હેડિંગ વાંચીને ચોંકી ગયા? મનમાં પ્રશ્ન પણ થયો હશે કે મેરેજ પછી ગ્રેજ્યુએશન કરવાની વાત છે કે `મેરેજ' સબ્જેક્ટ પર કોઇ ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સની વાત છે.

ના, મેરેજ ગ્રેજ્યુએશન એ આવી કોઇ વિભાવના સાથે સંબંધ નથી ધરાવતો. એમાં પતિ-પત્ની સાથે, પરંતુ સ્વતંત્ર રીતે રહે એવી વિભાવના છે, જે જાપાની સંસ્કૃતિમાંથી આવી છે અને ધીરે-ધીરે વિશ્વના અન્ય દેશોમાં પ્રચલિત બની રહી છે. મેરેજ ગ્રેજ્યુએશનને જાપાનમાં સોત્સકોન કહેવાય છે.

સોત્સ્યુગો મતલબ સ્નાતક અને કેકોન મતલબ લગ્ન. જેવી રીતે બાળકો ગ્રેજ્યુએટ થઇને નવી દુનિયામાં જાય છે એવી જ રીતે પતિ-પત્ની પોતાની ગૃહસ્થી અને બાળકોની જવાબદારીઓ પૂરી કર્યા પછી લગ્નના બંધનને ગ્રેજ્યુએટ કરીને પોતાના માટે જીવવાનું શરૂ કરે છે. કાયદાની રીતે બંને પતિ-પત્ની જ રહે છે, પરંતુ અલગ-અલગ ઘરોમાં રહીને અથવા તો એક જ ઘરમાં રહીને અલગ-અલગ લાઇફસ્ટાઇલ જીવે છે. આ વિભાવના આપનાર લેખિકા કહે છે કે, પતિ-પત્ની લાંબા વર્ષો સાથે રહ્યાં હોવાથી અલગ થઇ જવું અનેક કેસોમાં મુશ્કેલ બને છે. આખી જિંદગી બંનેએ પરિવાર માટે કે એકબીજા માટે અનેક સમાધાનો કર્યાં હોય છે. ગમા-અણગમા જીરવ્યા હોય છે, પરંતુ ઉંમરના એક પડાવ પછી આ બધું સહન કરવું મુશ્કેલ લાગે છે. સમાધાન અને બંધનોથી પર બનીને પોતાની ઇચ્છા મુજબ અને પોતાની શરતે જીવવું હોય છે. જવાબદારીથી મુક્ત થઇને એક અલગ દુનિયાને એક્સ્પલોર કરવી હોય છે, પણ ડિવોર્સની પીડાદાયક પ્રક્રિયામાંથી નથી પસાર થવું. સાવ છેડો ફાડીને એકબીજાથી દૂર જતા રહેવું એવું પણ નથી અને પરસ્પર ધિક્કાર-નફરત જ હોય એ પણ જરૂરી નથી. જરૂરી છે માત્ર જવાબદારીમાંથી મુક્તિ અને પોતાની સ્વતંત્ર જિંદગી જીવવાની ઇચ્છા.

ભારતીય લગ્નજીવનની વાત કરીએ તો અહીં લગ્નમાં પતિ-પત્ની સમાજ-બાળકો-પરિવાર વગેરેને કારણે પોતાની ઇચ્છા મુજબ જીવી શકતાં નથી અને છૂટા પડવું સહજ ન હોવાને કારણે પડ્યું પાનું નિભાવી લે છે. હા, ઘણાં લગ્નોમાં પ્રેમ-સમજણ-સંવાદ બધું હોય છતાં પોતાની સ્વતંત્રતા નથી હોતી. પતિ-પત્ની કોઇ ને કોઇ કારણસર એકબીજાને કંટ્રોલ કરતાં રહે છે. કેટલાક એને પ્રેમ ગણીને ખુશ થાય તો કેટલાકને પોતાની આઝાદી છીનવાયેલી જણાય, પણ સમજણ-સલામતી-સંસ્કાર અને સાથે રહેવાથી સર્જાયેલી સ્નેહ અને સન્માનની લાગણી એકબીજાને જોડી રાખે છે. દેખીતી કોઇ ફરિયાદ ન હોય પણ એકાંતની ક્ષણોમાં એવું લાગે કે નહીં, મારે આ રીતે નહોતું જીવવું. મારા સપનાની જિંદગી તો અલગ હતી. ઉંમરના એક પડાવે `એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ'માં પ્રવેશ્યા બાદ સામાજિક-પારિવારિક જવાબદારીઓ પૂરી થાય છે. જીવનસાથીના પગલે-પગલે ચાલવાની ઇચ્છા મૃતઃ પ્રાય થાય છે અને પોતાની જિંદગી બંધનો, જવાબદારી વિના જીવવી છે. રોજરોજની પળોજણમાંથી રિટાયર્ડ થવું છે તો મેરેજ ગ્રેજ્યુએશનની ફિલોસોફી અપનાવી શકાય.

અહીં સંબંધોમાંથી ડ્રોપ આઉટ નથી કરવાનું, પરંતુ સમજદારી અને સંમતિથી એક સ્વતંત્રતાના સ્તર સુધી પહોંચવું છે. આ અલગાવ નકારાત્મક નહીં, સકારાત્મક છે. બંને લગ્નમાં હોવા છતાં વ્યક્તિગત જીવન જીવે છે. મોટાભાગની દુનિયાની સંસ્કૃતિમાં પતિ કમાનાર અને પત્ની ઘર સંભાળનારી હોય છે. જ્યારે પતિ રિટાયર થાય છે ત્યારે એ 24 કલાક ઘર પર રહે છે અને આશા રાખે છે કે પત્ની એની ખિદમતમાં 24 કલાક હાજર રહે. સોત્સોકોન યાને મેરેજ ગ્રેજ્યુએશન આ પરંપરાને તોડે છે. જેવી રીતે પતિ નોકરીમાંથી રિટાયરમેન્ટ લે છે એવી જ રીતે પત્ની પણ હાઉસવાઇફની ભૂમિકામાંથી નિવૃત્તિ લે છે. ડિવોર્સની જેમ અહીં ખટરાગ નથી હોતો અને દરેક પતિ-પત્ની પોતાની ઇચ્છા મુજબ સ્ટાઇલ પસંદ કરે છે. જેમ કે, વીકેન્ડ મેરેજ સ્ટાઇલ. જેમાં પતિ-પત્ની અલગ-અલગ ઘરોમાં રહે છે. દાખલા તરીકે પતિને પોતાના નેટિવ ગામમાં જઇને સમાજસેવા કરવી છે જ્યારે પત્નીને શહેરમાં રહીને આધુનિક સુખ-સુુવિધાની મજા માણવી છે, તો બંને વીકએન્ડમાં સાથે અને બાકીના દિવસોમાં અલગ રહેશે. આ દૂરી બંનેના સંબંધોમાં તાજગી લાવશે. બીજી સ્ટાઇલ છે હાઉસમેટ. જેમાં પતિ-પત્ની એક જ ઘરમાં, પરંતુ અલગ-અલગ રૂમમાં રહે છે અને બંને પોતપોતાનાં બધાં કામ જાતે કરે છે અને એકબીજાને જણાવ્યા વિના આવનજાવન અને મનગમતી પ્રવૃત્તિ કરશે. ઇચ્છા થાય તો સાંજે સાથે ચા પીવે, ટી.વી. જુએ કે વાતો કરે, પરંતુ એમાં કોઇ ફરજિયાતપણું નથી હોતું.

મેરેજ ગ્રેજ્યુએશન એ જવાબદારી પૂરી કર્યા પછીનો નિર્ણય છે. વી.આર.એસ. લાંબી ઉંમર અને બાળકોના સાથે ન રહેવાને કારણે પતિ-પત્નીએ પાછલી ઉંમરે લાંબો સમય એકલાં સાથે રહેવું પડે છે. આખી જિંદગી બીજાની મરજી મુજબ જીવ્યા બાદ પોતાની મરજી મુજબ જીવવાની ઇચ્છા સ્વાભાવિક છે. આ નિર્ણય સમજણપૂર્વક લેવાતો હોવાથી એમાં સ્વીકાર અને સન્માન છે. સ્વાયત્તતા અને સ્વતંત્રતા અપેક્ષાઓ ઓછી કરે છે તેથી ઝઘડા ખતમ થાય છે. કાયદાની રીતે બંને સાથે હોવાથી કાયદાનું રક્ષણ મળે છે, પરંતુ અલગ રહેવાથી ખર્ચ વધશે. અહીં પત્નીનું આર્થિક રીતે સ્વતંત્ર હોવું જરૂરી છે. બીજું, આપણે ત્યાં 95 ટકા પુરુષો પોતાનાં નાનાં-મોટાં કામ માટે પત્ની પર નિર્ભર રહે છે ત્યારે તેઓ ઘરની સઘળી જવાબદારી ખુદ સંભાળી શકે ખરા? બીજું, એક ઉંમર પછી માંદગી વગેરેમાં સાથીની જરૂર વધારે પડે છે. જો સાથીમાં સંવેદના ઓછી હોય તો એ માંદગી વગેરેમાં પોતાના હાથ ઊંચા કરી શકે. સોત્સકોન એવું માને છે કે પ્રેમનો મતલબ હંમેશાં ચીપકી રહેવાનો નથી. લગ્ન તો જ સફળ થાય જો એમાં બંને લોકોને ખૂલીને શ્વાસ લેવાની સ્વતંત્રતા મળે.

જેમણે પોતાનાં સપનાંને બીજા માટે દબાવીને રાખ્યાં છે એમને એમના સપનાની જિંદગી જીવવાની તક અવશ્ય મળવી જોઇએ. મે, બી અલગ રહેવાથી બંનેને એકબીજાની વેલ્યૂ સમજાય અને રિસ્પેક્ટ વધે. આમ જુઓ તો આખી જિંદગી બીજાની ઇચ્છા મુજબ જીવવું એ માનસિક અત્યાચાર છે અને આ નવી વિભાવના દ્વારા જીવનમાં મોકળાશ આવે તો એમાં ખોટું શું?