....ત્યાં જ છાતીના ડાબા ભાગે પ્રચંડ ધરતીકંપ, થોડીક ક્ષણોનો તરફડાટ. સ્તબ્ધતા. 1986ની સાલના માર્ચ મહિનાનો બીજો દિવસ હતો. 14 સપ્ટેમ્બર, 1930ના રોજ જન્મેલા કાશીનાથ ઘાણેકરના 56 વર્ષના આયુષ્યનો એ છેલ્લો દિવસ. થિયેટર પરથી સંદેશો આવતાં જ હોટલનો નોકર કાશીનાથની રૂમનો દરવાજો ખટખટાવતો રહે છે. દરવાજો તૂટી જાય એ રીતે હલબલાવે છે, પણ અંદરથી કોઈ જવાબ મળતો નથી. બીજો એક નોકર આવીને પેલાને કહે છે: કાશીનાથ ઘાણેકરનો રૂમ છે ને? એ તો અંદર પીને ધૂત થઈને પડ્યો હશે. અગાઉ ઘણીવાર એવું થયું છે અને મેં દરવાજો તોડીને એમને બહાર કાઢ્યા છે ત્યારે મારે નુકસાની (ગાંવઠી મરાઠીમાં ‘નુસકાની’ બોલે છે) ભરપાઈ કરવી પડે છે. જવા દે...’
કાશીનાથના મૃત્યુના સમાચાર મુંબઈ સુધી પહોંચ્યા, કુટુંબને આ ખબર મળે છે, ચારેકોર
પ્રસરે છે.
અહીં ‘... આણિ કાશીનાથ ઘાણેકર’ નામનું પિક્ચર પૂરું થવાની તૈયારીમાં છે. કાશીનાથની ઈમેજીસની સાથે એમનો વૉઈસ ઓવર પ્રેક્ષકગૃહમાં પડઘાય છે. ઓરિજિનલ મરાઠીમાં જ સાંભળીએ:
‘કુઠલ્યા હી કલાકારાનાં જેવ્હા પહિલી ટાળી મિળતે તેવ્હા તો કળાકાર મ્હણુન સંપવુન જાતો, કારણ ટાળી હા સરસ્વતીની દિલેલા શ્રાપ આહે તસં મ્હણતાત. મલા હા શ્રાપ નસ્તા મિળાલા તરી મી ખૂપ કાહી હોઉ શકલો અસતો. એક બરા નવરા, એક ખરં મિત્ર, એક ચાંગલા મુલગાં, પર મી જર હે સગળં અસતો તર મી તે નસ્તો જે મી હોતો - ગોપાળ (‘આનંદી ગોપાળ’), બાપુ (‘ગારંબીચા બાપુ’), લાલ્યા (‘અશ્રું ચી ઝાલી ફૂલે’), સંભાજી (‘રાયગડાલા જેવ્હા જાગ યેતો’) ... આણિ...’
સિનેમાગૃહમાં પ્રેક્ષકો ગળામાં ડૂમા સાથે મનોમન એ વાક્ય પૂરું કરે છે: ‘...આણિ કાશીનાથ ઘાણેકર...’
ગુજરાતી ભાષામાં આ યાદગાર સંવાદ: ‘કોઈ પણ કળાકાર માટે પહેલી વાર તાળીઓ પડે છે ત્યારે એક કળાકાર તરીકે એ મરી પરવારે છે, કારણ કે તાળીઓ મા સરસ્વતીએ આપેલો શાપ છે એવું કહેવાયું છે. મને આ શાપ ન મળ્યો હોત તો હું ઘણું બધું બની શક્યો હોત. એક ઠીકઠાક પતિ, એક સાચો મિત્ર, એક સારો પુત્ર, પણ હું જો આ બધું બનવા ગયો હોત તો હું એ ન હોત જે હું બન્યો - ગોપાળ, બાપુ, લાલિયો, સંભાજી અને...’
આપણને નાનપણથી મા-બાપ-વડીલો-સગાં-સમાજ-મિત્રો તરફથી શીખવવામાં આવ્યું છે કે આપણે સારા માણસ બનવાનું છે, મોટા થઈને આપણે આ સારાઈ કે સારપને આધારે જિંદગી બનાવવાની છે, આપણી ગુડનેસ પર ડિપેન્ડ
થવાનું છે.
આપણને કોઈ દિવસ આપણી ટેલન્ટના આધારે લાઈફ બનાવવાનું શીખવાડવામાં આવ્યું નથી. માણસ તરીકે સારા હોવું એ જિંદગીનો એક નાનકડો હિસ્સો છે. દુનિયામાં લાખો-કરોડો માણસો છે જેઓ સારા, વધુ સારા, ખૂબ બધા સારા છે. દુનિયા એમને કારણે ટકી રહી છે, પણ દુનિયા જેમના કારણે આગળ વધી રહી છે તે સારા લોકોને કારણે નહીં પણ ટેલન્ટેડ લોકોને કારણે.
કાશીનાથ ઘાણેકર વુમનાઈઝર (ફિલ્મમાં શબ્દ છે ‘લફડીબાજ’) અને મદ્ય મિત્ર (આ મારો કૉઈન કરેલો શબ્દ છે બાકી ફિલ્મમાં વપરાયેલો શબ્દ છે (બેવડો) ન હોત, મુંબઈ શહેરના મશહૂર ડેન્ટિસ્ટ હોવા છતાં છ-છ વર્ષ સુધી પ્રોમ્પટર-બૅકસ્ટેજનું કામ કરીને એમણે સ્ટ્રગલ ન કરી હોત, નાટ્યજગત માટેની પેશન પાછળ ખુવાર ન થયા હોત. તેઓ જરૂર એક આદર્શ પતિ, સારા મિત્ર, ગૌરવ થાય એવા પુત્ર પુરવાર થયા જ હોત, એમાં કોઈ શંકા નથી.
પણ તો પછી આજે એમને કોણ યાદ કરતું હોત? આવા તો કરોડો આદર્શ પતિઓ, મિત્રો, પુત્રો આ દુનિયામાં આવ્યા અને ગયા. કાળની ગર્તામાં ધકેલાઈ ગયા. ભૂંસાઈ ગયા. આમાંથી એક પણ વ્યક્તિના નામે આજે મુંબઈની પડોશમાં આવેલા થાણેના હીરાનંદાની મેડોઝમાં ઊભું છે એવું અતિ ભવ્ય અને વિશાળ ‘સ્વર્ગસ્થ કાશીનાથ ઘાણેકર સભાગૃહ’ છે? ના, નથી. તો પછી ઈમ્પોર્ટન્સ શેનું છે? સારા બનવાનું નહીં, ટેલન્ટનું ઈમ્પોર્ટન્સ છે. મારે અહીં કંઈ સારાઈની બૂરાઈ નથી કરવી. તમે સારા હો તો સારું જ છે તમારા માટે, દુનિયા માટે. પણ સારા હોવું જ માત્ર પૂરતું નથી. તમારી પૅશન, તમારી ટેલન્ટ, તમારી મહેનતના બળથી આ જગતમાં એક એવી લીટી તાણી જવી જોઈએ જેને કોઈ ભૂંસી ન શકે, ભૂલી ન શકે. કાશીનાથ ઘાણેકરે ગોપાળ, બાપુ, લાલિયા, સંભાજી વગેરેની ભૂમિકાઓ ભજવીને એવી અ-ભૂંસ લીટી તાણી છે. ત્યારે તો તેઓ એક ભવ્ય બાયોપિકના સબજેક્ટ બન્યા છે. રિલીઝ વખતે ‘... આણિ કાશીનાથ ઘાણેકર’ના શોઝ હાઉસફૂલ રહેતા.
કવિ, પત્રકાર અને મોટા ગજાના સાહિત્યકાર સ્વ. ભગવતીકુમારની એક ગઝલમાં આવતો મથરાવટી વિશેનો એક શેર અહીં યાદ આવે છે. પોતે દૂધે ધોયેલા છે એવી ડંફાસો મારીને જીવતા લોકોએ આ શેર વાંચવો જોઈએ, કંઠસ્થ કરી લેવો જોઈએ.
એ શેર જ નહીં, આખી ગઝલ વાંચીએ:
ડુંગરા તૂટે, ખડક કંઈ ખીણમાં ધસમસ પડે,
હો ગગનગામી ભલે માણસ છતાં ચોક્કસ પડે.
કે નથી હોતા કદી કોઈ પતનમાં ભેદભાવ,
ગઢ પડે, ભેખડ પડે, મંદિર પડે, આરસ પડે.
થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી,
તો ફરિશ્તાઓનાં ટોળાંથી અલગ માણસ પડે.
આ બધી ઘટના ખુશીની એકધારી છે નીરસ,
દુખના બે-ચાર કિસ્સાઓ કહો તો રસ પડે.
હું લઈને નીકળું છત્રી સરસ વર્તુળાકાર,
ને ગગનમાંથી ચમકતી વીજળી ચોરસ પડે.
તે પછી રહેશે નહીં અંધારનો કોઈ વિકલ્પ,
હો અમાસી રાત ને મુજ હાથથી ફાનસ પડે.
કોઈ વેળા તો પતન પણ હોય છે વસ્તીસભર,
એ પડે ને સાથે એના વંશ ને વારસ પડે.
ફરી એક વાર કહી દઉં કે આનો અર્થ કોઈ એ ન કરે કે માણસે અસંસ્કારી બનવું જોઈએ. અહીં અસંસ્કારનો કે કુસંસ્કારનો મહિમા નથી. અહીં વધુ પડતા સંસ્કારી હોવાની કે દેખાવાની હોંશ સામે લાલબત્તી છે, કારણ કે આવી હોંશ ન સિર્ફ તમારા વ્યક્તિત્વને રૂંધે છે, તમને તમારી રીતે જીવતા રોકે છે, તમને ઢોંગી-દેખાડુ-દંભી બનવા તરફ લઈ જાય છે.
લોકોને બીજાઓની નીતિમત્તાને પ્રમાણવાનું બહુ મોટું વળગણ હોય છે. આવું તો ન જ ચલાવી લેવાય, આદર્શ એટલે આદર્શ, સિદ્ધાંતમાં એક વાર જરા સરખી બાંધછોડ કરી તો પતનનો માર્ગ નિશ્ર્ચિત છે એવું એવું, ક્યાંકથી સાંભળીને ગોખી કાઢેલું, તેઓ બોલતા હોય છે. હવે તમે જ કહો કે મથરાવટી થોડી ઘણી મેલી હોય તો સારું કહેવાય કે ખરાબ.
સાયલન્સ પ્લીઝ!
હરીફરીને છેવટે તો તમારે એવા જ બનવું જોઈએ જેવા તમે બનવા માગો છો.