ગુજરાતીઓ જેટલો સારી રીતે હિસાબ સમજે છે, એટલું કદાચ દુનિયામાં કોઈ નથી સમજતું. કેશબુક, લેજર, સ્ટોક, ડેબિટ, ક્રેડિટ, ઘાલખાધ, આઉટસ્ટેન્ડિંગ, વ્યાજ અને જીએસટી. જેમણે જિંદગીમાં ક્યારેય પ્લેટો કે સોક્રેટિસનું નામ પણ નથી સાંભળ્યું એવો આપણો કોઈ સામાન્ય વેપારી પણ ત્રણ દુકાન દૂરથી હિસાબમાં થયેલી ખોટી એન્ટ્રી સૂંઘી શકે છે. વેપારી પરિવારના બાળકને બહુ નાનપણથી જ ખબર પડી જાય છે કે પૈસાને પણ મેમરી હોય છે. હિસાબમાં એક રૂપિયાનો ગોટાળો થાય, તો આખું ઘર માથે લેવામાં આવે છે, પણ કોઈ અંગત માણસનું અપમાન પંદર વર્ષથી મગજના ગોડાઉનમાં સચવાયેલું હોય, તેનું કોઈને સહેજ પણ ટેન્શન નથી હોતું.  

વર્ષમાં એકવાર એકાઉન્ટિંગમાં માસ્ટર સરીખી આ પ્રજા વચ્ચે પર્યુષણ પ્રવેશે છે અને એક બહુ જ અઘરો, અહંકાર તોડી નાખે એવો સવાલ પૂછે છે: તમારા ગુસ્સાનું કેન્દ્રબિંદુ ક્યાં છે? તમારા અહંકારે કેટલું વ્યાજ ખાધું છે? કયો સંબંધ હવે `ઘાલખાધ' બની ગયો છે? તમારી માનસિક કેશબુકમાં કેટલા લોકોનાં નામ હજુય `માફ નથી કર્યાં'ના ખાતામાં બોલે છે? અને ક્યાંક કોઈકના ચોપડે તમારું નામ પીડા આપનારની કોલમમાં તો નથી લખાયેલુંને?  

એટલે જ પર્યુષણ માત્ર સંયમી ભોજન કે ઉપવાસ પૂરતો મર્યાદિત હોય એવો ઉત્સવ નથી. અલબત્ત, ઉપવાસ મહત્ત્વના છે. એકાસણાં, બિયાસણાં, આયંબિલ, ખાવા પર સંયમ, જીભ પર શિસ્ત, પોશો પાળીને આઠ દિવસ સાધુ જેવું જીવન જીવવું વગેરેનું પોતાનું એક ઉચ્ચ સ્થાન છે, પરંતુ જો પર્યુષણ માત્ર આજે શું નથી ખાધું તેનું મેનુ બનીને રહી જાય તો એનો અર્થ એ જ ને કે આપણા આત્માએ ધર્મનું આઉટસોર્સિંગ સીધેસીધું પાચનતંત્રને કરી દીધું.  

કોઈ પણ ધર્મના ઉપવાસ હોય, પણ જો માણસ ઉપવાસ કરે પણ એની સાથોસાથ સ્પિરિચ્યુઅલ કોન્ફિડન્સ સાથે પાડોશીની ઈજ્જતના લીરેલીરા ઉડાડે કે ભોજન ત્યાગ કરીને પોતાની વહુને મંણાંટોણાં મારે તો તે કેટલું યોગ્ય? એક પરિવાર બહારના તમામ ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન કરતો હશે, પણ એ જ પરિવારના ઘરની ચાર દીવાલો વચ્ચે કટાક્ષ અને અપમાનનું એક ખાનગી કતલખાનું ચાલતું હોય તો એ ધર્મ નહીં પણ દેખાદેખી થઈ. ટૂંકમાં, શરીર ઉપવાસ કરતું હોય છે, પણ અહંકાર `બુફે' જમતો હોય છે! ખતરો અહીં જ છે.  

પર્યુષણ એ પરંપરાઓ દ્વારા આશીર્વાદ પામેલો કોઈ સ્પિરિચ્યુઅલ ડાયટ પ્લાન નથી. એ તહેવારોની સીઝન પહેલાંનું જૈન વર્ઝનનું ડિટોક્સ નથી. એ આત્માનું વાર્ષિક ઓડિટ છે. તે માણસને કહે છે કે થોડા દિવસ દુકાનના શટર પાડી દે, બહારની દુકાનના નહીં, અંદરની દુકાનના. બીજા પર દોષારોપણ કરવાનો ધંધો બંધ કર. બહાનાંઓનું પ્રોડક્શન બંધ કર. ગુસ્સાનું એક્સપોર્ટ બંધ કર. પંચાતનું ઈમ્પોર્ટ બંધ કર. શાંતિથી બેસ અને તારા પોતાના અંદરના ચોપડા ચેક કર.  

`નોર્મલ' એ બહુ ખતરનાક શબ્દ છે. નોર્મલ હોવાનો અર્થ એ છે કે આપણા જખમો હવે શિષ્ટાચાર શીખી ગયા છે.  

જૈન દર્શન માત્ર તલવારથી થયેલી હિંસા નથી ગણતું, તે શબ્દોથી થયેલી હિંસા પણ ગણે છે. તે માત્ર હાથથી થયેલી હિંસા નથી ગણતું, તે ઈરાદાથી થયેલી હિંસા પણ ગણે છે. કર્યું, કરાવ્યું અને અનુમોદના કરી. એક માણસની સૂક્ષ્મ હિંસાનો પણ આખા જગતે મોટો હિસાબ આપવો પડતો હોય છે.   

આ દુનિયામાં મોટાભાગના લોકો જિંદગીમાં ક્યારેય કોઈનું ખૂન નહીં કરે, પણ એ જ લોકો સવારના નાસ્તા પહેલાં કોઈનો આત્મવિશ્વાસ કચડી નાખતા હોય છે. એક જ ધારદાર વાક્યથી કોઈની ઈજ્જત કાપી નાખતા હોય છે. સરખામણીઓ કરીને પોતાના જ બાળકના મગજને આખી જિંદગી માટે ઘાયલ કરી નાખતા હોય છે. કાયદો ક્રાઈમ સાથે ડીલ કરી શકે, પણ ધર્મે માણસની અંદર પડેલા એ કચરા સાથે ડીલ કરવાનું હોય છે.  

અને આપણી અંદર આવો કચરો ઠાંસી ઠાંસીને ભરેલો છે. જૂનો ગુસ્સો, જૂની ઈર્ષ્યા, જૂનું અપમાન, જૂની જીતનો અહંકાર, પારિવારિક ઘાવ અને કોઈકે સાવ સહજતાથી કહેલું એવું વાક્ય જે આપણું હૃદય કોઈ સરકારી આર્કાઈવની જેમ સાચવીને બેઠું છે. આધુનિક જિંદગીમાં આ કચરો વધુ ભયાનક બની ગયો છે, કારણ કે હવે યાદો પાસે ટેક્નોલોજી આવી ગઈ છે. પહેલાં ઝઘડાઓ હવામાં ઓગળી જતા, આજે તે `સ્ક્રીનશોટ્સ'માં સચવાઈ જાય છે. પહેલાં અપમાનને યાદ રાખવા સારી સ્મૃતિશક્તિની જરૂર પડતી, આજે તેનું `ક્લાઉડ બેકઅપ' લેવાય છે.   

ઈતિહાસમાં આપણે પહેલી એવી સભ્યતા છીએ જ્યાં `માફી' એ ડિજિટલ પુરાવાઓ સામે લડવું પડે છે. એટલે જ `મિચ્છામિ દુક્કડં' આજે જેટલું ક્રાંતિકારી છે, એટલું પહેલાં ક્યારેય નહોતું. ઉપરછલ્લી રીતે જોઈએ તો આ બહુ સૌમ્ય વાક્ય છે - જાણે-અજાણે દુભાવેલા દિલ માટે માફી, પણ તેની સૌમ્યતા નીચે અહંકાર સામેનો એક બહુ મોટો બળવો છુપાયેલો છે. આ વાક્ય માણસને એવું કરવાનું કહે છે જે તેના અહંકારને સૌથી વધુ નફરત છે: પોતાની જાતને નાની કરવી. સ્પષ્ટીકરણો આપ્યા વિના. બચાવ કર્યા વિના. કાઉન્ટર અટેક કર્યા વિના.  

ટ્રેજેડી એ છે કે આજે `માફી'નું પણ માસ-પ્રોડક્શન થવા લાગ્યું છે. વોટ્સએપ પર બે હાથ જોડેલા ઈમોજી સાથે એક મેસેજ ટાઈપ થાય, 

બ્રોડકાસ્ટ લિસ્ટમાં 500 લોકોને ફોરવર્ડ થાય અને માણસનો અંતરાત્મા ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી રિલેક્સ થતાં વેપારીની જેમ હાશકારો અનુભવે! આ પદ્ધતિ એફિશિયન્ટ છે, પણ ઈમાનદાર નથી. બ્રોડકાસ્ટ માફી બહુ સહેલી છે, કારણ કે તેમાં તમારે એ માણસની આંખમાં આંખ નથી નાખવી પડતી, જેનો આત્મા આપણા થકી ખરેખર દુભાયો છે.   

સાચી માફી હંમેશાં એકવચનમાં હોય છે. એક કોલ. એક નામ. એક ઘાવ અને કોઈ જ ડેકોરેશન વિનાનું એક વાક્ય: `મારાથી તને દુઃખ પહોંચ્યું છે.' આ કામ આઠ દિવસના ઉપવાસ જેટલું કે એનાથી વધુ અઘરું છે. આ એ બિંદુ છે જ્યાં પર્યુષણ માત્ર જૈન સમાજનું રહેવાને બદલે આખી માનવસભ્યતાનું બની જાય છે. જ્યારે આખી દુનિયા આક્રોશમાં જીવતી હોય, ત્યારે પર્યુષણ વિરામ શીખવે છે. ટ્રોલિંગના જમાનામાં તે `સંયમિત શબ્દો' શીખવે છે. જ્યારે આખી દુનિયા બીજાને ખોટા સાબિત કરવામાં વ્યસ્ત છે, ત્યારે આ પર્વ એક અત્યંત દુર્લભ સવાલ પૂછે છે: `હું ક્યાં ખોટો છું?' 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો