`ક્લિન્ટ ઈસ્ટવુડ'ને તો તમે જાણો છો. 95 વર્ષની ઉંમર છે ને હજુય માનસિક રીતે અને ફિઝિકલી પણ ફિટ છે.

2016માં `સલી' જેવી જોરદાર ફિલ્મ ડિરેક્ટ કરી શકે છે. ગયા વર્ષે (2024માં) `જ્યુરર નં.2' ફિલ્મ ડિરેક્ટ કરી. 1954થી આ લાઈનમાં છે. સિક્સ્ટીઝમાં હૉલિવૂડની અનેક કાઉબોય ફિલ્મોમાં તમે એમને જોયા છે. સેવન્ટીઝમાં `ડર્ટી હૅરિ' સીરિઝની પાંચ ફિલ્મોમાં અને બીજી ડઝનબંધ ફિલ્મોમાં એમને માણ્યા. 1992માં `અનફર્ગિવન' ડિરેક્ટ કરી. બેસ્ટ ડિરેક્ટરનો ઑસ્કાર એવૉર્ડ મળ્યો. 2004માં `મિલિયન ડૉલર બેબી' પ્રોડ્યૂસ-ડિરેક્ટ કરી. બેસ્ટ પિક્ચરનો ઑસ્કાર એવૉર્ડ મળ્યો.

 ક્લિન્ટ ઈસ્ટવુડ અભિનીત જોવા જેવી ફિલ્મો યાદ કરીએ તો આખો લેખ ભરાઈ જાય. `ધ ગુડ, ધ બૅડ, ધ અગ્લી' (1966), `એસ્કેપ ફ્રોમ અલકાટ્રાઝ' (1979), વૉર ફિલ્મોમાં `વ્હેર ઈગલ્સ ડેર' (1968)થી માંડીને `અમેરિકન સ્નાઈપર' (2014) અને `ધ મ્યુલ' (2018) સુધીની શ્રેષ્ઠ ફિલ્મો ડિરેક્ટ કરી.

 પણ આખા હૉલિવૂડમાં `સલી' જેવી ફિલ્મ બનાવવાનો હક્ક કદાચ ક્લિન્ટ ઈસ્ટવુડને જ છે. 1951ની સાલમાં યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે ઍડમિશન મળી ગયું હોવા છતાં એમને અમેરિકાના આર્મીમાં ભરતી કરવામાં આવ્યા. લશ્કરમાં લાઈફગાર્ડ અને સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટરની જવાબદારી સોંપાઈ. એક વીકએન્ડમાં ઘરે પેરેન્ટ્સને મળવા આવી રહ્યા હતા ત્યારે એ જે વિમાનમાં હતા તે ફ્યુઅલ ખૂટી જવાથી દરિયામાં ક્રેશ થયું અને ડૂબતા હવાઈ જહાજમાંથી બહાર નીકળીને એ અને પ્લેનના પાઈલટ પાંચ કિલોમીટર જેટલું તરીને બચી ગયા. `સલી'ની ફિલ્મમાં જે દુર્ઘટના છે તેમાં સદ્ભાગ્યે કોઈએ બચવા માટે ન્યૂ યોર્કની હડસન નદીમાં તરવું પડ્યું નહોતું. જે બે પૅસેન્જરો ડરીને તરવા માટે કૂદી પડ્યા એમાંના એક પાછા આવ્યા, બીજાને હેલિકૉપ્ટરમાં બચાવકાર્ય માટે આવેલા એન.વાય.પી.ડી. (ન્યૂ યોર્ક પુલિસ ડિપાર્ટમેન્ટ)ના સ્કૂબા ડાઈવર્સે બચાવી લીધા.

 છ ફૂટ ચાર ઈંચની હાઈટ ધરાવતા ક્લિન્ટ ઈસ્ટવુડે 1954માં અઠવાડિયાના સો ડૉલરના મહેનતાણા પેટે ઍક્ટિંગ કરિયરની શરૂઆત કરી. શરૂમાં એમને કેમેરા સામે હોય ત્યારે કઈ બાજુથી વળીને ફ્રેમમાંથી નીકળી જવું તેની પણ ગતાગમ નહોતી. લોકો એમની ડાયલોગ ડિલિવરીની સખત ટીકા કરતા. દાંત ભીંસીને સંવાદો બોલવાની એ સ્ટિફ સ્ટાઈલ પાછળથી એમનો ટ્રેડમાર્ક બની ગઈ!

 સ્ટાર બન્યા પછી 1968માં આવેલા `હેન્ગ ધેમ હાય' ફિલ્મમાં એમને 4 લાખ ડૉલરની ફી તો મળી, ઉપરાંત ફિલ્મની નેટ બોક્સ ઑફિસ કમાણીમાંથી 25 ટકાનો શેર પણ મળ્યો. એ જ વર્ષે `વ્હેર ઈગલ્સ ડેર' આવી જે એલિસ્ટર મૅક્લિનની આગલા વર્ષે પ્રગટ થયેલી બેસ્ટ સેલર નૉવેલ પર આધારિત હતી. સ્ક્રીન પ્લે પણ એલિસ્ટર મૅક્લિનનો જ હતો. અશ્વિની ભટ્ટે એલિસ્ટર મૅક્લિનની `વ્હેર ઈગલ્સ ડેર' અને `ગન્સ ઑફ નૅવરોન' સહિત બીજી કેટલીક નવલકથાઓના એક જમાનામાં અનુવાદ કર્યા છે: ધ લાસ્ટ ફ્રન્ટિયર, પપેટ ઑન અ ચેઈન, ફિયર ઈઝ ધ કી. આ બધા જ અનુવાદ અત્યારે મળે છે તે વાંચવા જેવા છે.

 `વ્હેર ઈગલ્સ ડેર' માટે ઈસ્ટવુડને સાડા સાત લાખ ડૉલરની ફી મળી. 1971ના અરસામાં શોન કૉનેરીએ જેમ્સ બોન્ડના રોલ કરવાનું બંધ કર્યું ત્યારે ક્લિન્ટ ઈસ્ટવુડને જેમ્સ બૉન્ડની ફિલ્મ ઓફર થઈ હતી. ઈસ્ટવુડે એમ કહીને ના પાડી કે આ પાત્ર બ્રિટિશ એક્ટરે જ ભજવવું જોઈએ.

 1971માં ઈસ્ટવુડે પોતાની ફર્સ્ટ ફિલ્મ ડાયરેક્ટ કરી `પ્લે મિસ્ટી ફૉર મી' અને 1978થી પ્રોડ્યૂસર પણ બન્યા. ક્યારેક એ પોતાની ફિલ્મોમાં કોઈ ગીતની ધૂન પણ બનાવે અને ક્યારેક આખી ફિલ્મનું સંગીત

પણ સંભાળે.

 આવા જાનદાર આર્ટિસ્ટ સાથે ટોમ હૅન્ક્સ હાથ મિલાવે ત્યારે શું થાય એ જોવા તમારે થિયેટરમાં જઈને `સલી' નિહાળવી પડે. આઈમૅક્સ કૅમેરાથી મોટા ભાગની ફિલ્મ શૂટ થઈ છે એટલે આઈમૅક્સ પડદો ધરાવતું થિયેટર ઘરથી દૂર હોય

તો પણ લાંબા થવું. ટાઈમ, એનર્જી, પૈસા બધું વસૂલ છે.

 ટૉમ હૅન્ક્સને છેલ્લે તમે કઈ ફિલ્મમાં જોયો? સ્ટીવન સ્પીલબર્ગની `બ્રિજ ઑફ સ્પાઈઝ'માં. ફિલ્મ ઓકીડોકી પણ છેવટે તો સ્પીલબર્ગની જને. ગાલિબ, ટાગોર કે રમેશ પારેખે લખીને ફાડી નાખેલાં કાવ્યો એમની કચરાટોપલીમાંથી વીણીએ તો એ ગમે એટલાં નકામાં હોય છેવટે તો એમનાં જ ને. મહાન સર્જકોનું બી ગ્રેડ સર્જન પણ બીજા અનેક લોકોનાં એ ગ્રેડ સર્જનો કરતાં કંઈકેટલુંય આગળ હોવાનું. `બ્રિજ ઑફ સ્પાઈઝ'માં તમને સ્પીલબર્ગના ચમકારા તો દેખાય સાથોસાથ ટૉમ હૅન્ક્સ છે તો આ ફિલ્મ છે એવું પણ વારંવાર પ્રતીત થાય. સિક્સ્ટી યર્સના ટૉમ હૅન્ક્સે બરાબર પોતાની ઉંમરને યોગ્ય રોલ `સલી'માં કર્યો છે. `સલી' જોયા પછી તમારા દિમાગ પર ટૉમ હૅન્ક્સનું જે ભૂત ચડી ગયું હોય તે ઉતારવા

તમે ઘરે આવીને એની સૌથી યાદગાર ફિલ્મ `ફોરેસ્ટ ગમ્પ' જુઓ અને ભૂત ઊતરવાને બદલે ઔર જોરથી તમને પકડે એટલે તમે એ જ ડિરેક્ટર (રૉબર્ટ ઝેમેક્સિ)ની `કાસ્ટ અવે' જુઓ, પણ પછી તો તમને ટોમ હૅન્ક્સની `ગ્રીન માઈલ્સ'થી લઈને `સેવિંગ પ્રાઈવેટ ર્ યાન' સુધીની અનેક ફિલ્મો જોવાનું મન થઈ જાય. ટૉમ હૅન્ક્સની ફિલ્મો માટેની સિન્સિયારિટીને જુઓ તો તમને ખ્યાલ આવે કે કહીં તો હૉલિવૂડ ઝિંદા હૈ. ઑસ્કાર એવૉર્ડનાં નોમિનેશન્સ કે એવૉર્ડની ટ્રોફીની આ અભિનેતાને કોઈ નવાઈ નથી. બસ, સારું કામ કરવું છે અને એટલે જ સારી ફિલ્મોમાં, સારી ટીવી સીરિઝમાં એ ગાંઠનાં નાણાં ખર્ચ્યા કરે. ક્યારેક પ્રોફિટ થાય, ક્યારેક ન થાય, પણ સિનેમા-ટીવીના ક્ષેત્રને લાભ જરૂર થાય.

 માણસ કૉન્ફિડન્ટ હોય પણ કૉકી ન હોય, વ્યક્તિમાં ભરપૂર આત્મવિશ્વાસ હોય છતાં એ સહેજ પણ ઘમંડી-તોછડી કે બીજાઓને ઉતારી પાડનારી ન હોય કે ખોટેખોટી વાયડાઈ કરીને નમ્રતા પણ ન દેખાડતી હોય એવી વ્યક્તિનું પાત્ર જીવનમાં મળવું દુર્લભ છે અને એટલે ફિલ્મના પડદા પર ઉતારવું પણ અોલમોસ્ટ અશક્ય છે.

 `સલી' ફિલ્મના પાઇલટ કૅપ્ટન ચેલ્સી સૉલનબર્ગરનું પાત્ર કંઈક આવું જ છે. કૉન્ફિડન્ટ પણ કોઈ જાતનો બ્રેવાડો નહીં. કંટ્રોલ ટાવરની સૂચનાનો અમલ કરવાને બદલે પોતાનું ધાર્યું કરવા જઈ રહ્યો છે ત્યારે જીભાજોડીમાં ઊતરવાને બદલે ચૂપચાપ પૂરી એકાગ્રતા સાથે પોતાને જે કરવું છે તે જ કરે છે. કોઈનેય ગાળાગાળી નથી કરતો. હું જ સાચો ને તમે બધા સાલા બેવકૂફની ઔલાદોવાળો એટિટ્યૂડ નથી દેખાડતો. મારા હિસાબે આવો એટિટ્યૂડ અધૂરા ઘડાની નિશાની છે. એટલે જ આવા ઘડામાંથી ઘમંડ, તોછડાઈ, હુંપદ વગેરે છલકાતાં રહે છે. જેને પોતાની આવડત પર, પોતાના અનુભવ પર અને પોતાનામાં રહેલા સાહસ પર શ્રદ્ધા છે તે કોઈનીય સાથે શબ્દયુદ્ધમાં ઊતર્યા વિના પોતાનું કામ કરે છે અને ચમત્કાર સર્જે છે.

 `મિરેકલ ઑન ધ હડસન' આ હેડલાઈન હતી અમેરિકાનાં પ્રમુખ અખબારોમાં જ્યારે 15મી જાન્યુઆરી, 2009ના રોજ કૅપ્ટન ચેલ્સી સૉલનબર્ગરે હડસન નદી પર 155 પેસેન્જર્સને લઈને વિમાન લેન્ડ કર્યું. ક્રેશ નહીં લેન્ડ કર્યું. વિમાન નદીમાં ખાબક્યું નહીં, ત્રણ હજાર ફૂટની ઊંચાઈએથી આ તોતિંગ વિમાને નદીના પાણીમાં ઉતરાણ કર્યું. તમામ 155 પેસેન્જરો સાથે. સહીસલામત. ચમત્કારો આજે પણ બને છે તે આનું નામ!

 વાતમાં રસ પડતો હોય તો આવતા બુધવારે આગળ લંબાવીએ.

સાયલન્સ પ્લીઝ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,

 દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

 એની બહુ નજીક જવાની સજા છે એ,

 મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

 રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,

 મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

 સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,

 દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો.

 એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,

 જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો.

 એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,

 એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

 સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,

 પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

 કેવી મજાની પ્રેમની દીવાનગી હશે!

 કે જ્યાં `મરીઝ' જેવો સમજદાર પણ ગયો.

  - `મરીઝ'