આ જના યુગની એક મુખ્ય તાકાત હોય તો એ છે ડેટા. જેની પાસે વિશાળ ડેટા હોય અને એ ડેટાને પ્રોસેસ કરવા માટેની ટેકનોલોજી ય હાથવગી હોય, એને તો જલસા જ પડી જાય. ગુગલ કે મેટા જેવી મલ્ટીનેશનલ જાયન્ટ કંપનીઝ આનું ઉદાહરણ છે. ખબર છે કે ગુગલ ભારતમાં પણ ડેટા સેન્ટર સ્થાપવા જઈ રહી છે. આ ડેટા સેન્ટર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે સ્થપાવાનું છે.

ગુગલ આ પ્રોજેક્ટ પાછળ અધધ કહેવાય એવડી રકમ ખર્ચવા તૈયાર છે. રૂપિયામાં ગણતરી કરીએ તો આજની તારીખે આ રકમ થાય રોકડા 1.25 લાખ કરોડ! આટલો તોતિંગ ખર્ચો કરીને 1 ગીગાવોટ સ્કેલના AI ડેટા સેન્ટર હબનું નિર્માણ કરાશે, જે મુખ્યત્વે ત્રણ કેમ્પસમાં ફેલાયેલું હશે. AdaniConneX અને Airtel Nxtra આ પ્રોજેક્ટમાં પાર્ટનરશિપ કરવાના છે. હાલના આકલન મુજબ 2028 સુધીમાં આ પ્રોજેક્ટ કાર્યરત થઇ જશે. આ Googleનું ભારતમાં સૌથી મોટું રોકાણ છે અને તેમાં સબમરીન કેબલ્સ, ફાઇબર નેટવર્ક અને ક્લીન એનર્જી પણ સામેલ છે. ઓકે ફાઈન. કાગળ ઉપર આ બધી વાતો ખૂબ આકર્ષક લાગે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જાણવા જેવી છે.

અમેરિકાની વાત કરીએ તો એરિઝોનામાં આવેલ ડેટા સેન્ટર્સ દ્વારા પાણીનો મોટા પાયે વપરાશ થવાથી કોલોરાડો સહિતના સ્થાનિક જળસ્રોતો પર એની વિપરીત અસરો જોવા મળી છે. જ્યોર્જિયામાં આવેલ Metaના ડેટા સેન્ટરને કારણે સ્થાનિક કૂવાઓ સૂકાઈ ગયા, પાણીનું દબાણ ઘટ્યું અને લોકોએ પાણીના ઉંચા દામ ચૂકવવા પડે છે. 2030 સુધીમાં તો અહીં પાણીની અછત સર્જાશે એવા એંધાણ છે. આયર્લેન્ડમાં આવેલ ડેટા સેન્ટર્સ દેશની કુલ વીજળીનો આશરે 20-23% વપરાશ કરે છે. પરિણામે વીજળીની ગ્રીડ પર દબાણ વધવાથી માંડીને વીજળીના બિલ વધારે આવવા સુધીની અનેક સમસ્યાઓ પેદા થાય છે. નેધરલેન્ડમાં પણ મેટાના ડેટા સેન્ટર પ્રોજેક્ટનો લોકોએ ખૂબ વિરોધ કર્યો અને અંતે એ પ્રોજેક્ટ રદ થયો.

હવે ભારતમાં ડેટા સેન્ટર્સ સ્થપાય, તો અહીં કેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે એ ય જાણી લો. વિશાખાપટ્ટનમ ખાતેના ગૂગલના AI હબ/ડેટા સેન્ટર પ્રોજેક્ટ અંગે સ્થાનિક નિવાસીઓ, પર્યાવરણવાદીઓ અને કાર્યકર્તાઓએ વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ અંગે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન (PIL) પણ દાખલ કરવામાં આવેલી, જેનો કેસ ચાલુ છે.

મોટા ડેટા સેન્ટરોમાં સતત કુલિંગ પ્રોસેસ ચાલું રાખવો પડે છે. આને માટે રોજ કરોડો લિટર પાણીની જરૂર પડે. બીજી તરફ વિશાખાપટ્ટનમમાં તો પહેલેથી જ પાણીની તંગી! શહેરને રોજ આશરે 480 મિલિયન લિટરની જરૂર પડે છે, પણ મળે છે માત્ર 410 મિલિયન લિટર! એમાં વળી ડેટા સેન્ટરોના કુલિંગ પ્રોસેસ માટે જરૂરી પાણી પુરવઠો પૂરો પાડવામાં અનેક મુશ્કેલીઓ ઉભી થશે. પર્યાવરણવાદીઓને ચિંતા છે કે આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાશે અને આસપાસના જળાશયો પર દબાણ વધશે.

આ સાથે જ વીજળીના પ્રશ્નો પણ ચિંતાજનક છે. ડેટા સેન્ટર્સ માટે મોટી માત્રામાં વીજળીની જરૂર પડશે, જેના કારણે સ્થાનિક ઈલેક્ટ્રીસિટી ગ્રીડ પર ભારે દબાણ સર્જાશે. એટલું જ નહિ પણ સેન્ટર્સ માટે વપરાતા બેક-અપ ડિઝલ જનરેટર્સ હવા પ્રદૂષણ અને અવાજનું કારણ બની શકે. ઘણા માને છે ડેટા સેન્ટર્સને કારણે આસપાસનો વિસ્તાર 'હીટ આઈલેન્ડ' બની રહે એવી પૂરી શક્યતા છે.

આ બધી આશંકાઓ સામે ગૂગલે કહ્યું છે કે તેઓ એડવાન્સ્ડ એર-કૂલિંગ સિસ્ટમ વાપરશે, જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ રહે. સાથે જ કંપની પાણીના સ્ત્રોતોનું રક્ષણ કરવા અંગે પણ સજાગ રહેશે. રાજ્ય સરકારે પણ એવું જ કહ્યું છે કે ડેટા સેન્ટર્સ માટે રહેણાંક અને ખેતીના પાણીનો ઉપયોગ નહીં થાય. આ બધી ચર્ચાઓ બાદ ખરેખર શું થશે એ તો આવનારો સમય જ કહેશે.

હવે પ્રશ્ન એ છે કે પર્યાવરણ સામે ખરેખર આટલા બધા પ્રશ્નો ઉભા થવાના હોય તો ભારતમાં ડેટા સેન્ટર્સ બનાવવાની જરૂર જ શું છે? આ બહુ સમજવા જેવી બાબત છે.

ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા (DPDP Act વગેરે) અનુસાર કેટલાક સંવેદનશીલ ડેટાને સ્થાનિક રીતે સ્ટોર અને પ્રોસેસ કરવા જરૂરી છે. આથી વૈશ્વિક કંપનીઓ માટે ભારતમાં હાજરી જરૂરી બને છે. વળી હાલમાં વિશ્વ ભારતને વિકાસશીલ બજાર અને AI ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે જોઈ રહ્યું છે. ભવિષ્યમાં ભારત AI ટેકનોલોજીમાં ચીન જેવા પ્રતિસ્પર્ધીઓ સામે કાઠું કાઢે એ જરૂરી છે. અહીં કંપ્યૂટ પાવર (GPU/TPU)ની માંગ પણ વધી રહી છે. એવા સંજોગોમાં ભારત પાસે સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જ જોઈએ.

અહીં વ્યૂહાત્મક મુદ્દો પણ અવગણી ન શકાય એવો છે. અત્યારે દુનિયાનો કારભાર ઈન્ટરનેટ, એટલે કે સબ-સી કેબલ ગેટવે અને ફાઇબર નેટવર્કને આધારે ચાલે છે. જો ગુગલ ડેટા સેન્ટર બનશે તો એના થકી ભારતની ડિજિટલ બેકબોન મજબૂત બનશે. વળી આંધ્રપ્રદેશના વિઝાગ ખાતે ‘AI કોરિડોર’ બનવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. જો એવું થશે તો ભારત વૈશ્વિક AI હબ તરીકે સ્થાન મેળવી શકે છે. જો પર્યાવરણના પ્રશ્નોનું નિરાકરણ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવશે તો દુનિયા આખીમાં વિરોધ સહન કરી રહેલા ડેટા સેન્ટર્સ ભારત માટે મોટી એસેટ બની રહે એમ બને. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો