થોડા સમયની પહેલાંની એક ઘટના છે. એક પાંત્રીસ વર્ષની યુવતીનો પતિ મૃત્યુ પામ્યો. ઘરમાં ઉદાસ ત્રણ બાળકો, પરિવારની રોકકળ અને લોકોની તીવ્ર અવરજવર તથા જાતજાતની વાતચીતથી એ યુવતી ગૂંગળાઈ જતી હતી.
પંદરેક દિવસ પછી બાળકોને સ્કૂલે મૂકવા નીચે જાય ત્યારે એપાર્ટમેન્ટના ગાર્ડનમાં સવારે વોક લેવાનું એણે ચાલુ કર્યું તો એક પંચાતિયાએ એ યુવતીના ફોટા એપાર્ટમેન્ટના ગ્રૂપમાં મૂકી લખ્યું કે, વાહ! ક્યા જમાના હૈ? લોગ ગમ મેં સે કિતની જલદી બાહર આ જાતે હૈં. લોકોએ જાતજાતની કમેન્ટ કરી અને પછી એ ભાઈએ ફોટો ડિલીટ કરી દીધો. અરે ભાઈ! કોઈના જીવનને ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર મૂકીને જજ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? આટલી હલકાઈ કરનારા લોકોને સજા ન આપવી જોઈએ?
ઘણીવાર સોશિયલ મીડિયા પર યુવાન-યુવતીની અંગત ક્ષણોની ક્લિપ ફરતી હોય કે કોઈ સાધુ સમાજના પતનનો વીડિયો વાઇરલ થયો હોય, લોકો એને નવેનવ રસમાં તરબોળ બનીને જુએ અને ટીકા કરે. એટલું જ નહીં અનેક ગ્રૂપમાં ફોરવર્ડ કરે. અગર તમારા પરિવારનાં કોઈ સંતાનો સાથે આવી ઘટના બની તો? જે નિંદારસને શાસ્ત્રો નરકનું કારણ ગણે છે એ નિંદારસમાં સોશિયલ મીડિયાએ આપણને ગળાડૂબ કરી દીધા છે. કોઈની નવી ગાડીના પિક્સ જોયા એટલે લાગતાવળગતાને ફોન કરીને પંચાત શરૂ થઈ જાય કે બે નંબરના પૈસા ક્યાંકથી આવ્યા હશે એટલે નહીં તો એની હેસિયત તો બાઈક લેવાની પણ નથી. કોઈ પતિ-પત્નીના હસતા સરસ મજાના પિક્સ દેખાય એટલે ટિપ્પણી શરૂ, આખો દિવસ તો ઝઘડતાં હોય છે અને ફોટામાં દેખાવ કરે મેડ ફોર ઈચ અધરનો.
કેટલાક લોકો સોશિયલ મીડિયાની પોસ્ટ પર સીધી જ ટીકા-ટિપ્પણી કરીને જાહેરમાં માનસિકતાને છતી કરે, જ્યારે કેટલાક પોસ્ટ જોઈને સંબંધિત લોકોને ફોન કરી નકારાત્મકતાની ઊલટીઓ કરે. રાજકારણ, આર્થિક, સામાજિક કે ફેશન-વ્યસનની ટીકા-ટિપ્પણી બરાબર છે, પરંતુ કોઈની અંગત લાઈફ, દેખાવ કે સફળતા-નિષ્ફળતાની મજાક ઉડાવવી એ મગજની જ નહીં, હૃદયની નકારાત્મકતા પણ વ્યક્ત કરે છે.
આમ તો નેગિંગ શબ્દની ઉત્ત્પત્તિ `Neg' શબ્દથી થઈ છે, જેનો અર્થ નકારાત્મક પ્રતિક્રિયા આપવી એવો થાય છે. આ પ્રવૃત્તિ રણનીતિ અથવા બદદાનતથી થાય છે. જ્યાં નેગિંગ કરનારનો ઉદ્દેશ ધ્યાન આકર્ષિત કરવાનો, અન્ય પર નિયંત્રણ મેળવવાનો અને સામી વ્યક્તિના મનમાં ડર ઊભો કરવાનો હોય છે, પરંતુ અહીં જે અપમાન થાય છે તે પ્રત્યક્ષ નહીં પરોક્ષ, બોલકું નહીં ગર્ભિત હોય છે. ક્યારેક મજાક તો ક્યારેક વ્યંગ કે કટાક્ષ જોવા મળે. એની પાછળનું મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ અસલામતી અને ઈર્ષ્યા હોય છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર કોઈની પરફેક્ટ લાઈફ જોઈએ છીએ ત્યારે આપણે આપણી લાઈફની સરખામણી એમની સાથે કરીને હીનતા મહેસૂસ કરીએ, પણ આ હીનતાને છુપાવવા માટે બીજાની પોસ્ટ પર નકારાત્મક પ્રતિક્રિયા આપીને ખુદને એમનાથી બહેતર બતાવવાનો પ્રયાસ થાય. ઈર્ષ્યાનો ભાવ પણ નકારાત્મકતા તરફ દોરે છે. વળી, સોશિયલ મીડિયા પર સફળ જ નહીં, સામાન્ય લોકો પણ ખુદને વધુ ને વધુ ગ્લોરિફાય કરીને મૂકે છે, જેથી લોકો અંજાઈ જાય છે. પીળું એટલું સોનું નથી હોતું. એવું ન સમજનારા લોકો બીજાથી અંજાય છે અને ઈર્ષ્યા તથા અસલામતી અનુભવે છે. બીજું એક મનોવૈજ્ઞાનિક કારણ ડોપામાઈનની અસર છે. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે ચાલાકીભરી કમેન્ટ કરે છે અને એ કમેન્ટ પર બીજા લોકો પણ સમર્થન આપે છે. વળી, એને લાઇક્સ મળે છે ત્યારે અંદરખાને ઈગો સંતોષાય છે. આ સંતુષ્ટિથી ખુશીઓવાલા હોર્મોન્સ ડોપામાઈન રિલીઝ થાય છે. આ સમર્થન અને પ્રશંસા એમની પાસે વારંવાર આવો વ્યવહાર કરાવે છે. બીજું, જીવનમાં આપણને ઘણા લોકો પર દાઝ હોય છે. ક્યારેક સંબંધોમાં કોઈ વાત અંદર સુધી ડંખી ગઈ હોય એનો બદલો લેવો હોય છે, પરંતુ મોઢામોઢ કશું કહેવાની આપણામાં હિંમત નથી હોતી, તેથી અસલ જિંદગીમાં જે સામસામે ન કહી શકાય એ સ્ક્રીન પર વગર ડરે, વગર સંકોચે કહી શકાય. અહીં તમારા હાવભાવ તમારા મનની કટુતા દેખાતી નથી, પરંતુ શબ્દો દેખાય છે અને શબ્દોના અર્થ હજાર હોઈ શકે, જેને જે માનવું હોય તે માની શકે.
સોશિયલ મીડિયા પર નેગિંગના વધતા પ્રભાવનું એક કારણ `કૂલ' દેખાવાની નવી રીત બીજાઓની ખામી શોધવાની પ્રચલિત બની રહી છે. વ્યંગ્ય અને કટાક્ષ દ્વારા લોકો ખુદને વધારે બુદ્ધિમાન સાબિત કરવાની કોશિશ કરે છે. જેમ કે, તારી પ્રગતિ તો સારી છે, પણ વધારે મહેનત કરી હોત તો સારું. પ્રશંસા અને અપમાન બંને સાથે વ્યક્ત કરવાની આદતને લોકોનું સમર્થન મળે છે એટલે પહેલાં બે સારા શબ્દો બોલો અને પછી ઝેર ઠાલવો. બીજું, આજે કમેન્ટ અને મીમ્સ દ્વારા કોઈની પણ ફીરકી ઉતારવાનો ટ્રેન્ડ બન્યો છે. બધા કરે છે એટલે યોગ્ય છે, સ્વીકાર્ય છે આ માન્યતા એ નેગિંગને આદત બનાવી દીધી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સક્રિયતાને મોટી શક્તિ-તાકાત-આવડતના રૂપમાં જોવાય છે. સક્રિય રહેવા અને બીજા કરતાં પ્રભાવશાળી દેખાવા લોકો વગર વિચાર્યે કમેન્ટ કરે છે. શરૂઆતમાં શોખ, પછી માનસિક અને ઇર્ષ્યા- અસલામતી અને છેલ્લે ટેવ બની જાય છે નેગિંગની વૃત્તિ -
જે સામી વ્યક્તિને નહીં પણ તમને પણ નેગેટિવ વ્યક્તિત્વની કેટેગરીમાં મૂકે છે.
સ્માર્ટ લોકો સમજે જ છે કે તેમને દુઃખે પેટ છે અને કૂટે છે માથું.
સોશિયલ મીડિયાની નકારાત્મકતા ક્યારે વાસ્તવિક જીવનમાં છવાઈ જાય એની ખબર નથી પડતી. નકારાત્મકતા તમારી સર્જનાત્મકતાને ખતમ કરે છે.
તમે જે રીતે નેગિંગ કરશો એ જ રીતે બીજા પણ તમારી પોસ્ટ પર નકારાત્મકતાનો કચરો ઠાલવશે. ખોટા ઇરાદાથી થતું નેગિંગ માનસિક રીતે ડિસ્ટર્બ કરે છે.
બીજાઓની લાઈફ પર ફોકસ કરવાથી આપણી લાઈફ પરનું ફોકસ ઘટે છે. સમયની બરબાદી થાય છે, તો નેગિંગને ટાટા બાય બાય કરીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
