પત્નીની હત્યા કરનાર પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ ‘ક્રોત્ઝર સોનાટા’નો નાયક) એક ટ્રેનયાત્રા દરમિયાન કોઈ અજાણ્યા સહયાત્રીને એકડે એકથી સમજાવે છે કે એ પત્નીનું ખૂન કરવાની હદે કઈ રીતે પહોંચ્યો. એ કહે છે,

મારી પત્નીએ બાળકોનું સારી રીતે પોષણ કર્યું. બાળકોને એ સ્તનપાન કરાવતી કે પછી એની ગર્ભાવસ્થામાં ચાલી રહી હોય એ બધા તબક્કાઓ દરમિયાન, ટૂંકમાં બાળકોને લીધે, હું ઇર્ષ્યાની પીડાથી તો બચ્યો, પરંતુ બાળકો એક જુદા જ પ્રકારના ત્રાસનું કારણ બની રહ્યાં.

બાળકો એક પછી એક ધડાધડ જન્મ્યાં અને પછી આપણા ઉચ્ચ સમાજમાં જોવા મળે છે એ જ સિલસિલો. બાળકો અને ડોક્ટરો, આપણા સમાજની માતાઓ માટે બાળકો સુખ, સંતોષ અને સાર્થકતાનો સ્રોત નથી હોતાં. એમના માટે બાળકો ચિંતા, બેચેની અને અનંત પીડાનું કારણ બની રહે છે. એ પીડાનું કારણ હોય છે પ્રેમ. માતૃત્વની સાહજિક અને મજબૂત વૃત્તિ ધરાવતી સ્ત્રીઓ (જેમાં મારી પત્નીનો પણ સમાવેશ થાય)ને પ્રસૂતિની પીડા વેઠવાનો કે બાળઉછેરની મહેનતનો કોઈ વાંધો નથી હોતો. એ બધું તો તેઓ પોતાની માતૃસહજ વૃત્તિના જોરે કરી લે છે, પરંતુ બાળકો માંદાં પડે અને મૃત્યુ પામે એ વાતનો એમને બહુ ડર હોય છે. આપણા સમાજની કેટલીક સ્ત્રીઓ એવું વિચારીને સંતાનને સ્તનપાન કરાવવાનું ટાળે છે કે એમ કરવાથી બાળક સાથેનું બંધન મજબૂત બનશે અને પછી જો એ માંદું પડે કે એને ગુમાવવું પડે તો બહુ પીડા થશે. આપણને એવું લાગે જાણે આ સ્ત્રીઓને જીવતાં બાળકો નથી જોઈતાં. એમને જોઈએ છે રબરનાં રમકડાં જેવાં બાળકો, જે માંદાં ન પડે, મરે નહીં અને જેને રિપેર કરી શકાય.

બાળક પ્રત્યેનો આનંદદાયક પ્રેમ સ્ત્રીને જોખમરૂપ લાગવા લાગે છે. અલબત્ત, બાળકના ટચૂકડા હાથ-પગ, એનું નિર્દોષ સ્મિત આ બધું જોઈને માતા ખૂબ રાજી થાય એ ખરું, પરંતુ આ તો બાળકના કેવળ સ્થૂળ શરીરની વાત થઈ. ભવિષ્યમાં સૃષ્ટિમાં આપણું સ્થાન લેનાર તરીકે બાળકનું પૃથ્વી પર અવતરણ થાય છે એ ગૂઢ પ્રક્રિયા વિશે અને નવા જીવનના ઊંડા અર્થ વિશે તેઓ ભાગ્ય જ વિચારે છે.

જૂના જમાનામાં આપણી અંદર કેટલીક શ્રદ્ધાઓ હતી. જેમ કે, ભગવાન જે રીતે બાળક આપે છે એ રીતે લઈ પણ લે. નાની ઉંમરે મરનાર બાળક સ્વર્ગમાં જ જાય. પાપના જીવન સુધી (પુખ્ત ઉંમર સુધી) પહોંચતાં પહેલાં કેવળ પુણ્યમય જીવન જીવીને જતાં રહેવું એ કંઈ એટલી ખરાબ બાબત નથી. આ બધી શ્રદ્ધાઓ હવે આપણી અંદર નથી રહી. આધુનિક (ઉચ્ચવર્ગીય) માતાઓ માટે બાળક મતલબ ચિંતાઓ, ડોક્ટરો અને અનંત ઉચાટ.

બીજી તરફ પ્રાણીઓને જુઓ. ગાયનું વાછરડું જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ગાય એવું નથી વિચારતી એ કેવા ઉપચારોથી વાછરડાને બચાવી શકી હોત. વાછરડું મરે ત્યારે ગાય દુઃખી તો થાય, પણ વાછરડાના મૃત્યુની ઘટના એના માટે એક પરિસ્થિતિ હોય છે, જેમાંથી એ પસાર થઈ જાય છે અને ઝડપથી દુઃખને વિસરી જાય છે. એ વાછરડાના મૃત્યુ વિશે ગહન ચિંતન કરીને હતાશાની ગર્તામાં નથી ધકેલાતી. એ બધું તો આપણા ઉચ્ચ સમાજની ભરેલા પેટની મહિલાઓ માટે છે. ગાય ક્યારેય ‘શા માટે’ એવો સવાલ નથી ઉઠાવતી. આટલી પીડા શા માટે? આટલો પ્રેમ શા માટે? મારું જ વાછરડું શા માટે મર્યું? ગાય એવું નથી વિચારતી કે એકના મૃત્યુ પછી બીજું વાછરડું હું નહીં જન્મવા દઉં અને ભૂલેચૂકે એ જન્મી જાય તો મારું દૂધ એને નહીં પીવા દઉં, જેથી એ મરી જાય તો પીડા ઓછી થાય.

બીજી વાત. બચ્ચા પર જોખમ આવે ત્યારે પ્રાણીઓની માદા જે હદે પોતાનો જીવ જોખમમાં મૂકે એ હદે માનવસ્ત્રીઓ જોખમ ન ખેડે. આ બધું કહીને હું એવું નથી સાબિત કરવા માગતો કે સ્ત્રીઓ પ્રાણીઓ કરતાં ઊતરતી હોય છે. ના, ઊલટાનું હું તો કહું છું કે સ્ત્રી પ્રાણી કરતાં ચડિયાતી છે (ચડિયાતી ગણવી પણ યોગ્ય નથી, એમ કહીએ કે સ્ત્રી જુદી હોય છે). આપણે એવી-એવી માતાઓના કિસ્સા વાંચ્યા છે, જેમણે કોઈ ઉચ્ચ હેતુ ખાતર પોતાનાં સંતાનોનું બલિદાન આપ્યું હોય. વ્યાપક હિત ખાતર પોતાના સંતાનની આહુતિ આપનારી સ્ત્રીઓની વાત હવે તો બહુ જૂના જમાનાની લાગે એવી છે, પણ મારો મુદ્દો એ છે કે જો માતાઓ એમના માતૃત્વને ઊર્ધ્વગામી ન બનાવી શકે તો પછી એમનું માતૃત્વ બાળકને કોઈ પણ ભોગે જીવતું રાખવા માટેની ચિંતાઓમાં અને સરવાળે ડોક્ટરો સાથે પનારો પાડવામાં અટવાઈ જાય છે.

બાળકના આત્માને ચાહવાને બદલે માતાઓ ફક્ત શરીરની સંભાળમાં અને ઉપચારોમાં જ ડૂબેલી રહે છે. એને સતત એવો ડર રહ્યા કરે કે બાળકને કોઈ ચેપ લાગી જશે તો! મારી પત્ની આમ તો ડરપોક નહોતી, પણ ડોક્ટર જો ડિપ્થેરિયા કે એવો એકાદ શબ્દ ફેંકે કે તરત એ ફફડી ઊઠતી. સ્ત્રીઓ વચ્ચેની ચર્ચાના કેન્દ્રમાં પણ ડોક્ટર હોય. એક આ ડોક્ટરને સારો ગણાવે, બીજી બીજા ડોક્ટરને અને રોગચાળાથી બચવા માટે ઘરો બદલવાના ઉધામા કરવામાં આવે. એનાથી કંઈ થોડો ફેર પડે? અતિ અમીરો ડિપ્થેરિયાના રોગચાળા પછી આખું ઘર તોડાવીને નવું બનાવે અને ફર્નિચર પણ બધું બદલી નાખે અને આ બધા પછી પણ એ માંદા તો પડે જ.

ટૂંકમાં, આપણે એ નથી સમજી શકતા કે મૃત્યુ છેવટે તો શરીરનો જ અંત છે, આત્માનો નહીં. છેવટે તો બધું ઇશ્વરની ઇચ્છા મુજબ જ થાય છે એવી શ્રદ્ધા આપણી અંદર ન હોવાને કારણે બાળઉછેર આપણા માટે આનંદ અને ઉલ્લાસને બદલે ચિંતા અને ત્રાસનું કારણ બની

રહે છે. (ક્રમશઃ)

***

અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટોલ્સ્ટોય, અથવા કહો કે એમનો નાયક પોઝ્નીશેફ બાળઉછેરનો ત્રાસ વર્ણવતી વખતે બહેકી ગયો છે. વાસ્તવમાં બાળઉછેરનો

અનુભવ આટલો કાળોડિબાંગ નથી હોતો. એ ખરું કે બાળકોની બીમારી અને મૃત્યુની ઘટનાઓ અત્યંત પીડાદાયક હોય છે, પરંતુ એ તો અપવાદરૂપ બાબત થઈ. સરવાળે તો મોટા ભાગના લોકો માટે બાળઉછેરની સુખદ પળોની સ્મૃતિઓ આજીવન સુખ-સંતોષ આપનારો ખજાનો બની રહેતી હોચ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો