જુલાઈમાં ચોમાસુ ગુજરાતનાં મહાનગરો પર ભારે મહેરબાન રહ્યું. સુરતમાં તો ઉપરાછાપરી ત્રણ વખત પાણી ભરાવાની અને ખાડી પૂરની સમસ્યા ઉદ્ભવી. હવે કદાચ સરકારી તંત્રના મનમાં એક છૂપો ડર હશે - રોગચાળાનો ડર. ચોમાસુ આમેય રોગચાળાના ફેલાવા માટે `ઉત્તમ' ઋતુ ગણાય. સૂર્યપ્રકાશની ઓછી હાજરી અને ભેજનું વધારે પ્રમાણ રોગ ફેલાવનારા સૂક્ષ્મ જીવો માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે એમ બને.  

હવે જરા એક વિચિત્ર અને સાથે જ અત્યંત ભયંકર ગણાય એવી કલ્પના કરો. જો દેશના કોઈ દુશ્મનો આ પ્રકારના કુદરતી વાતાવરણનો ગેરલાભ ઉઠાવીને કોઈ ચોક્કસ પ્રકારની બીમારી ફેલાવતા સૂક્ષ્મજીવો ચોમેર ફેલાવી દે તો? હોલિવૂડ ફિલ્મના પ્લોટ જેવી આ વાત છે, પણ એને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી શકાય એમ નથી. ત્રણેક દાયકા પહેલાં ભારે વરસાદ પછીના દિવસોમાં સુરત ખાતે પ્લેગ જેવી બીમારી ફેલાયેલી. એ વખતે ઘણાએ એ બીમારીને કોઈક અજાણ્યાં તત્ત્વો દ્વારા ચકાસવામાં આવેલ `બાયોકેમિકલ વેપન' તરીકે ઓળખાવેલી. જોકે, એવું કશું સાબિત નહોતું થઇ શક્યું. કોરોના મહામારી વખતે પણ આવી જ થિયરીઝ વહેતી થયેલી. આ પ્રકારની શક્યતા વાસ્તવિક ન હોય તો પણ વિચારપ્રેરક (અને ચિંતાજનક) તો છે જ.  

વિશ્વમાં એવી કેટલીક બીમારીઓ છે, જેને `માનવ નિર્મિત' માનીને શંકાની નજરે જોવામાં આવે છે. આપણી સામાન્ય માન્યતા એવી છે કે અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં આ પ્રકારની શંકાસ્પદ બીમારીઓ વધુ ફેલાય છે, પણ હકીકતે યુરોપ-અમેરિકાય આવી બાબતોમાં પાછળ નથી. આનું જૂનું અને જાણીતું ઉદાહરણ એટલે લાઈમ ડિસીઝ.  

અમેરિકાનાં જંગલો, પાર્ક અને બેકયાર્ડમાં એક નાનકડું, લગભગ અદૃશ્ય પ્રાણી છુપાયેલું છે. blacklegged tick અથવા deer tick તરીકે ઓળખાતું આ જંતુ મનુષ્યને એવો રોગ આપી શકે છે જે શરૂઆતમાં સાદા ફલૂ જેવો લાગે, પણ સારવાર વગર હાડકાં, હૃદય અને નસો સુધી પહોંચી જાય. આ રોગનું નામ છે લાઈમ ડિસીઝ (Lyme Disease).  

1975માં કનેક્ટિકટના નાના શહેર લાઈમ (Lyme) અને ઓલ્ડ લાઈમમાં અચાનક બાળકોમાં સંધિવા (arthritis) જેવાં લક્ષણો દેખાવા લાગ્યાં. ડોક્ટરોને લાગ્યું કે આ કોઈ નવો રોગ છે. યેલ યુનિવર્સિટીના સંશોધકો એલન સ્ટીયર અને સ્ટીફન માલાવિસ્ટાએ તપાસ કરી અને જોયું કે આ ટિકના કરડવાથી થાય છે. રસપ્રદ વાત એ છે કે આ બેક્ટેરિયા હજારો વર્ષોથી અમેરિકામાં હતા, પણ હરણોની સંખ્યા વધી અને માનવ વસ્તી તરફ એમની અવરજવર શરૂ થઇ પછી આ રોગનો વ્યાપ અચાનક વધ્યો. 2023માં 89,000થી વધુ કેસ નોંધાયા. જોકે, વાસ્તવિક આંકડો આનાથી મોટો હોવાનું મનાય છે.  

ટિક કરડ્યા પછી સામાન્ય રીતે 3થી 30 દિવસમાં લક્ષણો દેખાય છે. તાવ, ઠંડી, થાક, માથાનો દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો તેમજ શરીરે લાલ ચકામાં પડવાં વગેરે લક્ષણોને આધારે લાઈમ ડિસીઝ ઓળખાય છે. જો ઝડપી નિદાન અને સારવાર ન થાય તો ચહેરાના પક્ષઘાત (Bell's palsy), સાંધામાં સોજો અને તીવ્ર દુખાવો (Lyme arthritis), હૃદયની લયમાં ખલેલ (Lyme carditis) અને નસોની સમસ્યાઓ તેમજ મેનિન્જાઇટિસ જેવાં લક્ષણો સુધી વાત પહોંચે છે. જોકે. સમયસર સારવાર મળે દર્દી સંપૂર્ણ સાજા થઈ જાય છે.  

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ક્રિસ ન્યુબી નામના વિજ્ઞાન લેખિકાએ આ લાઈમ ડિસીઝના ભેદી ભૂતકાળ પર પ્રકાશ પાડતું એક પુસ્તક લખ્યું છે. કેટલાક તજ્જ્ઞોના મતે વીસમી સદીના મધ્ય ભાગ દરમિયાન થયેલા બાયો વેપન્સનાં પરીક્ષણો લાઈમ ડિસીઝ પેદા થવા માટે જવાબદાર છે. એમનું માનવું છે કે બગાઈ ઉપરનો કોઈ પ્રયોગ મિસફાયર થવાને કારણે આ રોગ ઉદ્ભવ્યો હોઈ શકે. કેટલાક લોકો દાવો કરે છે કે લાઈમ ડિસીઝ અમેરિકાની સરકારી લેબ (ખાસ કરીને ન્યૂ યોર્કની Plum Island Animal Disease Center)માં બનાવવામાં આવ્યો હતો અથવા ત્યાંથી અકસ્માતે ફેલાયો હતો. આ મુદ્દો અમેરિકા અને યુરોપની પ્રજાના મગજમાં એવો ઘુમરાતો રહે છે કે થોડા વર્ષો પહેલાં અમેરિકાની સંસદમાંય આ વિશે ચર્ચા થયેલી.  

જોકે, આ બધી વાતો માત્ર વિવાદાસ્પદ ચર્ચાઓ ઊભી કરવાથી આગળ વધી શકી નથી. બીજી તરફ વિજ્ઞાન પાસે જુદા જ પુરાવા છે. 

Borrelia burgdorferi નામક બેક્ટેરિયાને લાઈમ ડિસીઝ માટે જવાબદાર માનવામાં આવે છે. આ બેક્ટેરિયા તો અમેરિકામાં ઓછામાં ઓછા 60,000 વર્ષથી હાજર છે. જિનોમિક અભ્યાસો દર્શાવે છે કે તે છેલ્લા હિમયુગ (Last Glacial Maximum) પહેલાંથી અસ્તિત્વમાં હતું. એનો અર્થ એમ થાય કે માનવો અમેરિકા પહોંચ્યા તે પહેલાંથી જ આ જંતુઓ પહોંચી ગયેલા. 1890ના દાયકાના ઉંદરો અને 1940-50ના દાયકાના ટિક્સમાં આ બેક્ટેરિયા મળ્યા છે, જ્યારે Plum Island લેબ તો ઠેઠ 1954માં શરૂ થયેલી.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો