30 વર્ષનો પર્વ એના ગ્રૂપમાં સૌને પ્રિય છે, કારણ કે એ ક્યારેય અકળાતો નથી. કોઇની ટીકા નથી કરતો. ધીરજ અને હકારાત્મકતાથી દરેક સ્થિતિને હેન્ડલ કરે છે.

છોકરીઓ એની દીવાની છે અને એની પ્રશંસા કરતાં સૌને કહેતી રહે છે કે ભાઇ, પર્વ જેવો `Chill' ચિલ કોઇ નહીં. આજકાલ યંગસ્ટર્સમાં ચિલ હોવું એ વિશેષ ગુણ મનાય છે. ચિલનો મતલબ છે શાંત અને સહજ હોવું. એનો અર્થ માત્ર ચૂપ રહેવું એટલો જ નથી, પરંતુ એ એક એવી માનસિક અવસ્થા છે જેમાં વ્યક્તિ જીવનની તણાવપૂર્ણ નિરાશાજનક, દુઃખદાયક કે અવાસ્તવિક કોઇ પણ સ્થિતિને ધીરજ, સ્થિરતા અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જુએ છે. હા, ચિલ વ્યક્તિ નાની-નાની વાતે ઉત્તેજિત કે પરેશાન નથી થતી. પોતાની લાગણીઓને નિયંત્રિત કરે છે અને આગળ-પાછળનું વિચાર્યા વિના પોતાનું ધ્યાન વર્તમાન પર કેન્દ્રિત કરે છે. મન શાંત રહેતું હોવાથી કોઇ પણ નિર્ણય ઉતાવળે કે ગભરાટથી લેવાને બદલે તર્ક અને વિવેકથી લેવાય છે. અનાવશ્યક વસ્તુઓને વ્યક્તિગત રૂપે ન લેતા હોવાથી તણાવ ઓછો રહે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

પોતાની શક્તિ ગુસ્સો, નફરત અને પંચાતમાં ન વેડફાતા ચિલ વ્યક્તિ સર્જનાત્મક અને અર્થપૂર્ણ કામોમાં પોતાની શક્તિ વાપરે છે. દિમાગ સ્થિર હોવાથી દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે. ચિલ વ્યક્તિ તરત પ્રતિક્રિયા ન આપતી હોવાથી સંબંધોમાં ઝઘડાઓ ઓછા થાય છે અને જ્યારે પણ કોઇ સમસ્યા આવે છે ત્યારે ચિલ વ્યક્તિ નિષ્પક્ષ અને વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવે છે. જેનાથી અસામાન્ય પરિસ્થિતિઓને પણ ઉચિત રીતે સંભાળી શકાય છે. તેઓ પોતાનાં લક્ષ્ય પ્રત્યે સર્મપિત હોવાથી લોકોનો ભરોસો પ્રાપ્ત કરી શકે છે.

પરંતુ સવાલ એ છે કે આ સ્થિતિ સહજ છે કે આરોપિત છે? અગર સહજ છે તો ભાવનાત્મક દબાણ ઊભું તો થાય છે, પરંતુ એની વધારે નકારાત્મક અસર નથી પડતી. આમ તો શાંત રહેવાનો અર્થ ચિંતા યા સ્થિતિ કે નકારવાનો નહીં પણ એનો સ્વીકારનો છે અને સ્વીકારને કારણે નકારાત્મક સ્થિતિ વ્યવહાર અને નિર્ણય પર હાવી નથી થતી. વળી, આ સ્થિતિ Self Awereness અને Self Regulationની છે. તેમ છતાં ચિલ વ્યક્તિ આજના સમયે પોતાની `ઇમેજ' જાળવવા મનની લાગણીઓને દબાવે છે અને મનમાં ને મનમાં ધૂંધવાય છે. લાગણીઓ પર નિયંત્રણ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ લાગણીઓનું વ્યક્ત થવું છે. પછી ભલે એ લાગણી અને ભાવના હકારાત્મક હોય કે નકારાત્મક, લાંબા સમય પછી દબાવેલી લાગણી વિસ્ફોટક સ્વરૂપે બહાર આવે છે. બીજું, સંબંધોમાં મને કોઇ ફર્ક નથી પડતો એવી લાગણી સામી વ્યક્તિમાં નકારાત્મક અસર ઊભી કરે છે. તેથી સંબંધો નબળા પડે છે, કારણ કે બીજો પક્ષ એવું માને છે કે ચિલ વ્યક્તિ મારા માટે ભાવનાત્મક રીતે ઉપલબ્ધ નથી. ઘણા લોકોને પ્રથમ દૃષ્ટિએ ચિલ લોકો આકર્ષિત કરે છે, પરંતુ લાંબા સમયના વ્યવહાર બાદ એમની સ્થિતપ્રજ્ઞતા એમને ખટકે છે, કારણ કે સંબંધોનો મતલબ સારું બોલવું કે સારા દેખાવું એવો નથી.

સંબંધો દલીલ, અભિપ્રાય, ગુસ્સો, પ્રેમ, રિસામણાં-મનામણાં અને સાથ નિભાવવાની તથા આશ્વાસન આપવાની પ્રક્રિયાનો સરવાળો છે. ખોટું થતું હોય તો સારા દેખાવા માટે ચૂપ રહેવું એ સાચી લાગણી નથી. એટલે ચિલ દેખાવામાં વ્યક્તિ ઘણીવાર દંભી બને છે અને સામી વ્યક્તિની લાગણી ગુમાવે છે. ચિલ વ્યક્તિ આ બધું સમજે છે, પરંતુ સ્વ નિયંત્રણને નામે એ ખુદને બહેલાવે છે. પરિવારમાં ઘણાં સ્ત્રી-પુરુષ સંઘર્ષ ટાળવા, બીજાને સારું લગાડવા કે ઉપસ્થિત જવાબદારીથી ભાગવા માટે `ચિલ' બનવાનો પ્રયત્ન કરે છે, જે સંબંધો અને પરિસ્થિત બંનેને લાંબા સમયે બગાડે છે.

અને સાચી વાત એ છે કે વાસ્તવિકતા સામે પ્રશ્નો હોવા છતાં ચૂપ રહેવું એ અપ્રામાણિકતા છે. જે થાય એ જોયા કરવું અને કોઇ રિએક્શન ન આપવાં કે એક્શન ન લેવા એ એક પ્રકારની ભાગેડું વૃત્તિ છે, જે વ્યક્તિનો સેલ્ફ એસ્ટીમ ઘટાડે છે અને આફ્ટર ઓલ તમારે બોલવું છે પણ તમે ચૂપ રહો છો. તમારે પાર્ટીમાં મન મૂકીને ડાન્સ કરવો છે, પણ તમે સોબર સ્ટેપ્સ જ લો છો. તમારી હાજરીમાં કોઇ ટપોરી તમારી સહકર્મીની છેડતી કરે છે. તમારે એને મારવો છે પણ ચિલની ઇમેજ જાળવવા તમે વાતને ત્યાં જ પતાવી દો છો. તમારી મમ્મી તમારી પત્ની સાથે અન્યાય કરે છે, પરંતુ તમે શાંત રહો છો. આ બધી જ ઘટનામાં મનમાં તો અનેક ઊથલપાથલ છે, પરંતુ એક્શન-રિએક્શનથી ઊભી થતી સ્થિતિની જવાબદારીથી તમારે ભાગવું છે એટલે ઊંડા શ્વાસ લઇને શાંત થઇ જાઓ છો, પરંતુ સ્ટેપ ન લેવાની ઉદાસીનતા એ જાતને છેતરવાની વૃત્તિ છે, જે ગિલ્ટ કરાવે છે.

સતત ચિલ દેખાવા માટે લાગણીઓના વિચારો અવ્યક્ત રહે તો માણસ મનોરોગી બની જાય. સતત સાવધ બનીને બોલવાની-વર્તવાની આદત સહજતાને-નિજતાને ખતમ કરી નાંખે. સંઘર્ષ, ઝઘડો ટાળવા ચૂપ રહેવું જોઇએ, પરંતુ ક્યારેક સમાધાન માટે, હક માટે ...બલિળુ... પડે, શેરને માથે સવા સેર બનવું પડે. આમ ન થવાથી માણસના મનની અંદર અરાજકતા જન્મે છે, સંબંધોમાં ગેરસમજ અને નારાજગી આવે છે. ઘણી વખત ચિલ રહેવાની વૃત્તિ ટોક્સિક પોઝિટિવિટીનું રૂપ ધારણ કરી ખોટો આશાવાદ જન્માવે છે અને મનમાં ડર, લાગણીઓ અને આસુંઓને નકારે છે. સમય મુજબ રડવું, ગુસ્સે થવું, દલીલ કરવી, રિસાવું એ નોર્મલ માણસનાં લક્ષણ છે. એને દબાવવાથી બહારના લોકો અને ખુદની સાથે અન્યાય-અત્યાચાર થઇ શકે. જેનાં મનોવૈજ્ઞાનિક પરિણામોમાં એકલતા, અવસાદ, બેજવાબદારી, પલાયનવાદ, ખોટું સહન કરવાની કે ચલાવવાની વૃત્તિ અને કડક શબ્દોમાં કહીએ તો તમાશો જોવાની માનસિકતા વિકસી શકે, જે વ્યક્તિત્વને અંદરથી ખોખલું બનાવી દે.