યો અને મહેશે પણ એવું દર્શાવીને `એફ-1' સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવ્યા, પણ અમેરિકામાં દાખલ થયા બાદ મહેશે એમના કાકા જ્યાં રહેતા હતા એ શહેરમાં આવેલ એક કમ્યુનિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને સ્ટેનફોર્ડમાંથી ટ્રાન્સફર કરાવીને એ કમ્યુનિટી કોલેજમાં ભણવા ગયો.

આટલું જ નહીં, પણ મહેન્દ્રભાઈએ એના દીકરા માટે જે ભણવાનો ખર્ચો, રહેવા-ખાવાનો ખર્ચો આવતો હતો એ સઘળો એના અમેરિકન સિટીઝન ભાઈને કરવાનું કહ્યું અને જણાવ્યું કે તેઓ જ્યારે ઈન્ડિયા આવશે ત્યારે એ બધા જ ડોલરના જે એક્સચેન્જ રેટ પ્રમાણે રૂપિયા થતાં હોય એટલા રૂપિયા તેઓ એમને આપી દેશે. આને શું છેતરપિંડી ન કહેવાય? આ શું બનાવટ નહોતી? મહેન્દ્રભાઈએ તેમજ એમના પુત્ર મહેશે આવી જે ચાલબાજી કરી હતી એ શું ગેરકાયદેસર કાર્ય નહોતું?

ભૂપેનને નાનપણથી જ અમેરિકાનાં સપનાં આવતાં હતાં. અમેરિકા વિશે એણે એટલી બધી વાતો સાંભળી હતી, એટલાં બધાં ચલચિત્રો જોયાં હતાં, એટલાં બધાં પુસ્તકો વાંચ્યાં હતાં કે એને નાનપણથી જ અમેરિકા જવાની ઈચ્છા જાગી હતી. એ જેમ જેમ મોટો થતો ગયો, એની ઉંમર વધતી ગઈ કે એની અમેરિકા પ્રત્યેની ઘેલછા, એનાં અમેરિકન સપનાં વધુ ને વધુ ગાઢ બનતાં ગયાં. કમનસીબે એનું કોઈ સગુંવહાલું, માતા-પિતા, ભાઈ-બહેન અમેરિકાના સિટીઝન યા ગ્રીનકાર્ડધારક નહોતાં. ભણવામાં એ એટલો હોશિયાર નહોતો કે એને અમેરિકાની કોઈ સારી યુનિવર્સિટી પોતાને ત્યાં પ્રવેશ આપે. અંગ્રેજી ભાષા તો એને મુદ્દલે આવડતી નહોતી. અમેરિકાની યુનિવર્સિટીની મોંઘીદાટ ફી આપવાના પૈસા પણ એની પાસે નહોતા. એણે અમેરિકામાં કોઈ નોકરી આપે એમ નહોતું. વિઝા લોટરીમાં એ ભારતીય હોવાના કારણે ભાગ લઈ શકે એમ નહોતો. ભારતમાં પરિસ્થિતિ એટલી સારી છે કે એ અસાયલમની માગણી પણ કરી શકે એમ નહોતો. ગેરકાયદેસર રીતે કેનેડાની કડકડતી ઠંડીમાં કે પછી મેક્સિકોના રણમાંથી એ અમેરિકા ઘૂસવાની હિંમત ધરાવતો નહોતો. આ બધું હોવા છતાં એને અમેરિકા તો જવું જ હતું. એટલે એણે અમેરિકામાં ઘૂસવા માટેનો એક સજ્જડ રસ્તો શોધી કાઢ્યો. પિતા જોડે ઝઘડો કરીને એણે એમનાં જે ખેતરો હતાં એમાંનાં અડધાં વેચાવી નાખ્યાં અને એ રકમ એક અમેરિકન સિટીઝન યુવતીને આપીને એણે એની જોડે બનાવટી લગ્ન કર્યાં. એ લગ્નના આધારે એણે અમેરિકાના ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા. અમેરિકામાં જતાં એને બે વર્ષનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવ્યું. એ બે વર્ષ એણે તનતોડ મહેનત કરી અને એ દરમિયાન જે પૈસા કમાયો એ પેલી અમેરિકન સિટીઝન યુવતી જેની જોડે એણે બનાવટી લગ્ન કર્યાં હતાં એને આપ્યા અને એની જોડે પોતાનું ગ્રીનકાર્ડ કાયમનું કરવા માટે જોઈન્ટ એપ્લિકેશન કરવા મનાવી લીધી. સંયુક્ત અરજી કરતાં એનું બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ કાયમ કરી આપવામાં આવ્યું. ત્યારબાદ થોડા સમય પછી એણે પેલી અમેરિકન સિટીઝન યુવતી પાસેથી છૂટાછેડા મેળવી લીધા. હવે ભૂપેન અમેરિકામાં એક ગ્રીનકાર્ડધારક તરીકે છૂટથી હરેફરે છે, નોકરી કરે છે, સારું કમાય છે અને થોડા સમય બાદ ગ્રીનકાર્ડ મળેથી ત્રણ વર્ષ પૂરાં થાય એટલે અમેરિકન સિટીઝન બનાવી અરજી પણ કરશે. શું ભૂપેને આ સઘળું એનું જે અમેરિકન સપનું પૂરું કરવા માટે કર્યું હતું એ સારું હતું. સાચું હતું કે પછી એણે ગુનો કર્યો હતો?

જગતકુમારના માથે પુષ્કળ દેવું થઈ ગયું હતું. લેણદારોથી બચવા એ અમેરિકા ભાગી જવા ઈચ્છતો હતો, પણ એણે કરેલી `બી-1/બી-2' વિઝાની પાંચ-પાંચ અરજીઓ નકારવામાં આવી હતી. આખરે અસાયલમ કેમ મેળવવું એ જાણવા ગુજરાતમાં ચાલતી એક વિઝા કન્સલ્ટન્ટની કંપનીમાં એ દાખલ થયો અને એણે અમેરિકામાં ઘૂસી જઈને વિઝા કેમ મેળવવા એની જાણકારી અને તાલીમ મેળવી. એ મુજબ એણે તૈયારીઓ કરી. ખોટી ખોટી પોલીસ કમ્પ્લેન કરી, ખોટા ખોટા કાગળો લખ્યા. એને માર પડ્યો હોય અને એ માટે જે ડોક્ટરો પાસે સારવાર કરાવી હોય તેવાં તેનાં સર્ટિફિકેટો મેળવ્યાં અને પછી યેનકેન પ્રકારેણ મેક્સિકો પહોંચી જઈને, ત્યાંની બોર્ડર ચુકાવીને એક રાત્રિના અમેરિકામાં ઘૂસી ગયો. બીજા દિવસે અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરોએ એને પકડ્યો. ત્યારે એણે અસાયલમની માગણી કરી અને જે દસ્તાવેજો ભેગા કર્યા હતા, ખાસ બનાવડાવ્યા હતા એ રજૂ કર્યા. ઈમિગ્રેશન જજ પાસે ઊભો કરવામાં આવ્યો અને આ બધા દસ્તાવેજો જોતાં જજને એની માંગણીમાં તથ્ય જણાયું એટલે એમણે ઈમિગ્રેશન ઓફિસરને જગતકુમારે જે જે વાતો રજૂ કરી હતી એમાં કેટલું તથ્ય છે અને શું એ ખરેખર અમેરિકામાં આશરો મેળવવા લાયક છે એની તપાસ આદરવા કહ્યું. એ દરમિયાન જગતકુમારને રહેવાની અને ત્યાં નોકરી કરવાની પરવાનગી આપવામાં આવી. છેલ્લા દોઢ વર્ષથી જગતકુમાર અમેરિકામાં આરામથી રહે છે, નોકરી કરે છે, સારું કમાય છે.

એને ખાતરી છે કે એની અસાયલમની અરજી જરૂરથી મંજૂર થશે. ગુજરાતના એજન્ટે એને જે જે શીખવાડ્યું હતું એ સઘળું એકદમ જ સાચું લાગે એવું હતું, પણ જો કોઈ કારણસર એની અસાયલમની અરજી નકારવામાં આવે તો એ અપીલ કરી શકશે. આમ, થોડાં વર્ષો અમેરિકામાં રહી શકશે. એ દરમિયાન સારા એવા ડોલર કમાઈ શકશે.

શું જગતકુમારનું આ કૃત્ય સારું છે? કરવા જેવું છે? ગુજરાતના એજન્ટે એમને જે શીખવાડ્યું છે એ એજન્ટ સારું કાર્ય કરે છે?

આવું આવું ખોટું અનેકો ભારતીયો તેમજ વિશ્વના અન્ય દેશના લોકો અમેરિકામાં પ્રવેશવા માટે કરે છે. કદાચ આવા લોકોને કારણે જ અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોની વિરુદ્ધ છે.