પસ્ટર પોઝ્નીશેફે પત્નીની હત્યા કરી. હત્યાના ઘણા સમય બાદ ટ્રેનમાં એક અજાણ્યા સહયાત્રી સમક્ષ એણે પત્નીને શા માટે અને કઈ રીતે મારી એનું વિગતે વર્ણન કર્યું.   

ખૂન કર્યા પછી એ જેલમાં પુરાયો. ખૂનના ત્રીજા દિવસે, પત્નીની દફનવિધિ પૂર્વે એને ઘરે લઈ જવાયો. એ વિશે એણે સહયાત્રીને કહ્યું: `મેં (હત્યાના ત્રીજા દિવસે) પત્નીનો મૃત ચહેરો જોયો ત્યારે છેક ત્યારે મને સમજાયું કે મેં શું કરી નાખ્યું. ત્યારે મને સમજાયું કે એ હું હતો, હું, જેણે એને મારી નાખી. મને સમજાયું કે જે એક હરતીફરતી, જીવતી, ધબકતી વ્યક્તિ હતી એ હવે સ્થિર અને ઠંડી થઈ ચૂકી છે. મારા લીધે અને હવે આમાં કશું થઈ શકે તેમ નથી. આ બધું જેણે જાતે અનુભવ્યું હોય એ જ સમજી શકે.'   

પછી પોઝનીશેફ લાંબા સમય સુધી કશું ન બોલ્યો. હું (સહયાત્રી) પણ ચૂપ રહ્યો. પોઝ્નીશેફ રડતો રહ્યો અને ધ્રૂજતો રહ્યો. એનો ચહેરો એકદમ કૂણો બની ગયો.   

`હા', અચાનક એ બોલ્યો, `અત્યારે મને જે વાતની ખબર છે એ વાતની ત્યારે જો પહેલેથી ખબર હોત તો હું પરણ્યો જ ન હોત. ક્યારેય ન પરણ્યો હોત. કોઈ પણ સંજોગોમાં ન પરણ્યો હોત.'   

ફરી એક દીર્ઘ મૌન.   

અને એ બોલ્યો : `તો એમ વાત છે. આવું મેં કર્યું. આ હતો મારો અનુભવ. મેથ્યુએ લખેલા ગોસ્પેલના આ શબ્દોનો સાચો અર્થ આપણે સૌએ સમજવો જોઈએ : `જે કોઈ પુરુષ જે પળે કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જુએ છે એ પળે તે તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો ગણાય.' મેથ્યુએ અહીં માત્ર અન્ય પુરુષની પત્નીની જ વાત નથી કહી, બધી જ સ્ત્રીઓની અને ખાસ તો માણસની પોતાની પત્નીની વાત કહી છે.' (સમાપ્ત).   

વાર્તા ખચ્ચાક કરતી પૂરી થતી લાગે અને છેલ્લું વાક્ય તો કોઈને પણ વિચિત્ર લાગી શકે, કારણ કે ટોલ્સ્ટોય છેવટે એવો ઇશારો કરીને અટકે છે કે પત્ની સાથેના સંબંધની જાતીયતા પણ પવિત્ર નથી.   

આ કેવું? આ સવાલ ટોલ્સ્ટોયને અનેક લોકોએ પૂછ્યો. એટલે ટોલ્સ્ટોયે પોતે આ કથા લખ્યાના થોડા સમય બાદ કથા પછી નીચે એક લેખ ઉમેર્યો (કથા એ ઉમેરા સાથે જ છપાય છે), જેનું શીર્ષક હતું, `ક્રોત્ઝર સોનાટાનો બોધ'.   

આ કથા દ્વારા પોતે કહેવા શું માગે છે એ બાબતે ગૂંચવાયેલા વાચકોની મૂંઝવણ દૂર કરવા માટે ટોલ્સ્ટોયએ એ લેખમાં જે લખ્યું એનો ટૂંકો સાર કંઈક આવો છે :   

વ્યભિચારના કિસ્સાઓમાં લોકો પુરુષોને નિર્દોષ અને સ્ત્રીને દોષી ગણે છે એ ખોટું છે. પુરુષે વધુ સંયમી અને જવાબદાર બનવાની જરૂર છે.   

શરાબ, વધારે પડતો આહાર, શ્રમનો અભાવ આ બધું ખોટું છે. આ બધાને લીધે જીવન કથળે છે.   

આપણા સમાજમાં સાહિત્યમાં, ચિત્રોમાં વ્યભિચાર સહજ ગણાતો થઈ ગયો છે. આ ખોટું છે.   

જાતીયતાની પ્રાકૃતિક વૃત્તિને કાબૂમાં રાખવી જરૂરી છે, પરંતુ આપણે તો ઊલટાના `પ્રેમમાં પડવા'ના નામે આ વૃત્તિને બહેકાવીએ છીએ. લેખકો-કવિઓ પ્રેમમાં પડવા વિશે બઢાવીચઢાવીને લખે છે. સમાજ પોતે પણ પ્રેમમાં પડવાની ઘટનાને ઘણું મહત્ત્વ આપે છે. સરવાળે, જે વૃત્તિને કાબૂમાં રાખવાની હોય એ ઊલટાની પ્રેમના નામે વણસે છે. નાટકો, સંગીત, તામસી ખોરાક, ઉત્તેજક પોષાક આ બધું જ જાતીય વૃત્તિને બહેકાવનારું છે. યુવકો સૌથી રૂપાળી-ઇચ્છનીય યુવતીઓને જીતવાની માથાકૂટો કરે અને યુવતીઓ આકર્ષક પોષાકો અને અદાઓ દ્વારા પુરુષને પલાળીને પરણવા પ્રેરે. આ બધું ખોટું છે.   

અને બાળકો, ઉચ્ચ વર્ગમાં આમ તો બાળકોને મોજમજામાં નડતરરૂપ તેમજ અકસ્માતે માથે પડતી બાબત ગણવામાં આવે છે, પરંતુ એ જન્મી જ જાય તો પછી એમને એવી રીતે ઉછેરવામાં આવે જેથી એ પણ મોટા થઈને મોજમજા કરવા જ પ્રેરાય. બાળકોને ખૂબ બધું ખવડાવવું, એમની ટાપટીપ કરવી, એમને ફેશનેબલ કપડાં પહેરાવવાં. આવું બધું લગભગ બધાં મા-બાપ કરતાં હોય છે, પરંતુ તેઓ બાળકોને મોટા થઈને સંયમ, સાદગી અને શ્રમનું જીવન કઈ રીતે જીવવું એની તાલીમ નથી આપતા. આ ખોટું છે.   

ઉચ્ચ આદર્શોની આપણને જાણે પરવા જ નથી. માનવજાતની, દેશની, કળા-વિજ્ઞાન-સાહિત્યની અને સ્વયં ઇશ્વરની સેવામાં જીવન સમર્પિત કરવું એ બધું સંકુચિત પારિવારિક જીવન જીવવા કરતાં ઘણું ઊંચેરું છે. (લગ્નબાહ્ય તો ઠીક) લગ્ન દ્વારા રચાતો સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ પણ આપણને ઊંચે નહીં, નીચે લઈ જનારો છે, બાંધનારો છે, સંકુચિત બનાવનારો છે.   

અહીં કોઈ એવી દલીલ કરી શકે કે લગ્ન અને સેક્સની પૂરેપૂરી બાદબાકી કરી નાખવામાં આવે તો માનવજાત આગળ કઈ રીતે વધે?   

મારું (ટોલ્સ્ટોયનું) કહેવું એમ છે કે જાતીય સંબંધો વિનાની, કેવળ શુદ્ધ પ્રેમથી જોડાયેલી માનવજાત એ એક સર્વોચ્ચ આદર્શ છે. બધા એ આદર્શને આંબી નહીં શકે, પરંતુ સૌને દિશાની તો ખબર હોવી જોઈએ. માણસ છેક નહીં તો થોડે સુધી તો પહોંચે. સેક્સ વગરનો સ્નેહ એ જ સાચો રસ્તો છે. એમાં લગ્ન પણ બાધારૂપ છે. સાચો ખ્રિસ્તી એ જ છે જે લગ્ન ઝંખતો નથી, બલ્કે લગ્ન ટાળે છે અને આ વાત સમજતા પહેલાં જે લોકો પરણી ચૂક્યા છે એમણે પોતપોતાના જીવનસાથી સાથે મળીને (લગ્ન અને જાતીયતાના) આ પાપથી મુક્ત થઈને ઉપર ઊઠવાના પ્રયત્નો કરવા રહ્યા.   

ઘણા લોકોને `ક્રોત્ઝર સોનાટા'માં કહેવાયેલી વાતો વિચિત્ર અને વિરોધાભાસી લાગે છે. આમાં વિરોધાભાસ છે જ, પરંતુ એ વિરોધાભાસ આપણે સૌ જે પ્રકારનું જીવન જીવીએ છીએ તેની સામેનો છે. સવાલ એ છે કે સાચો માર્ગ કયો છે? એક વ્યવસ્થિતપણે સ્થાપિત થયેલો (ઇસુએ સૂચવેલો) આદર્શ માર્ગ સાચો કે પછી તમે અને હું જે પ્રકારનું જીવન જીવીએ છીએ એ માર્ગ સાચો છે? ક્રોત્ઝર સોનાટા લખતી વખતે હું પોતે પણ આ સવાલના બોજ નીચે દબાયેલો હતો અને મને જ ખબર નહોતી કે લખાણ કઈ તરફ જઈ રહ્યું છે. લખતાં લખતાં અંતે હું જે તારણ પર પહોંચ્યો તેનાથી મને પણ આઘાત લાગેલો. 

મને અંત બદલવાનો વિચાર પણ આવેલો, પરંતુ પછી મેં જોયું કે મારો પોતાનો તર્ક અને અંતરાત્મા સ્પષ્ટપણે જેને (સંયમ, શ્રમ, બ્રહ્મચર્ય, વૈશ્વિક ભ્રાતૃભાવ)ને યોગ્ય ગણતા હતા એ બાબતોને નકારવાનું મારા માટે શક્ય નહોતું. ક્રોત્ઝર સોનાટામાં મેં જે લખ્યું છે તે મારા જ અગાઉના વિચારો અને લખાણોથી જુદું પડતું હોવા છતાં મારે એ લખવું પડ્યું.   

`પણ માણસ આટલા ઊંચા આદર્શોને આંબી ન શકે, માણસનું ગજું જોઈને એને કામ સોંપવું જોઈએ.' આવી દલીલ કોઈ કરી શકે, પણ આ તો એવી દલીલ થઈ કે મારો હાથ નબળો હોવાથી હું નજીકના બે બિંદુ વચ્ચે સીધી લીટી દોરી શકું તેમ નથી એટલે મારો માર્ગ સરળ બની રહે એટલા માટે હું સીધી લીટી દોરવા ઇચ્છતો હોવા છતાં વાંકીચૂકી લીટીને મોડલ-આદર્શ ગણીશ.   

મારો હાથ જેટલો નબળો હોય એટલું જ મારું (સીધી લીટીનું, નજર સામે રાખવાનું) મોડલ પરફેક્ટ હોવું જોઈએ.   

ટોલ્સ્ટોયે કરેલી આ સ્પષ્ટતા પછી પણ વાત પૂરેપૂરી સ્પષ્ટ રીતે ન સમજાય તો કશો વાંધો નહીં. આ વાતને આપણે ટોલ્સ્ટોયના એમની પત્ની સોફિયા સાથેના સંબંધો થકી વધુ સારી રીતે સમજી શકીશું, આવતા અંકે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો