ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'માં પોતે કરેલા પત્નીના ખૂન વિશે પોઝ્નીશેફ નામનો એક માણસ અજાણ્યા સહયાત્રીને એકડે એકથી આખી કથા કહી રહ્યો છે. પોતાનાં લગ્ન વિશે એ કહે છેઃ
`ચર્ચમાં જઈને પરણવાની આખી કવાયત આમ જુઓ તો એ ખરીદ-વેચાણની વિધિ છે, જેમાં એક કુંવારિકા વેચાય છે અને એક લંપટ ખરીદી કરે છે. સોદો ધામધૂમથી પાર પાડવામાં આવે છે.'
`બધા આમ જ પરણે છે અને અમે પણ આવી જ રીતે પરણ્યાં. પછી હનીમૂન... જુવાનિયાંઓને ખબર જ નથી હોતી કે હનીમૂન (એમાંથી મળતું સુખ) એ કેવો મોટો ભ્રમ છે. મને એ નથી સમજાતું કે હનીમૂન ભ્રમનિરસન કરાવે છે એ વાત હનીમૂન માણી ચૂકેલા બધા જ લોકો છુપાવે શા માટે છે.
`એકવાર હું પેરિસના એક રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે મેં એક શોનું પાટિયું જોયું. એનાથી આકર્ષાઈને હું એ શો જોવા ગયો. એ દાઢી ધરાવતી એક સ્ત્રી અને સીલ માછલી જેવા દેખાતા એક કૂતરાનો શો હતો. અસલમાં એ દાઢીધારી પુરુષ જ હતો, જેણે સ્ત્રીનો વેશ ધરેલો અને પેલો કૂતરો એક સાદો કૂતરો જ હતો, જેને સીલ માછલની ખાલ પહેરાવવામાં આવેલી. શો વાહિયાત હતો, પણ પછી જ્યારે હું બહાર નીકળી રહ્યો હતો ત્યારે શોનો આયોજક મને અત્યંત શાલીનતાપૂર્વક દરવાજા સુધી દોરી ગયો અને દરવાજાની બહાર ઊભેલા લોકોને સંબોધીને એણે કહ્યું, `પૂછો આ સાહેબને (મને), જેમણે હમણાં જ આ શો જોયો. છેને શાનદાર શો? આવો, જુઓ. ફક્ત એક જ ફ્રાન્કમાં' હું ગૂંચવાઈ ગયો. આ એક વાહિયાત શો છે એવું બોલવાની હું હિંમત ન કરી શક્યો. શોના આયોજકને મારી આ ભીરુતા પર ભરોસો હતો.
આવું જ હનીમૂનનું છે. જે લોકો હનીમૂનનો અનુભવ લઈ ચૂક્યા છે તેઓ હનીમૂન પર જનારાઓને એવું કહેવાની હિંમત નથી કરી શકતા કે છોડો, વાતમાં કંઈ માલ નથી. સામેવાળાનો મૂડ શા માટે ખરાબ કરવો? મેં પણ આવું જ કર્યું (હનીમૂન ગ્રેટ રહ્યું એવો દેખાડો કર્યો).
`હનીમૂનમાં મહાઆનંદ જેવું કશું નથી હોતું. હોય છે બેચેની, શરમ, દયા અને ખાસ તો થાક અને કંટાળો. ભયંકર કંટાળો. આ તો કોઈ જુવાનિયો પહેલી વાર ધૂમ્રપાન કરે એના જેવું હોય છે. એ વખતે એને ઊબકા આવે, પણ એ ઊબકાને દબાવીને એવો દેખાડો કરે જાણે એને મજા આવી રહી છે. લગ્ન નામનું આ વ્યસન.'
`વ્યસન?' મેં (અજાણ્યા સહયાત્રીએ) પૂછ્યું: `લગ્ન એ કંઈ વ્યસન થોડું છે? એ તો એક સૌથી સાહજિક-કુદરતી બાબત છે.'
`કુદરતી' એ (ખૂની પોઝ્નીશેફ) બોલ્યો: `ના, લગ્ન કુદરતી નથી. હું તો એને કુદરતથી વિરુદ્ધ ગણું છું અને આ તો હું કહું છું, હું એક વિકૃત માણસ (જે વાસનાના અતિરેકમાં રાચી ચૂક્યો છે), પરંતુ વિચાર કરો, હું વિકૃત-ભ્રષ્ટ ન હોત તો તો લગ્નની સંસ્થા મને અત્યારે લાગે છે એથી પણ વધુ ભ્રષ્ટ લાગતી હોત. તમે વિચાર કરો, સહેજ પણ વિકૃત ન થયેલી કોઈ નાની છોકરીને કે બાળકને લગ્ન (જાતીય સંબંધ) અસહજ-અકુદરતી લાગે કે નહીં? મારી બહેનને બહુ નાની ઉંમરે પરણાવી દેવામાં આવેલી. વર એનાથી બમણી ઉંમરનો ભયંકર વાસનાગ્રસ્ત પુરુષ હતો. એ દૃશ્ય અમે ક્યારેય નહીં ભૂલી શકીએ કે લગ્નની રાતે મારી બહેન એના વરથી ભાગીને રડતીરડતી કમરામાંથી ભાગેલી ત્યારે એ કેવી ધ્રૂજતી હતી. એ સાવ ફિક્કી પડી ગયેલી. અમે બહુ પૂછ્યું કે વાંધો શું પડ્યો, પરંતુ એના વરે એની સાથે જે કર્યું તે વિશે એ કશું જ બોલવા તૈયાર નહોતી.
`લગ્ન કુદરતી નથી. ભોજન કુદરતી છે. ભોજનમાં આનંદ છે. એ સાહજિક ક્રિયા છે. છેક જન્મથી જ માણસ એ ક્રિયા કરતો રહે છે. બાકી લગ્ન કુદરતી નથી. એક નિર્દોષ કન્યા કેવળ એક જ ચીજ ઝંખે છે. તે છે બાળક. એને બાળક જોઈએ છે, પુરુષ-પ્રેમી નહીં.'
`પણ આમાં તો (સ્ત્રી-પુરુષના જોડાણ વિના) માનવજાતનું સાતત્ય અટકી પડે' મેં કહ્યું.
`પણ સાતત્ય જળવાઈ રહે એની જરૂર શું છે?' પોઝ્નીશેફ અત્યંત તીવ્રતાપૂર્વક બોલ્યો.
`જરૂર શું છે? સાતત્ય ન ટકે તો પૃથ્વી પર આપણું, માનવજાતનું અસ્તિત્વ જ ન ટકે.'
`પણ અસ્તિત્વ ટકાવવાની જરૂર જ શી છે?'
`કેમ વળી? જીવતા રહેવા માટે અસ્તિત્વ ટકાવવું જરૂરી છે.'
`પણ જીવવું શા માટે જોઈએ?' પોઝ્નીશેફે અત્યંત આકરો સવાલ ઉઠાવ્યો અને પછી પોતાની વાત આગળ વધારીઃ `(જર્મન વિચારક) શોપનહોઅરથી માંડીને (ભારતીય) બુદ્ધ સુધીના અનેક વિચારકો કહે છે કે સૌથી મોટું સુખ નિર્વાણ એટલે કે અસ્તિત્વ ન હોવું તે છે. એક રીતે તેઓ સાચા છે. એટલું જ કે તેઓ આ વાતને બરાબર રીતે કહી નથી શક્યા. તેઓ એવું કહે છે કે પીડાથી બચવા માટે માનવજાતે લુપ્ત થઈ જવું જોઈએ. પોતાનો જ નાશ એ આપણું લક્ષ્ય હોવું જોઈએ, પણ પોતાના જ નાશનું લક્ષ્ય માનવી સ્વીકારી શકે નહીં.'
વાત અહીં બહુ અઘરી બની જાય છે. એટલે આગળની સળંગ વાત આવતા લેખમાં કરીશું.
અત્યાર પૂરતો આખી વાતનો પાયો સમજી લઈએ. ખૂની પોઝ્નીશેફ અંતિમ છેડાની વાત કરે છે. એનો વાસનાવિરોધ આત્યંતિક કક્ષાનો છે. માનવજાતને ટકાવી રાખનારી વાસનાનો વિરોધ કરતી વખતે એને વાસનાની સાથોસાથ આખેઆખી માનવજાતનો નાશ થઈ જાય એ વાતનો પણ વાંધો નથી, પણ અહીં સમજવા જેવું એ છે કે પોઝ્નીશેફ ખૂની હોવા છતાં, અત્યંત અતિરેકી વાતો કરતો હોવા છતાં,
છેવટે તો એ પોતાનું અને માનવજાતનું સુખ ઝંખે છે. એને એવું લાગે છે કે માણસ જ્યારે વાસનાથી ઉપર ઊઠી શકે ત્યારે જ એ સુખી થઈ શકે.
વાત એ જ છે જે શોપનહોઅરે કહી છે અને બુદ્ધે તેમજ ભારતીય વેદાંતે કહી છે કે સ્વનો, હુંનો, રાગદ્વેષનો અંત આવે ત્યારે જ સાચું સુખ મળી શકે. મુદ્દો કહેવાની રીતનો છે. સારી રીતે એમ કહેવાય કે સ્વને અતિક્રમવાથી, ઊંચે ઊઠવાથી સાચું સુખ મળે અને આકરી રીતે એમ કહેવાય કે જન્મ-મરણના ચક્કરમાંથી છૂટીએ અને આ પૃથ્વી પર આવવું જ ન પડે તો સાચું સુખ મળે.
એ અર્થમાં પોઝ્નીશેફને એવું લાગે છે કે આખી માનવજાત જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય તે એક સારી બાબત છે.
`આખી માનવજાત ભલે નાશ પામતી.' આવું કોઈ કહે તો સ્વાભાવિક છે કે સાંભળનારને આંચકો લાગે, દાઝ પણ ચડે, પરંતુ આવું કહેનારો માણસ આવું શા માટે કહે છે તે સમજવું રહ્યું. પોઝ્નીશેફના મંતવ્યના કારણ અને સ્પષ્ટતા વિશે જાણીશું આવતા અંકે.
