આજે યુવાનોમાં સ્ટ્રેસ લેવલ ખતરનાક રીતે વધી રહ્યું છે. સ્ત્રીઓ માનસિક રોગની શિકાર બની રહી છે. નાની ઉંમરે હાર્ટએટેક આવે છે. એનું મહત્ત્વનું કારણ એ છે કે લોકોએ મનમાં દુઃખ, પીડા અને અસંતોષનો પહાડ ઊભો કરી દીધો છે. જીવનમાં આર્થિક-સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે ચોક્કસ યોજના જોઇએ. બની શકે કે એ દરેક વખતે વ્યક્તિનાં હાથમાં ન પણ હોઈ શકે, પરંતુ સંબંધોમાં અસંતોષ, અવગણના, અવિશ્વાસ, ગેરસમજ જેવી સમસ્યાઓની પીડા એટલી ખતરનાક હોય છે જે બીજા સુખની અનુભૂતિને અદૃશ્ય કરી દે. મોટાભાગનાં લોકોને પીડાની સાથે જીવવાની આદત હોય છે. તેઓ કોઇને પણ પોતાની પીડા જણાવતાં નથી, તેથી સામી વ્યક્તિને ખબર નથી પડતી કે આપણાં મનમાં શું ચાલે છે અથવા આપણે અંદરથી વ્યથિત છીએ. એમને તો બધું નોર્મલ લાગે છે. અભિવ્યક્ત થયા વિનાની પીડા જાણવાની કે વાંચવાની કળા જૂજ લોકો પાસે હોય છે. જ્યારે આપણે આપણી સમસ્યા જણાવીએ છીએ ત્યારે જ સામી વ્યક્તિને ખબર પડે છે કે એને પોતાની સીમા પાર કરી છે. એને જ્યારે કહેવામાં આવે ત્યારે જ ખબર પડે છે કે તમે શું મહેસૂસ કરો છો? તમારી લાગણી સમજવામાં એમને હેલ્પ મળે છે.
અગર આપણા દિલને ઠેસ લાગે છે તો એ આપણા માટે મહત્ત્વની વાત છે. પોતાની પીડાને નકારવી એ કોઇ બહાદુરી નથી. પીડાને નકારવી એટલે પોતાની જાત પર જુલમ કરવો. પીડા આપનાર વ્યક્તિને જાણ કરવાથી બની શકે કે આપણી પીડા થોડી ઓછી થઇ શકે. જ્યારે ન ગમતી બાબત ગુસ્સો કે અપમાન સહન કરવા પડે ત્યારે અંદરથી યાને ભાવનાત્મક રીતે ક્ષત-વિક્ષત થઇ જવાય છે. આપણી ચોટ આપણા માટે જ નહીં સામી વ્યક્તિ માટે પણ ફીડબેક બની જાય છે. એ સામી વ્યક્તિને બતાવે છે કે તમે કઇ હદ સુધી સહન કરો છો અને જે લોકો આપણી પરવા કરે છે, પરંતુ બેધ્યાનપણે હર્ટ કરે છે એમને તો મનની પીડા ખાસ કહેવી જરૂરી છે. વળી, જે લોકોને આપણે પ્રેમ કરીએ છીએ એમનાં દ્વારા અપાતી તકલીફો સામે મૌન રહેવાથી તેઓને ક્યારેય પણ તકલીફ આપવાની આદત પડે છે. મોટાભાગના લોકો જાતે જ નક્કી કરી લે છે કે કોઇને કંઇ પણ કહેવાનો કોઇ ફાયદો નથી. એમને કોઇ અસર થવાની નથી, પરંતુ હંમેશાં એવું નથી બનતું. એક-બે વાર કહેવાથી એટલિસ્ટ તેઓ એમના મનને તો ઢંઢોળે જ અથવા તો હર્ટ કર્યા પછી માફી માંગીને દિલાસો આપવાનો પ્રયત્ન કરશે, જે દુઃખી દિલને થોડી શાતા આપી શકે. બની શકે પીડા વ્યક્ત કરવાથી એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકે.










